ગેસ્ટ: ડો. મહેન્દ્ર પાડલીયા
એન્કર: તોષાલી ઠકકર
ભારતના સર્વાંગી વિકાસમાં શૈક્ષણિક ઉન્નતિ મહત્વની બની છે, ત્યારે શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ભાર વગરના ભણતર અને સ્ટ્રેસ વિનાની પરીક્ષા આવશ્યકતા બની છે ત્યારે નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓના માનસિક તનાવ, પરીક્ષાનો હાવની સાથે સાથે શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના તાલમેલ અને વિદ્યાર્થીઓ અને શિક્ષણ માટે કેવા કેવા ફેરફાર અને પગલાં જરૂરી છે તે અંગે શિક્ષણવિધ પૂર્વ કુલપતિ અને ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ અબતક પરીક્ષા પે ચર્ચામાં વિસ્તૃત છણાવટ કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘પરીક્ષા પે ચર્ચા’ની ટિપ્સ વિદ્યાર્થીઓ અને વાલીઓને માટે કારગત નિવડશે
મહેન્દ્રભાઈ પાડલીયાના મતે નવી શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને ભાર વગરનું ભણતર મળી રહે અને સ્કિલ બેઝ એજ્યુકેશનના કારણે વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી વધુ ઉજ્જવલ બને તેવી વ્યવસ્થા આપોઆપ થઇ જશે. બીજા શબ્દોમાં કહીએ તો નવી શિક્ષણ પદ્ધતિમાં શિક્ષણની વર્તમાન સમસ્યાઓના તમામ ઉકેલ રહેલા છે. મહેન્દ્રભાઈ પાડલીયાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષાનું નામ સાંભળતા જ ગભરામણ થાય છે પરંતુ જો વિદ્યાર્થી પરીક્ષાને પરીક્ષા નહિં પરંતુ ઉત્સવની જેમ ઉજવે તે માટે શિક્ષણવિધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ શિક્ષણ અંગે અને ખાસ કરીને સ્ટ્રેસ વગરની પરીક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી
પ્ર.ભાર વગરના ભણતરની વાતો થાય છે ત્યારે વિદ્યાર્થીઓ કલા ક્ષેત્રે આગળ વધી શકે અને ભાર વગર પરીક્ષા આપે તે માટે સરકાર અને યુનિવર્સિટી કેવી રણનીતિ ધરાવે છે?
મહેન્દ્રભાઈ પાડલીયા: આ પ્રશ્ર્ન ખૂબ જ મહત્વનો છે, સ્પર્ધાનો યુગ છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ખૂબ જ ભાર છે શાળા પૂરી કરીને જ્યારે બોર્ડની પરીક્ષા આપવા વિદ્યાર્થી જતો હોય ત્યારે ગભરાટ અનુભવે તે સ્વાભાવિક છે, પરંતુ આપણને એ વાતનો આનંદ છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ 2018 થી ખૂબ જ સારા કાર્યક્રમોની શરૂઆત કરી છે એ કાર્યક્રમ છે પરીક્ષા પે ચર્ચા વડાપ્રધાન વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટ સંવાદ કરે છે. વડાપ્રધાન વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરે છે અને તેમનું સ્ટ્રેસ કેમ દૂર થાય આત્મવિશ્વાસ કેમ વધે?તેના ઉપાયો બતાવે છે. અપેક્ષા કરતાં સારું પરિણામ કેમ આવે તેના માટે વડાપ્રધાને કેટલીક ટીપ્સ આપી છે. આ માટે આગામી 27મી તારીખે વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. વડાપ્રધાન વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમ દરેક વિદ્યાર્થીઓએ જોવો જોઈએ.. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ અને વાલીઓનો સ્ટ્રેસ કેવી રીતે દૂર થશે તેની ટિપ્સ અપાશે.
પ્ર. વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવે તે માટે વાલીઓની મહત્વકાંક્ષાથી વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ વધે છે આનો ઉપાય શું?
મહેન્દ્રભાઈ પાડલીયા: ખૂબ જ સારી અને સાચી વાત છે અત્યારે સમાજમાં સંતાનો પાસેથી અપેક્ષાનું ધોરણ ખૂબ જ ઊંચું છે ખૂબ જ સ્પર્ધા છે તેમાં પણ ઉચ્ચ શિક્ષણમાં બાળક સફળ જ થાય તેવી અપેક્ષા માતા-પિતા રાખે છે. આ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં બંનેમાં સ્ટ્રેસ રહે છે. આ માટે વડાપ્રધાનની પરીક્ષા પે ચર્ચા ખૂબ જ ઉપયોગી છે વડાપ્રધાન એ પોતે એક પુસ્તક લખ્યું છે. ‘એકઝામ વોરિયર’ તેમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓને પણ ટિપ્સ આપી છે તેનું અનુકરણ કરવામાં આવે તો વાલી અને વિદ્યાર્થી બંનેની સ્થિતિ ભાર વગરની થઈ જશે. વડાપ્રધાને આ માટે 28 સૂત્ર આપેલા છે. જેમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો અને વાલીઓ માટે પણ છ સૂત્રો આપવામાં આવ્યા છે. વાલીઓ બાળકોને કઈ રીતે પોઝિટિવ વલણ સાથે સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન આપી શકે તેની વાત કરવામાં આવી છે. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપવા જઈ શકશે.
