રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટઝોન વિસ્તારમાં વોર્ડ નં ૯ માં પેરેડાઇઝ હોલની સામે, સાધુવાસવાણી રોડ પાસે કુલ રૂ. ૫.૨૭ કરોડના ખર્ચે અદ્યતન લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવેલ છે. આ અધ્યત્તન પુસ્તકાલયનું આગામી તા. ૨૦મી જુલાઈએ ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. આ સાથે રાજકોટના નાગરિકોને વધુ એક મોડર્ન લાઈબ્રેરીની સુવિધા પ્રાપ્ત થશે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
આ વિશે વધુ વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રીએ એમ કહ્યું હતું કે,આ પ્રોજેક્ટમાં રૂ. ૩.૨૦ કરોડ બાંધકામ + રૂ. ૨.૦૭ કરોડ આકર્ષક ઇન્ટીરીયર એમ કુલ મળીને રૂ.૫.૨૭ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. કુલ ૩૫૦૦૦ ચો.ફૂટનુ બાંધકામ ધરાવતી આ લાઇબ્રેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વાંચનાલય, ઓફિસ, ડીસપ્લે એરીયા, મિટિંગ રૂમ, સ્ટોરેજ, રેફરન્સ રીડીંગ એરિયા, પીરીયોડીકલ રીડીંગ એરિયા, ન્યુઝપેપર સેક્શન, રીસેપ્શન/વેઈટીંગ, ચિલ્ડ્રન સેક્શન, ઓપન એર થીએટર, ઇન્ટરનેટ ઝોન, ડીજીટલ લાઇબ્રેરી, પ્રથમ માળે વાંચનાલય, સ્પે. રીડીંગ સેક્શનની સુવિધા, બીજા માળે રીડીંગ ઝોન, ઓડીઓ વિઝ્યુઅલ રૂમ અને ત્રીજા માળે સ્ટોરની સુવિધા આપવામાં આવેલ છે. આ લાઈબ્રેરીમાં રૂ. ૩૬ લાખના ખર્ચે ૩૦,૦૦૦ પુસ્તકો, રૂ. ૧૦ લાખના ખર્ચે ૪૦૦૦ ડીવીડી અને રૂ.૧૦ લાખના ખર્ચે ગેમ્સ, પઝલ્સ અને રમકડા ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે.
કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ વધુમાં ઉમેર્યું હતું કે, લાઈબ્રેરીમાં આકર્ષક ઇન્ટીરીયર વર્ક જેમાં તમામ પ્રકારના ટેબલ, ખુરશીઓ, રિસેપ્શન કાઉન્ટર, થીયેટર માટે પ્રોજેક્ટર તેમજ સ્ક્રીન્સ, CCTV કેમેરા, સોફાસેટ, ચિલ્ડ્રન રૂમ માટે જરૂરી ફર્નીચર, સ્ટેન્ડિંગ AC, સ્પ્લીટ AC, LED પ્રોફાઈલ લાઈટ્સ, પડદા, ઇન્ફોર્મેશન કિયોસ્ક, બુક્સ રાખવા માટે રેક, એન્ટ્રન્સ દીવાલ માટે વોલ આર્ટ, જનરલ ઇલેક્ટ્રિક વર્ક વગેરે કામગીરી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત કલરફુલ આકર્ષક એલીવેશન, ભાઇઓ અને બહેનો માટે અલગ ટોઇલેટની વ્યવસ્થા, તેમજ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા આપવામાં આવેલ છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કેનાલ રોડ પર શ્રી પી.જે.પી.એન. લાઈબ્રેરી, જિલ્લા ગાર્ડનમાં ડો.આંબેડકર પુસ્તકાલય, મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતેનું પુસ્તકાલય, શ્રોફ રોડ પર સ્થિત શ્રે દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, નાના મવા ચોક ખાતે મહિલા એક્ટીવીટી સેન્ટરમાં મહિલા પુસ્તકાલય, અને અમીન માર્ગ પર સ્થિત લાઈબ્રેરી બનાવવામાં આવેલી છે. આ ઉપરાંત બહેનો અને બાળકો માટે હરતા ફરતા પુસ્તકાલયો યુનિટ-૧ અને યુનિટ-૨ પણ કાર્યરત્ત છે. હવે વેસ્ટઝોન વિસ્તારમાં વોર્ડ નં. ૯ માં પેરેડાઇઝ હોલની સામે, સાધુવાસવાણી રોડ પર વધુ એક મોડર્ન પુસ્તકાલય તૈયાર થઇ ચૂક્યું છે. આ તમામ લાઈબ્રેરીમાં કુલ મળીને ૧.૭૫ લાખ પુસ્તકો ઉપલબ્ધ છે.