સાંજે ૪:૦૦ કલાકે મુખ્યમંત્રી રૂપાણી પત્રકાર પરીષદ યોજી ટ્રાફિકનાં નવા નિયમોનાં દંડ અંગેની માહિતી આપશે: નિર્ણય પર સૌની નજર
કેન્દ્ર સરકાર મોટર વ્હીકલ એકટમાં સુધારો કરીને ટ્રાફિકનાં નિયમનાં ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસુલવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાતમાં પણ દંડ વસુલવાનું શરૂ થવાનું છે ત્યારે સામાન્ય લોકોમાં અમલ પહેલા જ નવા દંડ સામે રોષ જોવા મળી રહ્યો છેે જેને પગલે આજે ગુજરાત સરકાર ટ્રાફિકનાં નવા નિયમો અને દંડ અંગેની જાહેરાત કરશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણી સાંજે ૪:૦૦ કલાકે પત્રકાર પરીષદ યોજી નવા નિયમો જાહેર કરશે જેમાં ગુજરાતનાં વાહન ચાલકોને દંડમાં રાહત મળે તેવી શકયતા સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, નવા મોટર વ્હીકલ એકટ અંગે આ અગાઉ સી.એમ. હાઉસમાં યોજાયેલી હાઈલેવલ મીટીંગ અનિર્ણિત રહી હતી ત્યારબાદ યોજાનારી બેઠક પણ મુલત્વી રાખવામાં આવી હતી હવે જોકે આજે મુખ્યમંત્રી રૂપાણી પત્રકાર પરીષદ યોજી નવા ટ્રાફિકનાં નિયમો અંગેની જાણકારી આપશે અને તેમાં દંડની જોગવાઈમાં પણ વાહન ચાલકોને રાહત મળે તેવું લાગી રહ્યું છે.
મોટર વ્હીકલ એકટનો દેશભરમાં અમલ શરૂ થયો છે જોકે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળે તો આ કાયદાનો અમલ કરવા ધરાર ના પાડી દીધી છે. ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારને મોટર વ્હીકલ એકટનો અમલ કરવા મુદ્દે મંથન કર્યું હતું. આજે જયારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંજે ૪:૦૦ કલાકે પત્રકાર પરીષદ યોજી સતાવાર ઘોષણા કરશે અને ટ્રાફિકનાં નવા નિયમો મુજબ કેટલો દંડ લેવાશે તે અંગે વિગતો જાહેર કરવામાં આવશે.
રાજય સરકાર કેન્દ્ર સરકારનાં નિયમો કરતા વ્યવહારુ દંડ લેવાનાં મતમાં છે આમ છતાં સરકાર શું નિર્ણય જાહેર કરે છે તેના પર સૌ કોઈની નજર છે.