હાડકાંની ઇજા પારખવા માટે મોટેભાગે એક્સ-રેનો ઉપયોગ થતો આવ્યો છે. સ્પાઇન (કરોડરજ્જુ)ની ગાદી ખસી ગઈ હોય અથવા શરીરનાં સ્નાયુ-માંસપેશીનાં ભાગોનું વિગતવાર અવલોકન કરવાની જરૂરિયાત પેદા થાય ત્યારે ડોક્ટર એમ.આર.આઈ. સ્કેનની સલાહ આપતાં હોય છે. દરેકની વત્તા-ઓછી આડઅસરો છે. જેમણે ક્યારેક એક્સ-રે કઢાવ્યો હશે અથવા રેડિયોલોજીસ્ટ પાસે ગયા ગયા હશે એમને બરાબર ખ્યાલ છે કે એ માટેનાં મશીનો કેટલા તોતિંગ તેમજ અવાજ કરે એવા હોય છે. શરીરનાં જે ભાગનો એક્સ-રે કાઢવો હોય એને સરખી રીતે ટેબલ પર રાખવામાં ન આવે તો ઘણીવાર એકને એક પ્રક્રિયા પાંચ-છ વખત કરવી પડતી હોય છે. અલબત્ત, એક્સ-રેની શોધ માનવ-ઇતિહાસમાં સૌથી ફાયદાકારક ગણાવી શકાય એવી છે. વાઢ-કાપ કર્યા વગર શરીરનાં અંદરનાં ભાગ વિશે ખબર પડી શકે એનાથી મોટું વરદાન એકવીસમી સદી માટે બીજું શું હોઇ શકે?
આધુનિક ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે, સીટી સ્કેન અને એક્સ-રે કિરણોને સ્નાયુ અથવા માંસપેશીઓમાંથી પસાર કરવામાં આવે છે. શરીરનાં કેલ્શિયમયુક્ત હાડકા આ કિરણોને શોષી લે છે, જેથી એક્સ-રે ઇમેજમાં એટલો ભાગ (હાડકું અથવા એના જેવી ડેન્સિટી ધરાવતો કોઇ ભાગ) સ્પષ્ટ રીતે જોઇને તેમાં રહેલી ખામી અથવા તિરાડ (ફ્રેક્ચર)ને પારખી શકાય છે
આધુનિક ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે, સીટી સ્કેન અને એક્સ-રે કિરણોને સ્નાયુ અથવા માંસપેશીઓમાંથી પસાર કરવામાં આવે છે. શરીરનાં કેલ્શિયમયુક્ત હાડકા આ કિરણોને શોષી લે છે, જેથી એક્સ-રે ઇમેજમાં એટલો ભાગ (હાડકું અથવા એના જેવી ડેન્સિટી ધરાવતો કોઇ ભાગ) સ્પષ્ટ રીતે જોઇને તેમાં રહેલી ખામી અથવા તિરાડ (ફ્રેક્ચર)ને પારખી શકાય છે. એક્સ-રે ફોટોમાં સફેદ રંગ એટલે હાડકાનો ભાગ અને કાળો રંગ એટલે એવો ભાગ જ્યાં એક્સ-રે કિરણો શોષાયા નથી! તાજેતરમાં ન્યુઝીલેન્ડની ઓટેગો યુનિવર્સિટી ખાતે રેડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી રહેલા એન્થની બટલર અને એમનાં પિતા તેમજ ભૌતિકશાસ્ત્રવિદ્ ફિલ બટલરે સાથે મળીને નવા પ્રકારનું એક્સ-રે સ્કેનર વિકસાવ્યું છે, જે હાડકા અને સ્નાયુઓનાં રંગને પારખી તેનું થ્રી-ડી સ્વરૂપ આપણા સુધી પહોંચાડી શકવા સક્ષમ છે. સાદી ભાષામાં કહેવું હોય તો, જેમ બ્લેક એન્ડ વ્હાઈટ ટેલિવિઝન સમયની સાથે અપડેટ થયા એવી જ રીતે, એક્સ-રે પણ હવે રંગીન બની ગયા! ફક્ત એટલું જ નહીં, એનું સ્વરૂપ પણ હવે ટુ-ડીને બદલે થ્રી-ડી થઈ ગયું!
