અડદીયા, મુખવાસ, કોડીયા, તોરણ, રંગો માસ્ક સહિતની વસ્તુઓ બનાવી કર્યુ વેંચાણ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલની મારુતિનગર, રણછોડનગર અને નવા થોરાળા સ્થિત શાળાઓના આચાર્ય બહેનો દ્વારા દિવાળી-નવવર્ષ નિમિત્તે નૂતન પહેલ કરવામાં આવી છે. આ અંગે સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કાળમાં શાળાઓ બંધ છે ત્યારે અમારી ત્રણેય શાળાનાં આચાર્ય બહેનો વર્તમાન સમયને અનુરૂપ વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેંચાણ કરી રહ્યાં છે. સરસ્વતી શિશુમંદિરનાં સ્કિલ ડેવલોપમેન્ટ વિભાગ અંતર્ગત સરસ્વતી શિશુમંદિરના આચાર્ય બહેનો દ્વારા વ્યાજબી ભાવે વર્તમાન સમયને અનુરૂપ વસ્તુઓનું ઉત્પાદન અને વેંચાણ કરવામાં આવી રહ્યું છે.
સરસ્વતી શિશુમંદિર મારુતિનગરનાં ટ્રસ્ટી પલ્લવીબેન દોશીના માર્ગદર્શનમાં શાળાનાં આચાર્ય બહેનો હાઈજેનિક કિચનમાં શુદ્ધ મસાલેદાર દ્રાયફ્રૂટ અડદિયા બનાવી વાજબી ભાવમાં વેંચાણ કરી રહ્યા છે. એ જ રીતે રણછોડનગરમાં આવેલા સરસ્વતી શિશુમંદિરનાં ટ્રસ્ટી કેતનભાઈ ઠક્કરનાં માર્ગદર્શનમાં આચાર્ય બહેનો મુખવાસ, ચોકલેટ, તોરણ, કોળિયા, રંગોળીનાં રંગો વગેરે વસ્તુઓનું વેંચાણ કરી રહ્યા છે આ ઉપરાંત સરસ્વતી શિશુમંદિર થોરાળામાં ખંતીલભાઈ મહેતાનાં માર્ગદર્શનમાં આચાર્ય બહેનો દ્વારા માસ્ક બનાવી તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલની આ નવતર પહેલની ચોમેરથી પ્રસંશા થઈ રહી છે.