નવી વ્યાખ્યા મુજબ ૩ મીટર દુરથી આંગળી ન ગણી શકનાર વ્યક્તિ અંધ ગણાશે
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની તર્જ પર ભારત સરકાર પણ અંધાપાની વ્યાખ્યામાં સુધારો કરવા જઇ રહી છે. આ સુધારાના પરિણામે દેશમાં અંધ લોકોની સંખ્યામાં ૪૦ લાખનો ઘટાડો થવાની શક્યતા છે.
છેલ્લા ચાર દાયકાથી અંધાપાની વ્યાખ્યામાં ફેરફાર કરવા માટે સરકાર દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો હતો. અગાઉ છ મીટર દુરથી આંગળી ન ગણી શકનાર વ્યક્તિને અંધ ગણવામાં આવતો હતો. હવે નવી વ્યાખ્યા અનુસાર ૩ મીટર દુરથી આંગળી ન ગણી શકનાર વ્યક્તિને અંધ ગણવામાં આવશે. આ વ્યાખ્યાના કારણે અંધ વ્યક્તિઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થશે. વર્ષ ૧૯૭૬માં સરકારે અંધાપાની વ્યાખ્યામાં ફેરફાર કર્યા હતા. ત્યારબાદ વૈશ્ર્વિક સ્તરે આ વ્યાખ્યા બંધ બેસતી ન હોવાથી હવે ફરીથી વ્યાખ્યામાં સુધારો થઇ રહ્યો છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા આ વ્યાખ્યાથી વિશ્ર્વમાં અંધ વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો કરવા ઇચ્છે છે.
આ મામલે હાલ આરોગ્ય મંત્રાલયે જાહેરનામુ લાગતા વળગતા વિભાગોને મોકલી દીધુ છે. નવી વ્યાખ્યાના પરિણામે ભારતમાં ૧.૨૦ કરોડ અંધ વ્યક્તિઓની સંખ્યા ઘટી ૮૦ લાખે પહોંચી જશે. વર્ષ ૨૦૨૦ સુધીમાં અંધ વ્યક્તિઓની સંખ્યામાં ૦.૩ ટકાનો ઘટાડો કરવાનો નિર્ધાર વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનો છે. આ ગોલને પુરો કરવા ભારત દ્વારા પણ કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.