MSME એકમોને સ્થાપનામાં સહાય-સહયોગ આપવા રાજ્યકક્ષાએ જિલ્લાકક્ષાએ એમ બે નોડલ એજન્સી ઇન્વેસ્ટર ફેસિલિટેશન એજન્સી તરીકે કાર્યરત કરાશે :રૂપાણી સરકારનો નિર્ણય
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં MSME ઊદ્યોગોને સ્થાપનાની સરળતા કરી આપતા ઐતિહાસિક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં હાલ કાર્યરત ૩૪ લાખથી વધુ MSMEનો તેજ ગતિએ વિકાસ તેમજ નવા MSME મોટા પાયે આકર્ષી શકાય તેમજ પારદર્શિતા-ટ્રાન્સપરન્સી અને રોજગાર સર્જનમાં વધારો થાય તે હેતુસર આ નિર્ણયો કરવામાં આવેલા છે. વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતાની કેબિનેટ બેઠકે કરેલા આ નિર્ણયો અનુસાર MSMEએકમોને સ્થાપના અને સંચાલન માટે જરૂરી વિવિધ પ્રકારની મંજૂરીઓ-એપ્રુવલ્સમાં છૂટછાટ આપવામાં આવી છે. તદ્દઅનુસાર, ૩ વર્ષ સુધી આવી પરવાનગીઓમાંથી મુકિત આપવાનો નિર્ણય કરાયો છે. MSME એકમો ૩ વર્ષ બાદ હવે આવી જરૂરી પરવાનગીઓ છ મહિનામાં મેળવી શકશે. આ પરવાનગી મુકિતને પરિણામે MSME એકમો ઝડપથી અને સરળતાથી પોતાનો ઊદ્યોગ સ્થાપી શકશે.
આ હેતુસર, રાજ્ય સરકારે MSME ઊદ્યોગોને નવું બુસ્ટ આપવા ધ ગુજરાત માઇક્રો સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન ઓડિર્નન્સ-ર૦૧૯ જારી કરવાનો પણ નિર્ણય કર્યો છે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં વધુ વૃધ્ધિ થવાની છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકે આજે કરેલા નિર્ણયમાં એવું પણ ઠરાવવામાં આવ્યું છે કે રાજ્યમાં MSME એકમોની સ્થાપનામાં સહાય અને સહયોગ પૂરા પાડવા રાજ્ય કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ એમ બે નોડલ એજનસીઓની રચના કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ ઇન્વેસ્ટર ફેસિલિટેશન એજન્સી તથા જિલ્લાઓમાં ડિસ્ટ્રીકટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર કાર્યરત થશે.
MSME એકમ સ્થાપવા માંગતા વ્યકિત કે ઊદ્યોગકારે નિયત નમૂના અને પધ્ધતિ મુજબ રાજ્યકક્ષાની નોડલ એજન્સી સમક્ષ ઊદ્યોગ-એકમ સ્થાપવા અંગેનું ડેકલરેશન ઓફ ઇન્ટેટ રજૂ કરવાનું રહેશે.
આવી અરજી મળ્યા પછી તેની ચકાસણી કરીને સ્ટેટ લેવલ નોડલ એજન્સી એકનોલેજમેન્ટ સર્ટીફિકેટ આપશે.
આવા સર્ટીફિકેટને મંજૂરી તરીકે માન્ય રાખી તે ઇશ્યુ થયાની તારીખથી ૩ વર્ષ સુધી માન્ય ગણાશે અને આ ૩ વર્ષ દરમ્યાન અન્ય કોઇ પરવાનગી-એપ્રુવલ લીધા સિવાય MSME ઊદ્યોગકાર ઊદ્યોગ-વ્યવસાય શરૂ કરી શકશે. આ ત્રણ વર્ષની અવિધ પૂર્ણ થયાના ૬ મહિનામાં MSME એકમે જરૂરી પરવાનગીઓ મેળવી લેવી પડશે.
ગુજરાતમાં MSME સેકટર પાછલા ૪ વર્ષોથી મહત્તમ રોજગારી આપતું ક્ષેત્ર બન્યું છે. એટલું જ નહિ, MSMEની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં ટોપ-૧૦ રાજ્યોમાં આવે છે.
૧૦૦ જેટલા MSME કલસ્ટર ગુજરાતમાં છે તેને આ નિર્ણયથી નવી દિશા મળતી થવાની છે.
રાજ્યમાં વાયબ્રન્ટ અને ડાયનેમિક સેકટર તરીકે ઊભરી રહેલા આ MSME સેકટરને સૌર ઊર્જા સોલાર એનર્જીના મહત્તમ ઉપયોગ માટે પ્રેરિત કરતી પર્યાવરણ ફ્રેડલી અને ગ્રીન-કલીન એનર્જી ઉત્પાદનની પોલિસી રાજ્ય સરકારે તાજેતરમાં બહાર પાડેલી છે.
તેના મહત્વપૂર્ણ લાભ તરીકે MSME એકમો માટે સોલાર પ્રોજેકટની ઇન્સ્ટોલેશનના મંજૂર લોડના પ૦ ટકા કેપેસિટી મર્યાદા દૂર કરી ૧૦૦ ટકાથી વધુ ક્ષમતાની સોલાર એનર્જીની છૂટ, વીજ વપરાશ માટે ચૂકવવા પડતા પ્રતિ યુનિટના ભાવમાં રૂ. ૩ સુધીનો ઘટાડો, થર્ડ પાર્ટી પાસેથી સોલાર એનર્જી ખરીદીની પરવાનગી જેવા અનેકાનેક નિર્ણયો પછી આજે કરાયેલો મહત્વપૂર્ણ નિર્ણય MSME સેકટરના અગ્રીમ વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા પ્રતિપાદિત કરે છે.
રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં MSME ક્ષેત્રનું મોટું યોગદાન છે. આ ક્ષેત્ર ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે તેમજ રોજગાર સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાત કેમિકલ, પેટ્રોકેમિકલ, ડેરી, દવા, સિમેન્ટ, સિરામિક, જેમ્સ એન્ડજ્વેલરી, ટેક્સટાઇલ અને એન્જિનિયરીંગ ક્ષેત્રમાં ટોચનું રાજ્ય છે.
અગ્રણી MSME મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં ગુજરાત દેશનું શ્રેષ્ઠ રાજ્ય છે. NCAER સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ ઇન્ડેક્ષ મુજબ વર્ષ ૨૦૧૭માં ગુજરાત ટોપ પરફોર્મિગ સ્ટેટ રહ્યુ છે ત્યારે રાજ્ય મંત્રીમંડળનો આ નિર્ણય GSDP દરમાં વૃધ્ધિ તેમજ ભારત સરકારે તાજેતરમાં MSME નાના ઊદ્યોગોને પ્રોત્સાહન આપતા જે આર્થિક ઉદારીકરણના નિર્ણયો કર્યા છે તેને પૂરક બનશે.