બંને સંશોધકોએ પોતાનાં હાથનાં કાંડા અને પગની ઘૂંટીનો થ્રી-ડી કલર એક્સ-રે લઈને નવા મેડિકલ યુગનાં મંડાણ કર્યા છે. વૈજ્ઞાનિકો હાલ તેમની આ શોધ માટે ઘણા જ આશાસ્પદ છે. ભવિષ્યમાં શરીરનાં અમુક ભાગ પૂરતું સીમિત ન રહેતાં તેઓ આખેઆખા બોડીનો કલર એક્સ-રે કાઢી શકે એ માટેની તૈયારી શરૂ થઈ ચૂકી છે. વિવિધ પ્રકારનાં કેન્સર, હ્રદયસંબંધી રોગો તેમજ હાડકાની સમસ્યાઓ માટે થ્રી-ડી કલર એક્સ-રે ખૂબ ઉપયોગી નીવડી શકે એમ છે. ગંભીર રોગની કેટલીક દવાઓ એવા પ્રકારની હોય છે, જેમાં રોગિષ્ઠ ભાગ ઉપરાંત તેની અસર (રાધર આડઅસર!) અન્ય ભાગો પર પણ જોવા મળે છે. આવી આડઅસરોનું નિવારણ આવે અને દવા ફક્ત પૂર્વનિર્ધારિત અસરકર્તા ભાગ સુધી જ પહોંચે એ જોવું સરળ થઈ જશે. કેટલાક કેસમાં તો સર્જરી અથવા ઓપરેશન પણ નહીં કરવા પડે એવી સંભાવના સેવાઈ રહી છે! હાડકાનાં જટિલ ઓપરેશન તથા ખૂબ મુશ્કેલ કહી શકાય એવા (હાડકાનું કેન્સર ધરાવતાં) દર્દીઓનો ઇલાજ કરી રહેલા યેલ યુનિવર્સિટીનાં ઓર્થોપેડિક સર્જન ડો. ગેરી ફ્રેડલેન્ડર થ્રી-ડી કલર એક્સ-રેને એડવાન્સ્ડ મેડિકલ-વર્લ્ડની અત્યંત મહત્વપૂર્ણ શોધ માની રહ્યા છે. એમનાં કહેવા મુજબ, આ નવી રેડિયોલોજી ટેક્નિકને કારણે, દર્દીનાં શરીરની અંદર વિકસી રહેલા ટ્યુમર (ગાંઠ) અથવા કેન્સરને શક્ય એટલી ઓછી કાપ-કૂપ સાથે ટ્રીટ કરી શકવામાં મદદ મળશે. શરીરની અન્ય માંસપેશીઓ સાથે થનારી કામ વગરની છેડખાનીઓ હવે બંધ થશે. થ્રી-ડી કલર એક્સ-રે ડિવાઇસની શોધ કેવી રીતે થઈ એની પાછળની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે. યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ખાતે ન્યુક્લિયર-રીસર્ચ માટે ઉભી કરવામાં આવેલી 17 માઇલ લાંબો વ્યાસ ધરાવતી એક અન્ડરગ્રાઉન્ડ ટનલ, જેને આપણે લાર્જ હેડ્રોન કોલાઇડર તરીકે ઓળખીએ છીએ.. એમાં ફિઝિસિસ્ટો દ્વારા ઉપયોગમાં લેવાતું આ ડિવાઇસ ન્યુઝીલેન્ડનાં એન્થની બટલરનાં ધ્યાનમાં આવ્યું. લાર્જ હેડ્રોન કોલાઇડર જ્યારે કાર્યરત હોય ત્યારે એની ટ્યુબમાંથી પસાર થનારા પાર્ટિકલ્સ પર નજર રાખવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો હતો (થ્રી-ડી કલર એક્સ-રે વાસ્તવમાં પિક્સલ-ડિરેક્ટિંગ ટૂલની માફક કામ કરે છે!
