મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે મહામારી વચ્ચે ઉદ્યોગોને રાહત મળે તે માટે નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરી છે. જેમાં વિવિધ સબસિડી અને કેપિટલ ઇનસેન્ટિવ ઉદ્યોગોને અપાશે. સૌથી મોટી રાહત એવી છે કે ઉદ્યોગોને જમીન ખરીવાના બદલે લાંબાગાળા માટે લીઝ ઉપર આપવામાં આવશે જેમાં ઉદ્યોગોએ લીઝ માટે જમીનની કિંમત ના ૬ ટકા લેખે રેન્ટ સરકારને આપવાનું રહેશે.
રાજ્યની હાલની ઉદ્યોગ નીતિ 31મી ડિસેમ્બર 2019માં પૂર્ણ થઇ છે પરંતુ નવી નીતિ ન બને ત્યાં સુધી જૂની નીતિના લાભોને ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ,આજે રૂપાણી સરકારની ચોથી વર્ષગાંઠે આ નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 બહાર પાડવામાં આવી છે.
નવી પોલિસીનો સમયગાળો 2020 થી 2025 સુધીનો રહેશે જેમાં ત્રણ વાયબ્રન્ટ સમિટ આવી શકે છે.
- મોટા ઉદ્યોગોને કેપિટલ સબસીડી તરીકે ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ(FCI) એટલે કે પાત્ર મૂડીરોકાણના 12% ના ધોરણે રોકડ રકમ આપવામાં આવશે.
- કોઇપણ ઔદ્યોગિક એકમને વળતરની રકમની કોઈ મહત્તમ મર્યાદા રાખવામાં આવી નથી.
- વાર્ષિક રૂ. 40 કરોડની ટોચમર્યાદા હોવાના કારણે જો એકમને મળવાપાત્ર કેપીટલ સબસીડી 10 વર્ષના સમયગાળાની અંદર ચુકવણી ન કરી શકાય તો આવા એકમોના કિસ્સામાં, વાર્ષિક ટોચમર્યાદા રૂ. 40 કરોડ જ રહેશે તેવી શરત સાથે 10 વર્ષની સમયમર્યાદામાં વધુ 10 વર્ષનો વધારો કરી આપવામાં આવશે.
- વાર્ષિક રૂ. 40 કરોડની ટોચમર્યાદા હોવાના કારણે જો મળવાપાત્ર કેપીટલ સબસીડી 20 વર્ષના સમયગાળાની અંદર ચુકવણી ન કરી શકાય તો મળવાપાત્ર કેશ સબસીડીનું વિતરણ 20 વર્ષના સમાન હપ્તાની અંદર કોઈ ટોચમર્યાદા વિના કરવામાં આવશે.
- આ ઉપરાંત, નવા ઉદ્યોગોને પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવામાંથી છૂટ આપવાનું ચાલુ રાખવામાં આવેલ છે.
- કેપિટલ સબસીડી: MSMEs ને પાત્ર ધિરાણની રકમના 25% સુધીની અને મહત્તમ 35 લાખ સુધીની કેપિટલ સબસીડી મળવાપાત્ર રહેશે.
- જો પ્રોત્સાહનપાત્ર ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ 10 કરોડથી વધુ હોય, તો તે ઔદ્યોગિક એકમને 10 લાખની વધારાની કેપિટલ સબસીડી મળવાપાત્ર રહેશે.
- ઇન્ટરેસ્ટ સબસીડી: એમએસએમઇને 7 વર્ષના સમયગાળા સુધી પ્રતિ વર્ષ ટર્મ લોન પર લાગતા વ્યાજના દરના 7% સુધી અને મહત્તમ 35 લાખ સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી મળવાપાત્ર રહેશે.
- મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અનુસૂચિત જાતિ/જનજાતિ/શારીરિક વિકલાંગ ઉદ્યોગસાહસિકો/મહિલા ઉદ્યોગસાહસિકો/સ્ટાર્ટઅપને વધારાની 1% ઈન્ટરેસ્ટ સબસીડી.