પ્ર. ખરેખર ભારવગરનું ભણતર એટલે શું?
મહેન્દ્રભાઈ પાડલીયા; હવે નવી શિક્ષણ પદ્ધતિ આવી રહી છે. ભૂતકાળની નીતિમાં વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી ની ફરજ પડતી હતી. વધારે ગોખીને વધારે માર્ક લાવવાની પદ્ધતિ હતી. જેમાં ખરેખર હોશિયાર વિદ્યાર્થીઓ હોય અને ગોખણપટ્ટી ન કરી શકે તો તેને માર્ક ઓછા આવતા હતા. નવી શિક્ષણ નીતિમાં હવે બાળકોના કૌશલ્ય પર અને શાર્પ નોલેજ પર ભાર મૂકવામાં આવ્યો છે. એપ્લાયડ નોલેજ કેમ વધે અને તે પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકે તેના પર ભાર મૂકવામાં આવ્યું છે. જેનાથી વિદ્યાર્થીઓ પર ભાર નહીં રહે નવી શિક્ષણ નીતિમાં સ્કિલ બેઝ એજ્યુકેશનને મહત્વ આપવામાં આવ્યું છે સાથે સાથે શિક્ષકોને પણ તાલીમબધ્ધ કરવાની પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે ભણતરનો ભાર ઘટાડી દેશે.
પ્ર. ફોરેઇનના વિદ્યાર્થીઓની સરખામણીમાં ભારતીય વિદ્યાર્થીઓને કારકીર્દી અંગે વિલમ થી સમજ પડે છે તે માટે શું કરવું?
મહેન્દ્ર પાડલીયા: આ માટે ખાસ કરીને સામાજિક વિચારસરણી અને વાલીઓના વલણને બદલવાની જરૂર છે. વાલી વિચારે છે કે હું ડોક્ટર થયો નથી તો મારા સંતાનો ડોક્ટર બને આ વિચારસરણી બદલવાની જરૂર છે અને વિદ્યાર્થીઓને પોતાની રીતે નિર્ણય કરતા કરવાની જરૂર છે.
પ્ર. વિદ્યાર્થીઓ પર શાળા અને કોચિંગ ક્લાસ દ્વારા ટોપર માટે ઊભું કરવામાં આવતું દબાણ કેટલા અંશે યોગ્ય?
મહેન્દ્ર પાડલીયા: સાચી વાત છે શૈક્ષણિક પદ્ધતિ બદલવાની જરૂર છે. વિદ્યાર્થીઓને જો યોગ્ય મોકો આપવામાં આવે તો તેનું કૌશલ્ય ખીલી ઉઠે છે. શાળા અને ખાસ કરીને કોચિંગ ક્લાસ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ ટોપર બને તે માટે કરવામાં આવતું દબાણ યોગ્ય નથી. નવી શિક્ષણ પદ્ધતિમાં ટીચર ટ્રેનીંગને મહત્વ આપવામાં આવ્યું છે. જેનાથી શિક્ષણ અને વિદ્યાર્થીઓ ની શાર્પનેસ વધશે.
પ્ર. શિક્ષણમાં થીયરી અને પ્રેક્ટીકલ અલગ અલગ શીખવવામાં આવે છે પરંતુ વ્યવહારમાં થીયરીનો નોલેજ કામ નથી આવતું. આ માટે શું ફેરફાર કરવા જોઈએ?
મહેન્દ્રભાઈ પાડલીયા: નવી શિક્ષણ નીતિમાં આનો જવાબ છે. ધોરણ છ, સાત અને આઠના બાળકો માટે ફરજિયાત ઇન્ટરશીપ રાખવામાં આવી છે. અગાઉ ઇન્ટરશીપમાં વિદ્યાર્થીને શાળાની બહાર લઈ જવામાં આવતા દાખલા તરીકે ઇતિહાસ ભણવો હોય તો ઐતિહાસિક જગ્યાએ રૂબરૂ જઈને તેમને જાણકારી આપવામાં આવતી હતી. હવે નવી શિક્ષણ નીતિમાં એપ્લાયેબલ નોલેજનું મહત્વ વધારવામાં આવ્યું છે એટલે થીરિકલ પણ જીવનમાં કામ આવશે.
પ્ર. શિક્ષણમાં ઈતર પ્રવૃત્તિનું કેટલું મહત્વ છે?
મહેન્દ્રભાઈ પાડલીયા : 27મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પરીક્ષા સાથે ચર્ચા કાર્યક્રમ છે. જે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક જગત જોવાના છે. તેની જાગૃતિ માટે 20 તારીખે આયોજિત કાર્યક્રમમાં બિન સરકારી સંસ્થાઓ દ્વારા એક ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં એવા ચિત્રો દોરવામાં આવશે કે જેનાથી બાળકો મોટીવેટ થાય આમ ઇતર પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે.
પ્ર. અત્યારે પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને મોટીવેશન આપવામાં આવે છે આ અંગે તમારું શું કહેવું છે?
મહેન્દ્રભાઈ પાડલીયા : મેં ઓલ્ડ એસએસસી સિસ્ટમમાં પરીક્ષા આપી છે અમે તો હળવા થઈને પરીક્ષા ભરી આવતા અને પરીક્ષા આપીને પણ સ્વસ્થ રહેતા હતા ત્યારે એટલી બધી હરીફાઈ ન હતી. હવે સ્પર્ધા વધી છે ત્યારે આ બધી વસ્તુ જરૂરી લાગે છે પરંતુ સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016 થી સરકારી વેબસાઈટ પર તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ છે અને નિષ્ણાતોના લેક્ચર મોજુદ છે. તેનો ઉપયોગ કરવો જોઈએ.
પ્ર. આજે લોકો સારી હોવા છતાં સરકારી શાળામાં બાળકોને ભણવા મૂકતા નથી શું એવું નથી લાગતું કે એજ્યુકેશન પણ લાઈફ સ્ટેટસનો સિમ્બોલ બની ગયો છે?
મહેન્દ્રભાઈ પાડલીયા: અત્યારે સમય બદલાયો છે સરકારી શાળાઓનું સ્તર સુધાર્યું છે. ઘણા લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવાના આગ્રહ રાખતા થયા છે અને ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં આવી રહ્યા છે. સરકારી શાળામાં શિક્ષણ અને શિક્ષકોની ગુણવત્તા ખૂબ જ સારી છે અને ખૂબ જ સુધારો થઈ રહ્યો છે શાળા પ્રવેશોત્સવથી સરકારી શાળાનું મહત્વ વધ્યું છે. 2003 થી શાળા પ્રવેશોત્સવ મહોત્સવથી એક નવો માહોલ ઊભો થયો છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નો સરાહનીય છે. રાજ્ય સરકારે 10,000 શાળાઓને મોડલ બનાવવાનું અભિયાન કર્યું છે. તે તમામ સરકારી શાળા છે. હવે સરકારી શાળાનું મહત્વ વધ્યું છે.
પ્ર. આરટીઆઈના માધ્યમથી આવતા બાળકોને ભાષાકીય વિસંગતતાની મુશ્કેલી પડે છે તેનું શું?
મહેન્દ્રભાઇ પાડલીયા : આરટીઆઈની માધ્યમથી ગરીબ પરિવારના બાળકોને શાળાઓમાં એડમિશન આપવામાં આવે છે ત્યાં લેંગ્વેજ બેરિયર માટે ખાસ એકસ્ટ્રા કોચિંગની વ્યવસ્થા છે અને શિક્ષકોને પણ આવા બાળકોને ભણાવવાની તાલીમ આપવામાં આવે છે. નવી શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોને પણ અપડેટ કરવાની જોગવાઈ છે. જે તમામ સમસ્યાનો ઉકેલ લાવશે.
પ્ર.ક્વોલેટી એજ્યુકેશનની વાતો વચ્ચે યુવાનોમાં જોબ અંગેની ઘેલછા વિદ્યાર્થીઓને કેટલી લડી શકે તે વિશે શું કહેવું છે?
મહેન્દ્રભાઈ પાડલીયા : ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સ્ટાર્ટઅપ ક્ધસેપ્ટમાં યુવાનોને તક મળે છે, તેના પરિણામો પણ સારા મળી રહ્યા છે અને યુવાનોને કારકિર્દી અંગે મનપસંદ કાર્ય કરવાની તક મળશે.
પ્ર.કોચિંગ ક્લાસ દ્વારા આપવામાં આવતી ભેટ અંગે તમારું શું અભિપ્રાય છે?
મહેન્દ્રભાઈ પાડલીયા : કોચિંગ ક્લાસ અત્યારે વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યા છે. દેશભરની આ પ્રથામાં કોચિંગ ક્લાસનો ગુજરાતીઓ પણ ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને એપ્લાયેબલ નોલેજ મળે છે કોચિંગ ક્લાસના સંચાલકોએ નૈતિકતાના ધોરણે પોતાની ફરજ બજાવવી જોઈએ.
પ્ર. વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેની તૈયારીઓ કેવી કરવી શું આયોજન કરવું એનું માર્ગદર્શન આપશો?
મહેન્દ્રભાઈ પાડલીયા : આવનારી બોર્ડની પરીક્ષાઓ જાહેર થઈ છે ત્યારે મારે દરેક વાલીઓ અને બાળકોને એ જ કહેવું છે કે 20 તારીખ અને 27 તારીખ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરીક્ષા પે ચર્ચામાં તમામ લોકો જોડાઈ અને નિહાળે અને સમજે અને તેમના દ્વારા આપવામાં આવનારી ટીપ્સ ધ્યાનમાં રાખશો તો તમામ પ્રકારના પ્રશ્ર્નોના નિરાકરણ આવી જશે.