હાડકાનાં જટિલ ઓપરેશન તથા ખૂબ મુશ્કેલ કહી શકાય એવા (હાડકાનું કેન્સર ધરાવતાં) દર્દીઓનો ઇલાજ કરી રહેલા યેલ યુનિવર્સિટીનાં ઓર્થોપેડિક સર્જન ડો. ગેરી ફ્રેડલેન્ડર થ્રી-ડી કલર એક્સ-રેને એડવાન્સ્ડ મેડિકલ-વર્લ્ડની અત્યંત મહત્વપૂર્ણ શોધ માની રહ્યાં છે
સંશોધકોએ વિચાર્યુ કે શા માટે આનો ઉપયોગ શરીરનાં ભાગોનો એક્સ-રે કાઢવા માટે ન કરવામાં આવે? બસ, આ વિચાર સાથે જન્મ્યો થ્રી-ડી કલર એક્સ-રે! શરીરનાં કોઇ પણ ભાગ પર પાડવામાં આવેલો એક્સ-રે હવેથી એની કલર ઇમેજ આપણને આપી શકશે. સ્નાયુ, હાડકા, એનું જોડાણ, ચામડીનાં અલગ-અલગ સ્તરો જેવી બારીકમાં બારીક વિગતો મેડિકલ-સાયન્સ જાણી શકશે. દર્દીને ઓછામા ઓછી દવા અને વાઢકાપનો સામનો કરવો પડે એનાં માટે (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) ઘણા વર્ષોથી પોતાની રીસર્ચ-ટીમ પાસે નવા નવા સંશોધનો કરાવતું રહ્યું છે. આગામી મહિનાઓની અંદર ન્યુઝીલેન્ડનાં પસંદગી પામેલા કેટકાલ દર્દીઓ પર થ્રી-ડી કલર એક્સ-રેનો પ્રયોગ શરૂ કરવામાં આવશે. તેમનાં પર થતી લાંબા અને ટૂંકાગાળાની અસરો વિશે જાણકારી મેળવ્યા બાદ મેડિકલ-સાયન્સ એને વિશ્વનાં અન્ય દેશોને સોંપી દેશે.
જાણવા જેવી બાબત એ છે કે બટલર પિતા-પુત્રે આ સંશોધન પાછળ પોતાની જિંદગીનાં દસ વર્ષ ખર્ચી નાંખ્યા! લાર્જ હેડ્રોન કોલાઇડર ખાતે ઉપયોગમાં લેવાતી મેડિપિક્સ-3 ટેક્નોલોજી વડે તેમણે થ્રી-ડી કલર એક્સ-રે જેવી મહત્વપૂર્ણ શોધ આદરી હતી. મેડિપિક્સ એ ખરેખર ઇલેક્ટ્રોનિક ચીપનો સમૂહ છે, જેનો ઉપયોગ અણુ-પરમાણુને ટ્રેક કરવા તેમજ ઓળખવા માટે થાય છે. લાર્જ હેડ્રોન કોલાઇડર માટે તેનો વપરાશ થયા બાદ છેલ્લા વીસ વર્ષોની અંદર વૈજ્ઞાનિકોને એ તથ્ય પણ સમજાયું છે કે મેડિપિક્સ ફક્ત ભૌતિકશાસ્ત્ર માટે નહીં, પરંતુ ચિકિત્સા પદ્ધતિમાં પણ કામ આવી શકે એમ છે. યુનિવર્સિટી ઓફ ઓટેગો અને કેન્ટરબરી સાથે સંકળાયેલી માર્સ બાયો-ઇમેજિંગ લિમિટેડ નામની થ્રી-ડી સ્કેનર કંપનીએ મેડિપિક્સ પર સંશોધન આદરવા માટે વિશ્વની 20 જેટલી અન્ય રીસર્ચ ઇન્સ્ટિટ્યુટ સાથે કોલોબ્રેશન કર્યુ. પુષ્કળ પ્રયોગો બાદ સાબિત થયું કે થર્ડ જનરેશન મેડિપિક્સ ચીપ (મેડિપિક્સ-3) એ વાસ્તવમાં આધુનિક વિજ્ઞાનની સૌથી એડવાન્સ્ડ ચીપ છે.
ઉંડાણપૂર્વકનાં રીસર્ચ બાદ એન્થની બટલરે વિકસાવ્યું: સ્પેક્ટ્રલ મોલેક્યુલર ઇમેજિંગ (એસએમઆઈ) – થ્રીડી કલર એક્સ રે! સામાન્ય એક્સ-રે પદ્ધતિમાં, વિકિરણોકેલ્શિયમ, આયોડિન અને ગોલ્ડની ડેન્સિટી વચ્ચે ફર્ક નથી પારખી શકતાં. પરંતુ સ્પેક્ટ્રલ મોલેક્યુલર ઇમેજિંગ આ તમામ તત્વો વચ્ચે તફાવત પારખી શકે છે એટલું જ નહીં, તેનાં મૂળ રંગ અને તેમાં પ્રવર્તતી ખામીઓ વિશે પણ વિસ્તારપૂર્વક માહિતી આપી શકવા સક્ષમ છે! લેખની શરૂઆતમાં વાત કરી એમ, એક્સ-રે તથા સીટી-સ્કેનનો વધુ પડતો ઉપયોગ શરીર માટે હાનિકારક સાબિત થાય છે. પરંતુ સ્પેક્ટ્રલ મોલેક્યુલર ઇમેજિંગ પદ્ધતિમાં રેડિયેશનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે જેથી તેની આડઅસરો પણ સાવ નહિવત જોવા મળે એવી સંભાવના છે.