નવી વહુ નવ દિવસ સુધી મહેમાન ગણાય જેવી હાથની મ્હેંદી ઘસાય કે તેનું ઘરના કામના બોજ હેઠળ જીવન શરૂ થઇ જાય..! NDA-2નાં નવા મંત્રીમંડળને તો નવી વહુ જેટલો પણ સમય મળવાનો નથી.
ગત વર્ષે બહાર આવેલા IL&FSના ભોપાળા બાદ દેશનું NBFCમાળખું ચિંથરેહાલ હોવાનું જણાતા સરકારે આ સેક્ટરના છીંડા દૂર કરવા કરવા RBIને જણાવ્યું હતું. પણ ચૂંટણીઓ આવતા તેનો અમલ અટકી ગયો હતો. હવે સરકાર ફરી સત્તાસ્થાને બેસી ગઇ છે તેથી તેની પ્રાથમિકતા આ સકેટર હોય તે સ્વાભાવિક છે. RBIની નવી ગાઇડલાઇન્સ નો ડ્રાફ્ટ તૈયાર થઇ ગયો છે. પણ તેનો અમલ થાય તે પહેલા જ દિવાન હાઉસિંગ એટલે કે DHFL મધ દરિયે ડૂબી રહ્યું હોવાના સંકેત મળ્યા છે. આવા સંજોગોમાં છિંડા દૂર કરવા માટેની RBI ની નવી ગાઇડ લાઇન્સમાં ક્યાંક બાંકોરા ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે.
DHFLએ મે મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં નવી FDસ્વિકારવાનું બંધ કર્યું છે. જુની FDને રિન્યુ કરવાનું અને હાલની FDને પ્રિમેચ્યોર બ્રેક કરીને ડિપોઝિટરોને વહેલા નાણા આપવાનું પણ બંધ કર્યુ છે. મતલબ કે કંપનીમાં આ સેગ્મેન્ટ હાલ તુરંત ફ્રીઝીંગ મોડ માં રહેશે. લિક્વીડીટીની સમસ્યાને પહોંચી વળવા આ નિર્ણય લેવાયો છે.આમેય તે CAREરેટિંગ એજન્સીએ DHFLનું રેટિંગ અ થી ઘટાડીને BBB કરીનાખ્યું છે.
RBIની નવી આવી રહેલી ગાઇડ લાઇન્સમાં જે NBFCકંપનીઓ પાસે ૫૦૦૦ કરોડ થી વધારે રૂપિયાની એસ્સેટ હોય તેને અમુક ટકા રકમ લિક્વીડીટી વધારવાની યોજના હેઠળ ફંડ ફાળવવાની પહેલ કરવામાં આવશે એવી વાત છે. આ પ્રયાસને, દેશમાં લિક્વીડીટીના અભાવે આગામી દિવસોમાં દેખાઇ મંદીને ખાળવાનો પ્રયાસ કહી શકાય. પણ અહીં મોટો સવાલ એજ છે કે આ ફંડ ફાળવાયા બાદ આવેલા નાણા ફરીથી નોન-લિક્વીડ એસ્સેટમાં કે NPAઐસ્સેટમાં ઇન્વેસ્ટ થઇ જશે તો શું? શું સરકાર માટે બકરું કાઢતા ઉંટ ઘુસી ગયા જેવા હાલ થાય! છિંડા બંધ કરવા માટેના સમારકામમાં મોટું બાકોરૂં પડી જાય તો દેશની ઇકોનોમી વધારે ખરાબ થઇ શકે છે.
નેશનલ હાઉસિંગ બેંકનાં આંકડા પ્રમાણે DHFLજેવી ૧૮ હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓને પબ્લિક ડિપોઝીટ લેવાની પરવાનગી અપાઇ છે. આવી કંપનીઓએ માર્ચ-૨૦૧૮ સુધીમાં જ આશરે ૧.૨૨ લાખ કરોડ રૂપિયાની ડિપોઝીટ લીધી છે. આ ઉપરાંત RBIનાં આંકડા બોલે છે કે ૮૯ નોન-બેંકિંગ ફાયનાન્સ કંપની (NBFC) ને પણ આવા લાયસન્સ આપવામાં આવ્યા છે અને આવી કંપનીઓએ પણ આશરે ૩૨૫૦૦ કરોડ રુપિયાની ડિપોઝીટો લીધી છે. યાદ રહે કે સરકારી બેંકોની FDની તુલનાએ આવી કંપનીઓની FDઓને ઇન્શયોરન્સનું કોઇ કવચ હોતું નથી. વળી તેની જોગવાઇઓ એવું કહે છે કે નેંક FDકરતાં આ કંપનીઓની FDરોકાણકારો માટે વધારે જોખમી છે.
RBIની નવી ગાઇડલાઇન્સ આગામી નાણાકિય વર્ષ એટલે કે એપ્રિલ-૨૦ માં અમલમાં મુકાવાની વાત છે. જેમાં NBFCકંપનીઓના માર્જિન પર મોટું પ્રેશર લાવે એવી સંભાવના છે.જેમાં NBFCને તેમા LCR શરૂઆતથી તેમના જ નેટ કેશ આઉટ ફ્લોના ૬૦% રાખવા પડશે. જેને એપ્રિલ-૨૦૨૪ સુધીમાં ૧૦૦% સુધી લઇ જવા પડશે. જો આ જોગવાઇનો અમલ થાય તો BFCકંપનીઓને તેમને મળતી ડિપોઝીટનો મોટો હિસ્સો ઓછા જોખમ વાળી લિક્વીડ એસ્સેટમાં રોકવાનું ફરજીયાત બનશે.
મતલબ કે આગામી દિવસોમાં NBFCનાં રોકાણ કોઇ બિલ્ડરો, પ્રાઇવેટ ફાયનાન્સ કે ઝી ટેલિફિલ્મસ વાળાને નહીં પણ સરકારી બોન્ડમાં જ વધારે રહેશે. આવા સંજોગોમાં તેમને ઉંચા વ્યાજે ડિપોઝીટ લેવી નહી પરવડે અને મોટા બિઝનેસમેનોને ધંધો કરવા માટે ઉંચુ વ્યાજ આપવા છતાં લોન નહી મળે.. એટલે પાછો લિક્વડિટીનો પ્રોબ્લેમ..! બસ આવી જ રીતે નવી સરકારના બીજા પાંચ વર્ષ પણ નીકળી જશે..!