- વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સેવા – સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ વિકાસ સાધવો જરૂરી: કેન્દ્રીય ગૃહમંત્રી
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ :દેશમાં કાયદો વ્યવસ્થા સંગીન બનાવવા સાથે આપદા પ્રબંધનમાં નાગરિક સહાયતા માટે હોમગાર્ડસ-નાગરિક સંરક્ષણ પુરક છે હોમગાર્ડ્ઝ – સિવિલ ડિફેન્સના કર્મીઓના પ્રશિક્ષણ અને તાલીમ સજ્જતા માટે કેન્દ્ર સરકારે રૂા. 150 કરોડ ફાળવ્યા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બે દિવસીય ’14મી ઓલ ઇન્ડિયા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ કોન્ફરન્સ’નો શુભારંભ કરાયો હતો.
કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, સેવા અને સુરક્ષા સહિત દરેક ક્ષેત્રમાં ભારતે શ્રેષ્ઠ વિકાસ સાધવો જરૂરી છે, જેને ચરિતાર્થ કરવા આ બે દિવસીય સંમેલન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ ફોર્સિસને જેટલું મહત્વ મળવું જોઈએ એ ઘણા વર્ષો પછી અમારી સરકારે આપ્યું છે, આ કોન્ફરન્સના આયોજનથી સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના જવાનોને નવી ઊંર્જા મળશે. સેવા એ ભારતીયોની મૂળ સંસ્કૃતિ છે ત્યારે દેશના દરેક નાગરિક, તેમની સંપત્તિ અને તેમના અધિકારોની સુરક્ષા થવી જોઈએ. આમ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડએ સેવા અને સુરક્ષાનો સમન્વય છે. સમયની સાથે તેમના વેતન અને સુવિધાઓમાં વધારો કરવો જરૂરી છે, પરંતુ તેના મૂળમાં સેવાનો ભાવ રહેલો છે તે જળવાઈ રહે તે પણ જરૂરી છે.
તેમણે વિશ્વાસ સાથે કહ્યું હતું કે, આગામી ચાર મહિનામાં સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના જવાનો માટે નવું ચાર્ટર પણ તૈયાર કરવામાં આવશે જેમાં આપાતકાલીન સમયે તેમનું યોગદાન, યાતાયાત, ટ્રાફિક-પ્રબંધનની સંસ્થાકીય વ્યવસ્થા, યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે બચાવની કામગીરી કરવી, નાગરીકોની સુરક્ષા અને મનોબળ કેવી રીતે વધારવું તેવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવશે. સાથોસાથ સામાજિક જાગૃતિ અભિયાન જેવા કે નશા મુક્ત ભારત, સ્વચ્છ ભારત, વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત ભારત, પોષણયુક્ત ભારત, મહિલા સુરક્ષા વગેરે પ્રત્યે વધુ જાગૃતિ કેળવાય તેવા વિષયો પણ આ ચાર્ટરમાં આવરી લેવાશે. આ ઉપરાંત સ્થાનિક કાનૂની વ્યવસ્થા અંગે તાલીમનો રોડ મેપ, શિક્ષણમાં સહયોગ જેમ કે ડ્રોપ આઉટ રેશિયો, શિક્ષણની ગુણવત્તામાં સુધાર જેવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ નવીન ચાર્ટરમાં સુધારા માટે યોગ્ય સૂચનો આપવા પણ ઉપસ્થિત અધિકારીઓને ગૃહમંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.
એન.સી.સી. અને એન.એસ.એસ.ની જેમ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં પણ તમામ સમાજના યુવાનો જોડાય તેવો ગૃહમંત્રીશ્રીએ નાગરિકોને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુંં હતુ કે, ભારત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેમાં આંતરિક સુરક્ષા અને નાગરિક સલામતીનો મોટો ફાળો છે.દેશમાં કાયદો વ્યવસ્થા સંગીન બનાવવા સાથે આપદા પ્રબંધનમાં નાગરિક સહાયતા માટે હોમગાર્ડસ અને નાગરિક સંરક્ષણ પુરક બનશે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતોમુખ્યમંત્રીએ રાજ્યમાં વાવાઝોડા વરસાદ કે અન્ય આફતો સાથે મેળાઓ, ટ્રાફિક મેનેજમેન્ટ, મોલ મેનેજમેન્ટમાં નાગરિકોની સેવા સુરક્ષા માટે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ કર્મીઓની કામગીરીની સરાહના કરી હતી. તેમણે ઉમેર્યુ કે, સ્વચ્છતા અભિયાન જેવા સમાજ ચેતના કાર્યક્રમોમાં પણ આ દળોના કર્મીઓ યોગદાન આપી વડાપ્રધાનશ્રીની સ્વચ્છતાની નેમ પાર પાડી શકે. મુખ્યમંત્રીએ ‘રાષ્ટ્ર પ્રથમ’ના નિષ્ઠાભાવથી સેવારત રહીને હોમગાર્ડઝ તથા સિવીલ ડિફેન્સ 2047ના વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર રહેશે.
