બે વર્ષની બાળકી હિરવા લીવરની વારસાગત ગંભીર બિમારી ધરાવતી હતી. આ બાળકને એક જીવંત માતાએ આપેલા લીવરને સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ છે. આ બાળક અત્યાર સુધીમાં ગુજરાતમાં આ પ્રકારની સારવાર મેળવનાર સૌથી નાની વયનુ બાળક છે. હાલમાં કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદના સિમ્સ હોસ્પિટલે આ ખૂબજ મૂલ્યવાન સિમાચિન્હ ગણી શકાય તેવી સિધ્ધિ હાંસલ કરી છે.
હિરવાના પિતા રિક્ષા ડ્રાઈવર છે. તે અગાઉ એક બાળક આવી જ બિમારીમાં ગુમાવી ચૂક્યા છે. આ સફળ સર્જરી હાથ ધરાઈ તે પહેલાં હિરવાની હાલત ખૂબ જ નાજુક હતી. હિરવા આ સમસ્યાને કારણે ઘણીવાર કોમામાં સરી પડી હતી. હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીને કારણે અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવુ ઘણુ જોખમી હતું સાથે બાળકી ખૂબ નાની વયની હતી. આમ છતાં તેને લડત આપી અને લીવર ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે.
ડો. બીસી રોય એવોર્ડ વિજેતા ડો. આનંદ ખખરની આગેવાની હેઠળ સિમ્સ હોસ્પિટલની લીવર ટ્રાન્સપ્લાન્ટ ટીમે કોરોના મહામારીના સમયમાં પડકાર ઉપાડી લીધો હતો. સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરીખે આ સર્જરી માટે સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો. સિમ્સ ફાઉન્ડેશન અને સિમ્સ હોસ્પિટલના સહયોગથી સર્જરી પાર પાડી હતી. ડો. કેયૂર પરીખ જણાવે છે કે હિરવાની માતાએ તેમના લીવરનો એક હિસ્સો દાનમાં આપ્યો હતો અને અમારા ડોકટરોની તજજ્ઞ ટીમે એક અજાયબ કહી શકાય તેવી સર્જરી કરી છે. હિરવાની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થવાને કારણે કોઈપણ કપરી સ્થિતિ સામે લડત આપી ને માનવીય ભાવના પ્રત્યે અમારો અતૂટ વિશ્વાસ ટકી રહ્યો છે, જે હાલના કપરા સમયમાં ખૂબ જરૂરી એવો આશા અને સિધ્ધિનો સંદેશ આપી જાય છે.
ડો. કેયૂર પરીખ જણાવે છે કે બેબી હિરવા સારી રીતે સાજી થતી જાય છે. હું સિમ્સ ફાઉન્ડેશન, મિલાપ અને સ્વેચ્છાએ અંગદાન કરનાર દાતાનો ખૂબ જ આભારી છું.
ટ્રાન્સપ્લાન્ટ ટીમના ડિરેકટર ડો.ધીરેન શાહ જણાવે છે કે આ સર્જરી શક્ય બનાવવામાં અમને ગુજરાત સરકારની નોંધપાત્ર સહાય મળી છે. કોવિડ કાળમાં અમને સહયોગ પૂરો પાડવા બદલ અમે ડો. જયંતિ રવિ અને ડો. રાઘવેન્દ્ર દિક્ષિતના આભારી છીએ
સિમ્સ હોસ્પિટલ ખાતે લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ માત્ર છ માસ જૂનો છે અને અત્યાર સુધીમાં અમને કોઈ પણ મૃત્યુ વગર ૧૦૦ ટકા સફળતા હાંસલ થઈ છે. અત્યાર સુધીમાં ૫ જીવતા દાતા સહિતનાં ૬ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે અને અત્યાર સુધીમાં તમામની તબીયત સારી છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામમાં આ સિધ્ધિ આસાનીથી હાંસલ થતી નથી.
સફળતાના રહસ્યમાં ડો. ગૌરવ પટેલ, ડો. અમિત ચિતલીયા, ડો. હિમાંશુ શર્મા, ડો. પ્રાચી બ્રહ્મભટ્ટ, પ્રફૂલ્લ અચાર અને એનેસ્થેટીસ્ટ ડો. નિરેન ભાવસાર અને ડો. દિપક દેસાઈની સાથે સાથે ડો. આનંદ ખખરે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનમાં પાયાની ભૂમિકા ભજવી છે.