“ક્યારેય કોઈ પરીક્ષા આખરી નથી હોતી” શીર્ષક હેઠળ માનનિય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ આજે લેખ લખેલ છે જે વિધાથી મિત્રોને મદદ તથા આશ્વાંશન આપતો એક સુંદર અને પ્રેરણારૂપ સાબિત થાય છે તેવો છે જે નીચે મુજબ છે,
“હાલમાં પરીક્ષાનાં પરિણામ આવી રહ્યા છે ત્યારેઘણા વિદ્યાર્થીઓ ધાર્યા પ્રમાણેનું પરિણામ મળ્યાથી ખૂશ હશે,તો ઘણા વિદ્યાર્થીઓને પોતાની ધારણા પ્રમાણેનું પરિણામ ન મળતા દુ:ખી હશે. ક્યારેક કોઇ વિદ્યાર્થીએપરીક્ષાનાં પરિણામ પછી આત્મહત્યા કરી હોઇ તેવા સમાચાર પણ વાંચવાનું ભાગમાં આવે છે ત્યારે ખૂબ દુ:ખી થઇ જવાય છે. મનમાં પ્રશ્ન થાય છે કે, “શું ક્યારેય કોઇ પરીક્ષા આખરી હોઇ છે?” જવાબ ખૂબ જ સ્પષ્ટ છે… “ના.કયારેય કોઇ પરીક્ષા આખરી નથી હોતી.” જે રીતે ક્યારેય કોઇ સફળતા કે નિષ્ફળતા કાયમી નથી હોતી, એ રીતે કોઈ પરીક્ષા પણ ક્યારેય આખરી નથી હોતી. દરેક નિષ્ફળતા માણસને કંઈક ને કંઈક શીખવી જાય છે.સાથે દરેક સફળતા પણ કંઈકને કંઈક નવા પડકાર લઇને આવે છે. કહેવાની વાત માત્ર એ છે કે પરિણામ ગમે તે હોઇ, સહર્ષ સ્વીકારી લેવું. આદિકવિ નરસિંહ મહેતાની જેમ “હરિ કરે તે ખરી” જેવા એટીટ્યુડથી મોટાભાગનાં દુ:ખ દૂર થઇ જતા હોઇ છે. આપણે તો એ સંસ્કૃતિના વાહક છીએજેમાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ કર્મનો સંપૂર્ણ ‘કોડ’ “ભગવદ ગીતા”આપ્યોછે,એમણે કર્મનોસિદ્ધાંતસમજાવતા કહ્યુંછે
કે,‘कर्मण्येवाधिकारस्तेमाफलेषुकदाचन’યુગબોધ સમા “ભગવદ ગીતા”ના આ શબ્દો આપણેસૌએ આપણા અંતરપટ પર કંડારી રાખવા જેવા છે. દરેકને કર્મ પ્રમાણેનું ફળ આપવાનો વિશ્વાસ સ્વયં ભગવાને આપ્યોહોય ત્યારે આપણે આપણા કર્મોમાં શ્રદ્ધા રાખી પરિણામ માટેધીરજ રાખવી જોઇએ.
ક્યારેક નાની એવી નિષ્ફળતા પણ કોઈ એક વ્યકિતને અંદરથી હલબલાવી મૂકે છે, એ જ પરિસ્થિતિમાં આવી નાનકડી નિષ્ફળતામાં બીજી વ્યકિત એમ વિચારે છે કે મારા માટે ભગવાને બીજી કોઇ સારીવ્યવસ્થા બનાવી રાખી હશે. તફાવત માત્ર અભિગમનો છે. સ્કૂલ પરીક્ષાનું પરિણામ જ તમારું ભવિષ્ય નક્કી નથી કરતું. તમારો ધ્યેય,અભિગમ,મહેનત,ધગશ,નિષ્ઠા,સ્માર્ટવર્ક, પરિણામ માટેની ધીરજ અને સાહસવૃતિ જેવા ગુણોતમારું ભવિષ્ય નક્કી કરતા હોઈ છે. એક પરીક્ષામાં ઓછા-વત્તા માર્કસ મળવાથી કોઇ આભ નથી તૂટી પડવાનું. શક્ય છે તમે વિજ્ઞાન વિષયમાં નબળા હશો,તેનો મતલબ એવો નથી કે તમે બધા વિષયમાં નબળા હશો. તમે સારા ચિત્રકાર, સારા કલાકાર કે સારા અભિનેતા પણ હોઈ શકો. એક વ્યક્તિ દરેક કાર્યમાં પારંગત નથી હોતી,પરંતુ યાદ રાખજો દરેક વ્યક્તિ એક કાર્યમાં તો શ્રેષ્ઠ હોય જ છે. આપણે આપણું એ શ્રેષ્ઠ કાર્ય શોધી કાઢવાનું છે. કારણ કે કુદરતે દરેકને એક ખાસ મિશન સાથે આ સૃષ્ટિ પર મોકલ્યા છે.
માત્ર વકીલ કેડોકટર બનવુંજ સફળતા નથી. આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે યુવાનો ‘જૉબ’મળી ગઇ એટલે સફળ કહેવાય એવી માનસિકતાનો શિકાર બન્યા છે.
