Abtak Media Google News

દોડના માર્કસ કાઢી નાખવાથી પોલીસ દળમાં  મજબૂત અને સશકત ઉમેદવારોની સંખ્યા ઘટશે: મનિષ દોશી

પોલીસ સબ ઈન્સ્પેક્ટર  અને લોકરક્ષકદળની ભરતી પ્રક્રિયા માટે જાહેર કરવામાં આવેલ અભ્યાસક્રમોમાં અનેક વિસંગતતા અંગે   મુખ્યમંત્રીને પત્ર લખી વિગતવાર રજુઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પીએસઆઈની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-અ માં જ 100 માર્ક્સનું ગણિત અને રિઝનીગ રાખવામાં આવ્યું છે. જેમાં પાસ થવા માટે 40 ટકા ગુણ લાવવા ફરજીયાત છે. એલઆઈડી ની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-અ માં જ 60 માર્ક્સનું ગણિત અને રિઝનીગ રાખવામાં આવ્યું છે. જેમાં પાસ થવા માટે 40 ટકા ગુણ લાવવા ફરજીયાત છે. ગણિત અને રિઝનીગ વિષય ગુણભાર અંગે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ કરતા અનેક વિસંગતતા જોવા મળી રહી છે. જીપીએસસી વર્ગ-1/2 ની પરીક્ષામાં 400 માર્ક્સની પ્રિલિમ પરીક્ષામાં મેથ્સ-રીઝનિંગ 50 માર્ક્સનું છે.એટલે કે 12.5 % નું વેઇટેજ છે, નાયબ મામલતદાર અને ડેપ્યુટી સેક્શન અધિકારીની 200 માર્ક્સની પરીક્ષામાં મેથ્સ-રીઝનિંગ 25 માર્ક્સનું છે. એટલે કે 12.5 % નું વેઇટેજ છે., જયારે પીએસઆઈના પેપરમાં મેથ્સ-રીઝનિંગ 100 માર્ક્સનું એટલે કે 100 % નું વેઇટેજ છે. જયારે એલ.આર.ડી.ના પેપરમાં મેથ્સ-રીઝનિંગ 60 માર્ક્સનું એટલે કે 75 % નું વેઇટેજ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરિક્ષાઓમાં ગણિત વિષય માટે 15 થી 20 % નું વેઇટેજ છે. પંચાયત સેવા પસંદગી મંડળની પરિક્ષાઓમાં ગણિત વિષય માટે 15 થી 20%નું વેઇટેજ છે. નગરપાલિકાઓ-મહાનગર પાલિકાઓની પરિક્ષાઓમાં પણ ગણિત વિષય માટે 10 થી 20% નું વેઇટેજ છે.

અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની જોગવાઈ કરતા પણ વિસંગતતા જોવા મળી રહી છે. નાયબ મામલતદારનું ફાઈનલ મેરિટ 4 વર્ણનાત્મક પેપરોના કુલ ગુણને લીધે નક્કી થાય છે. કોઈપણ પેપરમાં 40% લાવવા જ તેવી કોઈ જોગવાઈ નથી. પબ્લીક સર્વીસ કમીશન   વર્ગ 1-2 માં ફાઈનલ મેરિટ 6 વર્ણનાત્મક પેપરો અને મૌખિકના કુલ માકર્સના આધારે થાય છે, કોઈપણ પેપરમાં 40% લાવવા જ તેવી કોઈ જોગવાઈ નથી, એલઆઈડીના એક જ પેપરમાં ભાગ-અ અને ભાગ-ઇ બંનેમાં 40% ફરજિયાત લાવવાની જોગવાઈ કરી છે. પીએસઆઈ ની પરીક્ષામાં પેપર-1 માં પાર્ટ – અ માં 40% અને પાર્ટ – ઇ માં 40% ફરજિયાત લાવવાની જોગવાઈ છે, તેમજ પેપર – 2 માં પણ ફરજિયાત 40% લાવવાની જોગવાઈ કરવામાં આવી છે. કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં 40% ફરજિયાત લાવવાની જોગવાઈ બિલકુલ અન્યાય અને અયોગ્ય છે.

ગુજરાતીમાં નિબંધ માટે 30 માર્ક્સ, પરીક્ષક તેની મરજી મુજબ વધારે કે ઓછા માર્ક્સ આપીને વિદ્યાર્થીઓને અન્યાયકર્તા બની શકે.  ભાષાનાં બધાં જ પેપરો તે પછી નાયબ મામલતદાર હોય, જીપીએસસી 1-2 નાં હોય કે  યુપીએસસી નાં હોય તેમાં વ્યાકરણનાં હેતુલક્ષી પ્રશ્નો હોય છે જે, પીએસઆઈ પરીક્ષામાંથી કાઢી નાખવામાં આવ્યા છે. કોઈનેય અન્યાય ન થાય તેવા તટસ્થ મૂલ્યાંકન માટે 70 માર્ક્સના ગુજરાતીના પેપરમાં નિબંધના 10 થી વધુ માર્ક્સ ન હોવા જોઈએ. તેમ જ તટસ્થ હેતુલક્ષી મૂલ્યાંકન માટે ભાષાના પેપરમાં વ્યાકરણના હેતુલક્ષી પ્રશ્નો હોવા જ જોઈએ.

પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીના નવા નિયમો રાજ્યના વિદ્યાર્થીઓને અન્યાયકર્તા છે. દોડના માર્ક્સ કાઢી નાખવાથી પોલીસ દળમાં મજબૂત અને સશક્ત ઉમેદવારોની સંખ્યા ઘટશે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર  ના ગુજરાતી-અંગ્રેજીના પેપરના તટસ્થ મૂલ્યાંકન પર પ્રતિકૂળ અસર ઉભી કરશે.શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે અસમાનતા ઊભા કરનારા છે. રાજ્યના લાખો યુવાનો માટે સ્પર્ધાત્મક પરિક્ષામાં વિસંગતતા દુર કરીને દરેકને સમાન તક મળે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષકરી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.