- આ ઉપરાંત, 35 વર્ષની નાના યુવા ઉદ્યોગસાહસિકોને લોન મંજુર થયાના દિવસે 1% વધારાની ઈન્ટરેસ્ટ સબસીડી.
- સેવા ક્ષેત્રના MSMEs: આ MSMEs ને 7% સુધીની ઇન્ટરેસ્ટ સબસીડી આપવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં નાણાકીય સેવાઓ, આરોગ્યલક્ષી સેવાઓ, દ્રશ્ય-શ્રાવ્ય સેવાઓ, કંસ્ટ્રક્શન સંબંધિત એન્જિનિયરિંગ સેવાઓ, પર્યાવરણીય સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.
- MSMEs દ્વારા વિદેશી ટેક્નોલોજીઓનું સંપાદન: રાજ્ય સરકાર પહેલી વખત વિદેશી પેટન્ટેડ ટેક્નોલોજીઓને સંપાદિત એકવાયર કરવા કરવાના કુલ ખર્ચના 65% સુધીની નાણાકીય સહાય પ્રદાન કરશે. (મહત્તમ 50 લાખ સુધીના સહાય આપવામાં આવશે.)
- MSMEs ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ કરવા પ્રોત્સાહિત કરવા માટે, નવી ઇન્ડસ્ટ્રિયલ પોલિસી ભારતમાં યોજાયેલા એક્ઝિબિશનમાં MSMEsને સ્ટોલ નાખવાના કુલ ભાડાના 75% નાણાકીય સહાય (મહત્તમ 2 લાખ) અને ભારતની બહાર યોજાયેલા એક્ઝિબિશનમાં સ્ટોલ નાખવાના કુલ ભાડાના 60% નાણાકીય સહાય (મહત્તમ 5 લાખ) અપાશે.
- MSMEs એકમમાં રૂફટોપના ઉપયોગથી સોલર પાવર પ્રક્રિયાને વધુ સરળ અને આકર્ષક બનાવવાના ઉદ્દેશથી યુનિટ્સના વપરાશની ગણતરી માટેની પાવર સાયકલની ગણતરી 15 મિનિટથી વધારીને સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીની કરી દેવામાં આવી છે.
- MSMEs પાસેથી વધારાની સૂર્યઊર્જા (સરપ્લસ સોલર પાવર) ખરીદવા માટેની કિંમત 75 પ્રતિ યુનિટથી વધારીને 2.25 પ્રતિ યુનિટ કરી દેવામાં આવી છે.
- પ્રવર્તમાન ઉદ્યોગોમાંથી જે સૂર્યઊર્જાનો ઉપયોગ કરવાનું શરૂ કરે, તેમને ટર્મ લોન પર ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવશે.
- જે MSME એકમો એન્ટરપ્રાઈઝ રિસોર્સ પ્લાનિંગ (ERP) અને ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી તેમજ ZED સર્ટિફિકેશન જેવા ગુણવત્તાલક્ષી સર્ટિફિકેટશ, પેટન્ટ ફાઈલિંગ જેવા પાસાઓ અપનાવે તેમને ઈન્સેન્ટીવ આપવામાં આવશે.
- રાજ્યમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે રાજ્ય સરકાર 50 વર્ષ સુધી લાંબાગાળાની લીઝ ઉપર ‘સરકારી જમીન’ મેળવવામાં ઉદ્યોગોને સુવિધા પૂરી પાડશે અને ઔદ્યોગિક એકમોને જમીનની બજાર કિમતના 6% લીઝ રેન્ટ પર આપવામાં આવશે. આવા ઉદ્યોગો બેન્કમાંથી લોન-સહાય મેળવી શકે તે માટે જમીન મોટર્ગેઝ પણ કરવા મજુરી આપવામાં આવશે. લીઝનો સમયગાળો જે તે સમયે પ્રવર્તતા નિયમો અનુસાર વધુ સમય માટે લબાવી શકાશે
- સ્ટાર્ટઅપને સીડ સપોર્ટ 20 લાખથી વધારીને 30 લાખ સુધીનો કરવામાં આવ્યો છે.
