રાજયસભાના સાંસદ રામભાઇ માકરિયા અને પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલી રજુઆતને સફળતા
સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. આગામી દિવસોમાં રાજકોટથી અલગ અલગ રાજયમાં મુખ્ય સ્ટેશનો સુધી નવી 10 ટ્રેન શરુ કરવામાં આવશે. રાજયસભાના સાંસદ રામભાઇ મોકરિયા અને પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલી રજુઆતને સફળતા સાંપડે તેવા સુખદ સંકેેતો મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રને 10 ટ્રેનો ટૂંક સમયમાં મળવાની છે આ માટે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા અને પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલે રેલવે મંત્રી અશ્ર્વિનીકુમાર વૈષ્ણવ અને દર્શના જરદોષ ને રજુઆત કરી છે. તેનો હકારાત્મક અભિગમ દાખવ્યો છે. આ અંગેનો સર્વે ચાલે છે. જેમાં 1ર ટ્રેનોની રજુઆત થઇ હતી તે પૈકી 10 ટ્રેનો ટુંક સમયમાં રાજકોટથી શરુ થશે. છેલ્લા ઘણા વર્ષોથી યુ.પી., બિહાર, પં.બંગાળ વિગેરે રાજયોના શ્રમીકોને રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી અન્ય રાજયમાં જવા માટે ટ્રેન બદલાવી પડતી હતી તેને બદલે સીધી રાજકોટથી ટ્રેન સુવિધા ઉપલબ્ધ થશે જેથી તેમની મુશ્કેલીનો ટુંક સમયમાં અંત આવશે.
જે ટ્રેનો ચાલુ થવાની શકયતાઓ છે તેમાં રાજકોટથી નાગપુર રાજકોટથી કોલ્હાપુર, રાજકોટથી કોલ્હાપુર- પટના, રાજકોટથી પુના, રાજકોટથી ચેન્નાઇ, રાજકોટથી નીઝામુદ્દીન, રાજકોટથી વારાણસી, રાજકોટ થી ચેન્નાઇ, રાજકોટ થી યશવંતપુર, રાજકોટથી કલકતા અને રાજકોટ થી પ્રયાગરાજ તેમ કુલ 10 ટ્રેનો સપ્તાહમાં બે વખત મળી શકે તેમ છે. આ રીતે 10 ટ્રેનો ચાલુ કરાવવા કરાયેલ પ્રયત્નો સફળ થવા જઇ રહ્યા છે.