આપણે આપણા સફળતાનાં માપદંડો બદલવા પડશે. પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર પટેલ, શહીદ ભગત સિંહ,અમિતાબ બચ્ચન, સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, પી.ટી.ઊષા, મેરી કૉમ, લતા મંગેશકર, એ.આર.રેહમાન,ધીરૂભાઇ અંબાણી, રતનટાટા,જેવા શ્રેષ્ઠીઓ નોકરી લઇને ઠરીઠામ થઇ જવામાં માન્યા હોત તો આ દેશનું નામ વિશ્વમાં રોશન કરે તેવા નેતા, ક્રાંતિકારીઓ, કલાકાર,ખેલાડી કે ઉધોગપતિ મળ્યા હોત? સાહસવૃતિ અને અભિગમનાં જોરે મોટામાં મોટા સંઘર્ષમાંથી બહાર આવીને કોઇપણ માણસ ઉચ્ચતમ્ પરિણામ હાંસલ કરી શકે છે. ક્યારેક આપણી ધારણા મુજબ પરિણામ ન મળે તો સમજવું કે ભગવાને આપણાં માટે કંઇકસારું વિચારી રાખેલ છે. સવાલ છે,સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે તેમ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો’ મંત્ર મુજબ ચાલવાનો.
અહીં એ પણ પ્રશ્ન થાય કે, “તો શું શિક્ષણની જરૂર નથી?” તેનો અનુભવગત જવાબ છે કે, શિક્ષણની પણ એટલી જ જરૂર છે. શિક્ષણથી માણસ ‘વિવેકી’ બને છે. શિક્ષણ મેળવ્યા વિના પૈસા કમાઈ શકાય છે, પરંતુ તેનેસમજદારી પૂર્વક વાપરવા શિક્ષણ અનિવાર્ય છે. તમે પૈસાથી કાર ખરીદી શક્શો, પરંતુ તેને શિસ્તબદ્ધ રીતે ચલાવવી, ટ્રાફિકનાં કાયદાનું પાલન કરવું, આપણી અને સામેવાળાની સલામતી જાળવવી જેવી સમજદારી તોશિક્ષણ અને પ્રશિક્ષણથી જ મળે છે. તમે સફળ માણસોનો સર્વે કરશો તો જોશો કે તેમાં ભણેલા માણસોનું પ્રમાણ વધુ હશે. મતલબ કે સફળતા માટે શિક્ષણ અચૂક મદદ કરે છે. શિક્ષણની જરૂર એટલે છે કે શિક્ષણથી માણસ વિચારતો થાય છે.માણસને સકારાત્મક વિચારો તરફ શિક્ષણ જ લઇ જાય છે.અને દુનિયા સ્વીકારે છે કે “Its Idea which creates wealth.”સફળતા માટેના જરૂરી ગુણો જેવા કે ધ્યેય, અભિગમ, ધગશ, નિષ્ઠા, મહેનત, સ્માર્ટ વર્ક, પરિણામ માટેની ધીરજ વગેરે શિક્ષણ જખીલવે છે. માટે શિક્ષણ જરૂરી છે.
શિક્ષણથી એ સમજ કેળવાય છે કે “પૈસા કમાવા એજ માત્ર સફળતા નથી.”સરદાર વલ્લભભાઇ પટેલનાં મૃત્યુ સમયે તેની સંપતિમાં રૂ.૨૫૦ પણ પૂરા ન હતા; તો શું તેઓ સફળ ન હતા? પ્રસિદ્ધ શરણાઈ વાદક બિસમીલ્લાહખાન પાસે જતી જીંદગીએ સારવાર કરાવવા પૈસા ન હતા; તો શું તેઓ સફળ ન હતા? આવા તો હજ્જારો ઉદાહરણ આપણી આસપાસ હશે, જેઓ જીવનપર્યંત પોતાની જાત ઘસીને સમાજને કલા, સંસ્કૃતિ, રમતગમત,માનવસેવા,સામાજિક ઉત્થાન, કેળવણી જેવા વિવિધ ક્ષેત્રે ચિરકાલીન પ્રદાન આપીને ગયા હોઇ. માનવીનું મૂલ્ય તેના ‘પ્રદાન’માં રહેલું છે એ વાત આપણે સૌએ યાદ રાખવી પડશે. અને તેથી સફળતાનો માપદંડ પણ ‘પ્રદાન’ જ હોઈ શકે. આપણે સતત સજાગ રહીને વિચારવું પડશે ‘મારૂ પ્રદાન શું?’
પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીએ દેશનાં ‘પદ્મ પુરસ્કાર’ આપવાની પદ્ધતિ બદલી છે. કોઇ નેતાની ચિઠ્ઠી નહીં,પરંતુ જનતાના અભિપ્રાયથી ઉમદા પ્રદાન કરનાર વ્યકિતને ‘પદ્મપુરસ્કાર’ અપાય છે. મારે તમામ વાચકને હોમવર્ક આપવું છે કે આધુનિક યુગના દેવતા ‘ગૂગલ’ પર જઈ છેલ્લા ચાર વર્ષોનાં ‘પદ્મપુરસ્કૃત વ્યકિતઓ અને તેમના પ્રદાન’ અંગે વાંચજો, જીવન પ્રત્યેની તમારી દ્રષ્ટિ અને દિશા બદલાઇ જશે.
અને છેલ્લે, સફળતાને એટીટ્યૂડ સાથે લેવા દેવા છે, નહીં કે માત્ર તમારી માર્કશીટ સાથે. સફળતા માટે કમ્ફર્ટઝોન માંથી બહાર આવીને સંઘર્ષ અને સાહસ સાથે આગળ વધવું પડશે. ભગવાન બુદ્ધની વાત જે આપણે સૌએ લખી રાખવા જેવી છે, ‘જેવું વિચારશો,તેવા બનશો’.માટે હતાશા,નકારાત્મકતા અને ભવિષ્યનાં ડરને ખંખેરી નાખી વિજેતાની જેમ વિચારવાનું ચાલુ કરો,જોત જોતામાં તમારી સહી‘ઓટોગ્રાફ’ બની જશે.
આ લેખના લેખક માનનીય મનસુખ માંડવિયા હાલ ભારત સરકારનાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી (કેન્દ્રીય રાજ્યમંત્રી) છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com