રેરાનું રજિસ્ટ્રેશન, સ્થાનિક વિસ્તાર, બિલ્ડરની આર્થિક ક્ષમતા સહિતના મુદ્દા ગ્રાહકે ધ્યાનમાં રાખવા જોઈએ
થોડા વર્ષે પહેલા ભારતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર સ્લો ડાઉનમાંથી પસાર થઈ રહ્યું હતું. ત્યારબાદ નાણાની તરલતા ન હોવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રની સ્થિતિ વધુ મુશ્કેલ બની હતી. પરંતુ એનબીએફસીએ આ ક્ષેત્રને ઉગારવા કરેલા પ્રયત્નો ધીમે ધીમે સકારાત્મક બન્યા છે અને હાલ આ એક જ ક્ષેત્ર એવું છે જે સતત વિકાસ સાધી રહ્યું છે. આવા સંજોગોમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં લોકો નવા ઘરને વધુ પસંદ કરવા લાગ્યા છે. અત્યાર સુધી ફસાયેલા ૫ લાખથી વધુ એપાર્ટમેન્ટ હવે ચપોચપ વેંચાય જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. હાલ બહોળી સંખ્યામાં નવા મકાન બની રહ્યાં છે ત્યારે હવે નવા ઘર ખરીદતી વખતે શું ધ્યાનમાં લેવું જોઈએ તે અંગે ગ્રાહકોમાં અસમંજસ જોવા મળે છે. જેથી અહીં આ અંગે માર્ગદર્શન આપવાનો પ્રયાસ થયો છે.
૧. પ્રોજેકટ રેરા હેઠળ નોંધાયેલો છે?
જે પ્રોજેકટ રેરા હેઠળ નોંધાયેલ હોય તે પ્રોજેકટમાં જ મકાન ખરીદવું જોઈએ. રેરા હેઠળ પ્રોજેકટની નોંધણી ત્યારે જ થાય છે જ્યારે તે પ્રોજેકટ તમામ ધારા-ધોરણને અનુરૂપ હોય. જો કે રેરાની અપ્રુવલ પ્રોજેકટનું બાંધકામ શરૂ કરતી વખતે જ જરૂરી હોય છે. રેરા હેઠળ નોંધાયેલા પ્રોજેકટને મહદઅંશે વિશ્વાસપાત્ર ગણી શકાય.
૨. બિલ્ડર આર્થિક રીતે મજબૂત છે?
પ્રોજેકટ રેરા હેઠળ નોંધાયેલો છે તેથી તુરંત પ્રોજેકટમાં મકાન ખરીદવું જોઈએ નહીં. બિલ્ડર પણ આર્થિક રીતે કેટલો સ્ટ્રોંગ છે તે જાણવું પણ જરૂરી છે. રેરાની એપ્રુવલ પ્રોજેકટ સ્ટાર્ટ કરવા મળે છે. જેથી પ્રોજેકટ પૂર્ણ કરવા બિલ્ડર પોતે આર્થિક રીતે સક્ષમ હોવો જરૂરી છે. અગાઉના પ્રોજેકટ અને ચાલી રહેલા પ્રોજેકટ અંગે ગ્રાહકે સંપૂર્ણ જાણકારી મેળવવી જોઈએ. બિલ્ડરના એનસીએલટી કેસ ઉપર પણ નજર રાખવી જોઈએ.
૩. સ્થાનિક વિસ્તાર કેવો છે?
પ્રોજેકટની અંદર કઈ કઈ સુવિધા છે તે જાણવું તો જરૂરી છે પરંતુ તેની સાથે પ્રોજેકટ કયાં વિસ્તારમાં છે અને તે વિસ્તાર કેવો છે તેની જાણકારી વધુ મહત્વની છે. સાઈટ ઉપર વિઝીટ કરવી ફરજીયાત બની જાય છે. સાઈટ વિઝીટ કર્યા બાદ તુરંત બિલ્ડરના એગ્રીમેન્ટને માની લેવું જોઈએ નહીં. સ્થળનું સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચરને પણ ધ્યાનમાં લેવું જોઈએ. જે સ્થળે મકાન લેવાનું છે તે સ્થળે ભવિષ્યમાં સ્કૂલ કોલેજ, હોસ્પિટલ બની શકે તેવી સ્થિતિ છે ? તે પણ જોવું જોઈએ.
આ ઉપરાંત મકાનની કિંમત કેટલી રિઝનેબલ છે?, બિલ્ડર કોઈ ડિસ્કાઉન્ટ આપે છે કે નહીં ? આગામી સમયમાં પ્રોજેકટની આસપાસ કઈ પ્રકારના અન્ય પ્રોજેકટો બનશે ? મકાન આપવાની ટાઈમ લાઈન ગ્રાહકને પોસાય શકે તેવી છે કે નહીં ? સહિતની વસ્તુને પણ મકાન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવી જરૂરી બની જાય છે.