પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાયર એજયુકેશન પર થઈ રહેલા કોન્કલેવમાં સંબોધન કર્યું
ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે હાયર એજ્યુકેશન પર થઈ રહેલા કોન્ક્લેવમાં સંબોધન આપી કહ્યું હતું કે, ૩-૪ વર્ષના વિચાર-વિમર્શ અને લાખો સૂચનો પછી એજ્યુકેશન પોલિસી મંજૂર કરાઈ છે. અલગ અલગ ક્ષેત્ર અને વિચારધારાઓના લોકો તેમના મત આપી રહ્યા છે. આ હેલ્થી ડિબેટ છે, જે જેટલી વધારે થશે એટલો જ લાભ થશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવ્યા પછી દેશના કોઈ પણ વર્ગ તરફથી એવા સવાલો ઊભા થયા નથી કે આ ક્યાં પ્રકારનો ભેદભાવ છે. લોકો વર્ષોથી ચાલતી શિક્ષણ વ્યવસ્થામાં ફેરફાર ઈચ્છતા હતા, જે તેમને હવે મળ્યા છે.
દરેક દેશ તેની શિક્ષણ વ્યવસ્થાને રાષ્ટ્રીય મૂલ્યો સાથે જોડીને રાષ્ટ્રીય લક્ષ્ય તરફ આગળ વધે છે. જેથી દેશની એજ્યુકેશન સિસ્ટમ તેની વર્તમાન અને આવનારી પેઢીઓનું ભવિષ્ય તૈયાર કરી શકે. ભારતની પોલિસીનો આધાર પણ આ જ વિચાર છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૧મી સદીના ભારતનો પાયો તૈયાર કરવા જઈ રહી છે.
છેલ્લા ઘણા વર્ષથી આપણા શિક્ષણનીતિમાં કોઈ ફેરફાર થયો નથી,જેનાથી સમાજમાં સિક્યોરિટી અને ઈમેજિનેશનની વેલ્યૂને પ્રોત્સાહિત કરવાની જગ્યાએ ઘેટા બકરાની ચાલને પ્રોત્સાહન મળવા લાગ્યું હતું. ક્યારેક ડોક્ટર તો ક્યારેક એન્જિનીયર તો ક્યારેક વકીલ બનાવવાની સ્પર્ધા લાગવા માંડી. આમાંથી બહાર નીકળવું જરૂરી હતું. જ્યાં સુધી શિક્ષણમાં જુસ્સો ન હોય, શિક્ષણનો હેતું ન હોય ત્યાં સુધી આપણા યુવાનોમાં ક્રિટિકલ અને નવીન વિચારસરણી કેવી રીતે વિકસીત થાય.
૨૧મી સદીના ભારતમાં આપણા યુવાનોને જે કુશળતા જોઈએ છે તેના પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર ખાસ ભાર આપવામાં આવ્યો છે.
ભારતને શક્તિશાળી બનાવવા માટે વિકાસની નવી ઊંચાઈ પર પહોંચાડવા માટે આ એજ્યુકેશન પોલિસીમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે. જ્યારે ભારતના વિદ્યાર્થી ભલે તે નર્સરીમાં હોય કે પછી કોલેજમાં, ઝડપથી બદલાઈ રહેલા સમય અમે જરૂરિયાત પ્રમાણે ભણશે તો રાષ્ટ્ર નિર્માણમાં રચનાત્મક ભૂમિકા અદા કરી શકશે.