- સ્ટાર્ટઅપ એકમને આપવામાં આવતા સસ્ટેનન્સ એલાઉન્સને એક વર્ષ માટે 10,000 પ્રતિ માસથી વધારીને 20,000 કરવામાં આવ્યું છે.
- જે સ્ટાર્ટઅપમાં ઓછામાં ઓછા એક મહિલા સહસ્થાપક હોય તેનું સસ્ટેનન્સ એલાઉન્સ 25,000 પ્રતિ માસ એક વર્ષ માટે કરવામાં આવ્યું છે.
- સ્ટાર્ટ-અપ્સના મિડ-લેવલ પ્રી-સીરીઝ A ફંડિંગ માટે, ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ(GVFL) હેઠળ એક અલગ ફંડનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, સ્ટાર્ટ-અપ્સને 1% વધારાની ઇન્ટરેસ્ટ સબસીડી આપવામાં આવશે. (એટલેકે ટર્મ લોન પર 9% સુધી.)
- સમાજમાં નોંધપાત્ર પ્રભાવ ઉભો કરી શકે તેવા સ્ટાર્ટઅપને વધારાની રૂ. 10 લાખ સુધીની ગ્રાન્ટ.
- રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય માન્યતાવાળા એક્સીલરેશન પ્રોગ્રામોમાં નોંધણી માટે સ્ટાર્ટ-અપ દીઠ 3 લાખ સુધીની વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
- સોફ્ટ સ્કીલ માટે સહાય: મેનેજર કક્ષાની તાલીમ, સોફ્ટ સ્કીલ તાલીમ, માર્કેટિંગ કૌશલ્ય, ફંડરેઈજીગ, ફાઈનાન્સ જેવી બાબતોની તાલીમ માટે સ્ટાર્ટઅપ એકમોને 1 લાખ સુધીનું ભંડોળ રિએમ્બર્સમેન્ટ સ્વરૂપે આપવામાં આવશે.
- માન્યતા પ્રાપ્ત નોડલ ઈન્સ્ટીટ્યુટ્સને પ્રતિ સ્ટાર્ટઅપ દીઠ રૂ. 1 લાખની મેન્ટોરિંગ સહાય (મહત્તમ રૂ. 15 લાખ પ્રતિ વર્ષ પ્રતિ ઈન્સ્ટીટ્યુટ) આપવામાં આવશે.
- અન્ય દેશોમાંથી રિલોકેટ (સ્થળાંતર) કરવાની યોજના બનાવી રહેલી આવી કંપનીઓને ગુજરાતમાં ઉત્પાદનના એકમ સ્થાપવા કેસ ટુ કેસ વિશેષ ઇન્સેન્ટિવ્સ આપશે.
- રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તેમજ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર્સ સ્થાપવા માટે આ પોલિસી ખાનગી કંપનીઓ અને સંસ્થાઓને 5 કરોડની સહાયતા પ્રદાન કરશે.
- કોઈપણ ઈન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઈસ/ઈન્ડસ્ટ્રીયલ એસોશિયેશન/માન્યતાપ્રાપ્ત આર.એન્ડ.ડી ઈન્સ્ટીટ્યુશનસ્ટીટ્યુશન/AICTE માન્ય ટેકનિકલ કોલેજ દ્વારા કરવામાં આવેલ કોન્ટ્રાક્ટ/સ્પોન્સર્ડ રિસર્ચ વર્કને પ્રોજેક્ટ ખર્ચના (જમીન અને બિલ્ડીંગ ખર્ચ સિવાય) 50% જેટલી સહાય મહત્તમ રૂ. 50 લાખની મર્યાદામાં આપવા અંગે વિચાર હેઠળ લઈ શકાશે.
- રાજ્યમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ સ્થાપિત કરવા માટે આ પોલિસી ખાનગી ડેવલપર્સને ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 25% (30 કરોડ સુધી) ઇન્સેન્ટિવ્સ આપશે.