કેન્દ્રીય અગ્નિશમન સેવા, નાગરિક સુરક્ષા, ગૃહ રક્ષકના મહાનિર્દેશક શ્રી વિવેક શ્રીવાસ્તવે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યુ હતુ કે, ભારતની નાગરિક સુરક્ષાઓને વધુ મજબૂત કરવા વર્ષ 1962માં નાગરિક સુરક્ષા મહાનિર્દેશાલયની સ્થાપના કરવામાં આવી હતી.
- સ્કુલ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં ગુજરાત સફળ રહ્યું છે: અમિતભાઇ
- વિદ્યાર્થીઓને ઊંચું લક્ષ રાખી કઠોર પરિશ્રમ કરી જીદથી સિદ્ધ કરવા વળગેલા રહેવા આહ્વાન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ કડી સર્વ વિદ્યાલય, ગાંધીનગર ખાતે યોજાયો હતો.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજ ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 10,85,000 દીકરીઓ અને દીકરાઓને 116 કરોડ રૂપિયા સીધા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ બંને યોજનાઓ આવનારા દિવસોમાં ગુજરાતના શિક્ષણમાં આમુલચૂર પરિવર્તન કરવાની યોજના સાબિત થશે. શ્રી મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં શાળામાંથી ડ્રોપ આઉટ રેશિયો 37% હતો ત્યારે તેમણે બેટી બચાઓ, બેટી પઢાઓ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી મંત્રીઓ જનપ્રતિનિધિ સહિત સરકારી મશીનરી કામે લગાડી ગામે ગામ પ્રવાસ કરી માતા પિતાને બાળકને ભણાવવા માટે સમજાવી અભ્યાસ ચાલુ રાખવા અપીલ કરી અને તેના પરિણામ સ્વરૂપ જે ડ્રોપ આઉટ રેશિયો 37% હતો તે આજે માત્ર 2% છે. તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓના વાલીની જેમ તેમને સાક્ષર બનાવવા અભિયાન શરૂ કર્યું હતું. શાહે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ મલ્ટી ડાયમેન્શનલ ઓલ રાઉન્ડ હોલીસ્ટિક એપ્રોચ વાળી શિક્ષા નીતિ બનાવવાનું કાર્ય થયું છે. જેમાં વિદ્યાર્થીઓને પસંદગીના વિષય માટે ફ્લેક્સિબિલિટી સાથે અનેકવિધ આયામો રજૂ કરવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓ કેરિયર આધારિત વિષયો સાથે રુચિના અન્ય સ્ટ્રીમના વિષયોનો પણ સાથે અભ્યાસ કરી શકશે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 80% હાજરીની અનિવાર્યતા રાખવામાં આવી છે જેનાથી બાળકોનું શિક્ષા સ્તર અને નિપુણતામાં વધારો થશે. મધ્યમવર્ગના પરિવારોને પડતી નાની મોટી મુશ્કેલી વચ્ચે તેમના સંતાનનું શિક્ષણ ખોરવાય નહી તેવા ઉમદા હેતુ સાથે આ બંને યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના આધારે વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. તેમણે ગરીબ ઘરના દીકરા અને દીકરીઓ ભણી શકે તેમજ આગળ વધી શકે તે માટે અગણિત પ્રયાસો હાથ ધર્યા છે, તેઓના નેતૃત્વ હેઠળ દેશને નવી શૈક્ષણિકતિની ભેટ મળી છે. ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રીના સ્વરૂપમાં ક્ધયા શિક્ષણની જ્યોત જગાવવા ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યા. દેશની દીકરીઓ ભણતરની સાથે સુરક્ષા દળો અને સેનામાં પણ જોડાય તે માટે પ્રધાનમંત્રી ” નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકારી મંત્રી અમિતભાઈ શાહે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આજે દીકરીઓ અને દીકરાઓને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ સ્વરૂપે દિવાળી પૂર્વે ભેટ આપવા અમિતભાઈ શાહ પધાર્યા છે.