રાજ્યના શ્રમ રોજગાર અને પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અબતકની શુભેચ્છા મુલાકાતે: નવી સરકારની કાર્યપધ્ધતિ અંગે કરી મુક્ત મને વાતચીત
કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તાલિમની ગુણવત્તાને વેગ આપવા માટે તેમજ શિક્ષણ, તાલિમ અને સંશોધન માટે માળખું તૈયાર કરવા ‘કૌશલ્ય સ્કીલ યુનિવર્સિટી વિધેયક’ તૈયાર કરાયું: મેરજા
અબતક, રાજકોટ
રાજ્યના શ્રમ રોજગાર અને પંચાયત વિભાગના મંત્રી (સ્વતંત્ર હવાલો) બ્રિજેશભાઈ મેરજા અબતકની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. તેઓની સાથે ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી પણ અબતકને આંગણે પધાર્યા હતા. આ વેળાએ મંત્રી બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે યુવાનોમાં સ્કિલ ડેવલોપમેન્ટ થકી કૃષિ અને ઉદ્યોગને નવા આયામો સર કરાવાશે. વધુમાં તેઓએ સરકારે કરેલા વિકાસ કાર્યોનો પણ ચિતાર રજૂ કર્યો હતો.
મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ભાજપ સૌને સાથે રાખીને ચાલનારી પાર્ટી છે. ભાજપની સરકારે ગુજરાતનો વિકાસ કરી તેને મોડેલ બનાવ્યું છે. સરકારે ઉદ્યોગો માટે બંદરોનો પણ ભરપૂર વિકાસ કર્યો છે. સાથે કૃષિ ક્ષેત્રે પણ સારા પગલાં લીધા છે. ખેડૂતો વધુ સમૃદ્ધ બને તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્ર દરમિયાન પક્ષ અને વિપક્ષની સર્વાનુમતે ‘કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી વિધેયક, ૨૦૨૧’ વિધાનસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે.
હાલના સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોનું રાજયમાં વિશાળ પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે, તેમજ આવનારા સમયમાં પણ પ્રગતિશીલ ગુજરાત મૂડી રોકાણમાં દેશનું કેન્દ્ર સ્થાન બનવા જઈ રહ્યું છે. તેવામાં આ વિધેયક ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે.વૈશ્વિક ક્ષેત્રે વિવિધ સેક્ટરોમાં પણ સતત બદલાતી ટેકનોલોજી અનુપ કુશળ માનવબળની જરીયાત દિવસે-દિવસે વધી રહી છે. આવા સંજોગોમાં કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તાલીમની ગુણવત્તાને વેગ આપવા માટે તેમજ શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે માળખું તૈયાર કરવા માટે ‘કૌશલ્ય’ સ્કિલ યુનિવર્સિટીની જરીયાત ઊભી થઈ છે.
શ્રમ અને રોજગાર પ્રધાન મેરજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્કિલ ઇન્ડિયા મિશનના ભાગ રૂપે ભારતમાં ૪૦ કરોડથી વધુ લોકોને વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે. દેશના આ મિશનના ઉદ્દેશને સાકાર કરવા રાજ્યના યુવાધનને કૌશલ્યબદ્ધ કરવા માનનીય મુખ્યપ્રધાનશ્રીના માર્ગદર્શનથી ગુજરાત રાજ્યના યુવાધનને ’કૌશલ્ય સાથે શિક્ષણ’ અને ’દરેક યુવાનને કૌશલ્ય’ મળી રહે તે હેતુ માટે અમદાવાદ ખાતે ’કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીની’ સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવશે, જેનું સંપૂર્ણ સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી વર્ટિકલ મોબિલિટીના માધ્યમથી સ્કિલ ડેવલપમેન્ટને ઉચ્ચ શિક્ષણ સાથે જોડવામાં એક સેતુનું કામ કરશે. જેના થકી રાજ્યના યુવાધન માટે પ્રગતિના દ્વાર ઉઘડશે તથા કારકિર્દીની નવી તકોનું સર્જન થશે. કૌશલ્ય સાથે શિક્ષણના અભિગમથી રાજ્યના યુવાનો કૌશલ્યક્ષમ થકી રોજગારક્ષમ બનશે. રાજ્યમાં આવનારા સમયમાં ઉભી થનારી કુશળ માનવબળની જરૂરીયાતની સાપેક્ષે કુશળ માનવબળ ઊભું કરી શકાશે. પરિણામે ઉદ્યોગોની ઉત્પાદકતામાં વધારો થશે. કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તાલિમની ગુણવત્તાને વેગ આપવા માટે તેમજ શિક્ષણ, તાલિમ અને સંશોધન માટે માળખું તૈયાર થાય તે માટે ‘કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી વિધેયક’ને રજૂ કરવામાં આવ્યું હતું.
સી.આર.પાટીલે પ્રયોગોમાં પારંગતતા કેળવી, તેઓ ૨૦૨૨માં એક સીટ પણ નહીં જવા દયે
મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રયોગોમાં પારંગતતા કેળવી છે. તેઓએ જ્યારથી સુકાન સંભાળવ્યું છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી તથા પેટાચૂંટણીઓમાં ખૂબ સારા પરિણામો મળ્યા છે. હજુ તેઓના વડપણ હેઠળ ભાજપ વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી લડવાનું છે. જેમાં પણ સારા પરિણામો આવશે તે નક્કી છે. ૨૦૨૨ની ચૂંટણીમાં તો તેઓ એક પણ બેઠક જવા નહિ દયે. તેઓએ સમય સાથે ચાલવા અનેક પરિવર્તનો કર્યા છે. જે સફળ જ રહ્યા છે.