- ક્લસ્ટર્સને પ્રોત્સાહન આપવા માટે, રસ્તાઓનું નિર્માણ અને અપગ્રેડેશન, વેરહાઉસની સુવિધાઓ, ફાયર સ્ટેશન્સ, અંડરગ્રાઉન્ડ યુટિલિટીસ વગેરે જેવા ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્થાપિત કરવા માટે પ્રોજેક્ટ કોસ્ટના 80% (25 કરોડ સુધી) સુધીની નાણાંકીય સહાય પ્રદાન કરવામાં આવશે.
- ઔદ્યોગિક ક્લસ્ટર્સના શ્રમિકો-મજૂરોને રહેવા માટે વધુ સારી સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સમાં ડોરમેટરી હાઉસિંગ માટે ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી નીચે 80% આર્થિક સહાયતા એટલે કે (25 કરોડ સુધી)આપશે.
- GPCBદ્વારા પ્રમાણિત થયા મુજબ ‘ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ’ દ્વારા ઓછામાં ઓછી 50% વેસ્ટ રિકવરીની પદ્ધતિને અનુસરતા ઉદ્યોગોને 50% (75 લાખ સુધી) કેપિટલ સબસીડી આપવામાં આવશે.
- કોમન એન્વાયર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ માટેનો સપોર્ટ કુલ પ્રોજેક્ટ કોસ્ટના પ્રવર્તમાન 25% થી વધારીને 40% કરવામાં આવ્યો છે. જેમાં મહત્તમ 50 કરોડ સુધીની સહાયતા.
- ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ્સ સ્થાપિત કરવા માટે કે તેના રિલોકેશન માટે અથવા તો પ્રવર્તમાન પ્રદૂષણકારી ઔદ્યોગિક એકમનું રેટ્રોફિટિંગ કરીને તેને ગ્રીન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ્સમાં ફેરવવા માટે પ્રોજેક્ટ કોસ્ટના 25% 25 કરોડ સુધી)ની નાણાકીય સહાય.
- ઓછામાં ઓછા 10 MSME એકમો દ્વારા સ્થાપિત સ્પેશ્યલ પરપઝ વ્હીકલના કોમન બોઈલર પ્રોજેક્ટને ફિક્સ્ડ એસેટ્સના ખર્ચના 50% જેટલું ઈન્સેન્ટીવ રૂ. 2 કરોડની મર્યાદામાં આપવામાં આવશે.
- આ પોલિસી કૌશલ્ય વૃદ્ધિ માટે વ્યકિતદીઠ એક તાલીમના 15000 સુધીના પ્રોત્સાહનો આપશે.
- સરકાર સંબંધિત તમામ પ્રશ્નો અને મંજૂરીઓ માટે એક સિંગલ પોઇન્ટ કોન્ટેક્ટ તરીકે રોકાણકારો માટે ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન બ્યુરો (iNDEXTb) દ્વારા ડેડિકેટેડ ‘રિલેશનશીપ મેનેજર્સ’નોમિનેટ કરવામાં આવશે.
- ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ સ્ટેટ સિંગલ વિંડોમાંથી લગભગ 5 લાખ અરજીઓ પ્રોસેસ કરવામાં આવી છે. રોકાણકારોને રાજ્યો સંબંધિત વિવિધ 26 મંજૂરીઓ અને અનુપાલન માટે માત્ર એક જ અરજી ફોર્મ સબમિટ કરવાની જરૂર રહેશે.
- રાજ્યમાં પારદર્શીતા અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વેગ આપવા સેન્ટ્રલાઇઝડ ઇન્સ્પેકશન સિસ્ટમનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલો છે.
- 2015ની પોલીસી અંતર્ગત જે પ્રોજેકટસ અમલીકરણના વિવિધ તબક્કે છે તેમને ઉત્પાદનમાં જવા અને પ્રોજેકટ પૂર્ણ કરવા નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસી જાહેર થયાના 1 વર્ષ સુધીમાં કાર્યરત કરવાનો સમય આપવામાં આવશે. જ્યારે કોમન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસને પ્રોજેકટ પૂર્ણ કરવા નવી ઇન્ડસ્ટ્રીયલ પોલીસી જાહેર થયાના 2 વર્ષમાં કાર્યરત કરવાનો સમય આપવામાં આવશે.