ભાજપના શાસનમાં સૌરાષ્ટ્ર પાણીદાર બન્યું
મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે ભાજપના સાશનમાં સૌરાષ્ટ્ર પાણીદાર બન્યું છે. ખેડ, ખાતર અને પાણી, સમૃદ્ધિને લાવે તાણી. આ કહેવત ભાજપ સરકાર બરાબર રીતે જાણતી હોય તેઓએ ખેડૂતોને પાણી, વિજળી અને ખાતર સરળતાથી ઉપલબ્ધ બને તે માટે સતત પ્રયત્નો કર્યા છે. ઉપરાંત ઉતરગુજરાતમાં પણ સૂઝલામ સુફલામ યોજના હેઠળ પાણીના પ્રશ્નો ભૂતકાળ બન્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં નર્મદાનું પાણી ઠેર ઠેર પહોંચ્યું છે. સૌરાષ્ટ્રના નાના મોટા ૧૧૮ ડેમોને કનેક્ટ કરવાનો સૌની યોજનાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને હવે બીજો તબક્કો શરૂ થયો છે.
બ્રિજેશભાઈ મેરજા ૧૫૬ને બિરદાવ્યું સમગ્ર અબતક પરિવારને પાઠવ્યા અભિનંદન
અબતક સાંધ્ય દૈનિકે ૧૦ વર્ષ પૂર્ણ કરી ૧૧માં વર્ષે મંગલ પ્રવેશ કર્યો ત્યારે ૧૫૬ પેઇજનો ઐતિહાસિક અંક પ્રસિદ્ધ કર્યો હતો. આ અંકને મંત્રી બ્રિજેશભાઈએ બિરદાવ્યો હતો. ઉપરાંત જણાવ્યું હતું કે હકારાત્મક ન્યૂઝથી લોકો સુધી સારી માહિતી પહોંચાડી અબતકે એક નવો કેડો કંડાર્યો છે. તેઓએ કહ્યું કે અબતકની સફળતાનો હું પણ સાક્ષી રહ્યો છું. મને વિશ્વાસ છે કે હજુ આગળની સફર પણ સફળતા તરફની ઉપરની હશે. અંતમાં તેઓએ અબતકના મેનેજીંગ એડિટર સતીષકુમાર મહેતા તેમજ સમગ્ર અબતક પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
ભુપેન્દ્રભાઈના વડપણ હેઠળ રાજ્ય વિકાસની હરણફાળ ભરશે
મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને એક ઊંચાઈને લાવીને મૂક્યું છે. હવે ભુપેન્દ્રભાઈની નવી સરકાર આ ઊંચાઈ જાળવવાની સાથે નવી ઊંચાઈઓ સર કરાવવા સતત પ્રયત્નશીલ રહેશે. તેઓએ જણાવ્યું જે નિકાસના આંકડામાં ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ રહ્યું છે. ગુજરાતની પ્રગતિને નવી સરકાર હજુ વધુ ફેલાવશે. આ સરકારમાં મને પણ જવાબદારી મળી છે. જેથી હું પણ બમણી ઉર્જાથી જવાબદારી નિભાવીશ.
કૃષિ અને ઉદ્યોગ એક રથના બે પૈડા : બન્ને ક્ષેત્રે સરકાર પૂરતું ધ્યાન કેન્દ્રીત કરશે
મંત્રી મેરજાએ જણાવ્યું કે કૃષિ અને ઉદ્યોગ એક રથના બે પૈડાં છે. સરકાર આ બન્ને ક્ષેત્ર ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરશે. વધૂમાં તેઓએ જણાવ્યું કે ઉદ્યોગો પ્રત્યે સરકાર હમેશા હકારાત્મક રહી છે. ખાસ કરીને સિરામિક ઉદ્યોગનું રાજ્યના અર્થતંત્રમાં મોટું યોગદાન છે. આ ઉદ્યોગોના પ્રશ્નો અંગેની એસો.ની રજૂઆતો પ્રત્યે સરકાર હકારાત્મક બનીને જરી નિર્ણયો સતત કરતી આવી છે. તેઓએ ઉમેર્યું કે કૃષિ ક્ષેત્રે પણ સરકારે મહત્વના પગલાં લીધા છે. ટેકાના ભાવે ખેડૂતોની ઉપજ ખરીદી સરકાર ખેડૂતોને ઉપજના વધુ ભાવ મળે તેવા પ્રયાસ કરી રહી છે.સાથે મારે પારિવારિક ઘરોબો: જુના સંસ્મરણો વાગોળતા મંત્રી બ્રિજેશભાઈ
મંત્રી બ્રિજેશભાઈ આજે અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે પધાર્યા ત્યારે તેઓ કોન્ફરન્સ રૂમમાં પ્રવેશતાની સાથે જ અબતકના મેનેજીંગ એડિટર સતીષકુમાર મહેતાને ભેટી પડ્યા હતા. તેઓએ હરખભેર કહ્યું હતું કે અબતક સાથે તો મારે પારિવારિક સબંધો છે. તેઓએ સતીષકુમાત મહેતાના પિતાશ્રી સ્વ. શાંતિલાલ મહેતા કે જેઓ વર્ષો સુધી પડધરી ગામના સરપંચ તરીકે કાર્યરત રહ્યા હતા. તેઓની નિષ્ઠાવાન કામગીરી અને પ્રજાહિતના કામો માટેની તત્પરતાને વાગોળી હતી અને તેમની સાથેના તેમજ સતીષકુમાર મહેતા સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા.