- બાળકના બચપનના વિકાસમાં દાદા-દાદીનો ફાળો વિશેષ જોવા મળે છે: બાળકોના સર્વાંગી વિકાસમાં પ્રાકૃતિક વાતાવરણનો મહત્વનો
- હિસ્સો હોય છે : આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજીને કારણે નાના બાળકો ઘણા શબ્દો અને વસ્તુથી બહુ વહેલા પરિચિત થઈ જાય છે
- દરેક મા બાપે ધરને વાત્સલ્યધામનો અહેસાસ કરાવવાની સાથે તેને બાલમંદિર બનાવવાની જરૂર છે : બાળપણમાં એક કીટ્ટા અને બુચ્ચામાં સંબંધો સુધરી જતા હતા
પોતાના જમાનાની બાળપણની વાતો જ્યારે સંતાનો કે પૌત્રને કહેતા હોય એ પિતા કે દાદા દુનિયાની શ્રેષ્ઠ પળ માણી નિજાનંદ મેળવતો હોય,
જે લોકોએ બચપણ ખૂબ જ સારૂ માણ્યું છે એ જ લોકો આજે સુખી છે, માટે તમારા સંતાનોનું ખોવાયેલું બાળપણ માણવા આપો. કોઇપણ માનવી જીંદગીમાં સતત તેના બાળપણના સ્મરણો વાગોળ્યા જ કરે છે. વર્ષો પહેલા માનવી કોઇ જાતના ટેન્સન વગર નિજાનંદથી જીવન જીવતો હતો. વિકાસના પગલે ટીવી, મોબાઇલ જેવા ગેઝેટ આવતા સૌ દુ:ખી થયા તો સૌથી અસર બાળકોને પડી કે તેને બચપણ માણવા જ નથી મળતું. માણસની જીંદગીની બુકમાં સૌથી સારૂ પેજ બાળપણ જ હોય છે. જીંદગીના સૌથી સુખદ ઘટનામાં માનવી બાળપણનું સ્મરણ કરે અથવા તેના જમાનાની વાત પોતાના સંતાનો કે તેના પૌત્રને કહે કે એનો અનુભવ કરાવે તે પિતા સાથે દાદા દુનિયાની શ્રેષ્ઠ પળ માણી નિજાનંદ મેળવતો હોય છે.
બાળપણ પહેલાનું કેવું ખૂબ સુરત હતું જ્યારે રમકડા જ જીંદગી હતી તો આજે જીંદગ રમકડા જેવ થઇ ગઇ છે. બચપણના જ મિત્રો આપણા ‘સાચા મિત્રો હોય છે, જેને આપણે આજે યાદ કરીએ છીએ. એક વાત નક્કી છે કે જેને બાળપણ-બચપન જેને ખૂબ સારૂ માણ્યું છે. તે જ લોકો આજે સુખી છે. સામાજીક-શારીરીકની સૌથી વધુ માનસિક શાંતિથી માનવી જીવન પસાર કરતો હતો. ગમે તે ખોરાક પચી જતો તો અને ભણવાનો ભાર ક્યારેય લાગતો ન હતો. પરિવાર આખો સુખી જ હતો. સંયુક્ત પરિવારમાં સૌ સાથે સુખ કે દુ:ખમાં આનંદથી રહેતા હતાં.
એ વખતની શિક્ષણ વ્યવસ્થામાં ભણતરની સાથે ગણતર જોવા મળતું હતું. પાટીની પેન ખાયને કેલ્શિયમની ઉણપ પૂરી થઇ જતી તો પેન્સિલ કે બોલપેનનો ખૂણો ચાવીને ટેન્સન ફ્રી થઇ જવાતું હતું. એ વખતના દફ્તરનો ભાર જ ન હતો. હોંશથી ચોપડાની વચ્ચે વિદ્યાના ઝાડની ડાળખી, મોરના પીંછાને મુકવાથી હોંશિયાર થઇ જવાનો દ્રઢ સંકલ્પ હતો. કપડાની થેલી કે પતરા કે ટીનની પેટીમાં જ સમગ્ર શિક્ષણ પુરૂ થઇ જતું હતું. એ જમાનામાં શિક્ષણ સાથે બાળપણનો ઘણો સમન્વય જોવા મળતો તો ચોપડાને પૂંઠા ચડાવવાનો આખો દિવસ મિત્રો સાથે પસાર થતો હતો. ભાઇબંધોની ટોળી શેરીમાં વિવિધ રમતો રમીને આનંદ કરતા ઘરેથી જમવાનો કોલ આવી જતો હતો.
એ દોસ્તારોને આજે પણ માનવી યાદ કરે છે કે તેને શોધી રહ્યાં છે. સાયકલ ચલાવવી તો શાન હતી તો એકને ડંડા ઉપરને બીજાને કેરિયર પર બેસાડીને સાયકલ ચલાવવીએ ગોલ્ડ મેડલ મળ્યા બદલનો આનંદ હતો. એ જમાનામાં ટીવી ન હતા, ક્યાંક કોઇકના ઘરે હોયને જોવા જોઇએ અને એ કાઢી મુકે તો પણ અપમાન ન હતું લાગતું. ઇગોની તો ખબર જ ન હતી. શિક્ષકનો મેથીપાક ખાવો તો નિત્યક્રમ બની જતો હતો. મારવાવાળો અને માર ખાવાવાળો બંને ખુશ થતાં હતાં.
આજનું જીવન દુનિયાના ઉતાર-ચઢાવને એક ભાગ બની ગયો છે. આજના વડિલોએ જે બાળપણ માળ્યું છે તેની સામે હાલનું જીવન કશું જ નથી. એ દિવસો સારા હતા કે ખરાબ પણ નુકશાન તો કશુંજ ન કરતા સાથે જીંદગીની એક શ્રેષ્ઠ પળનો આનંદ આપી જતા હતા. ત્યારે બાળક સાથે પરિવાર-મિત્રો અને તેના આનંદના દિવસો હતા જે તે રોગપ્રતિકારક શક્તિ સાથે આખા દિવસ આનંદનું ભાથુ આપી જતો હતો.
પરિવર્તનના પવન સાથે માણસોના જુના ઘર બદલીને નવા ઘરે રહેવા આવે ત્યારે એ બાળપણના અમૂલ્ય દિવસો દરરોજ સપનામાં આવીને પણ મોજ કરાવી દેતા હતાં. આજના દરેક મા-બાપે પોતાના સંતાનોને પોતાના આ બચપણના સોનેરી દિવસોની મીઠડી વાતો કહેવી જ પડશે. જો તમે તેનો વિકાસ કરવા માંગતા હોતો. આજના બાળકમાં પણ પરિકલ્પના સાથે જીજ્ઞાસાવૃતિ પડી છે ખાલી આપણે તેને ઝંકૃત કરીને તેને એ પળનો અનુભવજન્ય અહેસાસ કરાવવાનો છે.
જુની દેશી રમતો અને આજની રમતો વચ્ચેની ભેદરેખા બાળકને સમજાવવાની જરૂર છે. દરેક મા-બાપે પોતાના બાળકો સાથે રમવાને કુદવા માટે સમય કાઢવો જ પડશે. આજના બાળકનું બચપણ આપણે જ ખોઇ નાખ્યું છે. ‘કોઇ લૌટા દે મેરે બીતે હુએ દીન’ ફિલ્મ ગીતની જેમ બાળકોને તેના દિવસો આપવા જ પડશે. મનોવિજ્ઞાન પણ આજ વાત દોહરાવે છે કે બાળકને મુક્ત વાતાવરણમાં ખીલવા દો તે તેનામાં પડેલી સુસુપ્ત શક્તિને ખીલવો. આંધળો પાટો, નારગોળ, કોથળ દોડ, ઝાડ પર ચડવું, ખુંચામણી રમવું, મોય-દાંડીયા, ડેરીની વિવિધ રમતો, પાંચીકા, ચોપાટ, દોરડા કૂદ, ખો-ખો, ચોર-પોલીસ જેવી વિવિધ રમતો રમતા-રમતાં જ બાળકોમાં વિવિધ ગુણોનું સિંચન થઇ જતું હતું.
આજે દાદા-દાદીની વાતો બાળકોને જીવન જીવવાની પ્રેરણા આપે છે ત્યારે મા-બાપો તેને સવારથી સાંજ શાળા ઉપરાંત બીજા ઘણા બધા ક્લાસીઝમાં મોકલીને મજૂર બનાવી દે છે. આજના મા-બાપો પોતાના અધુરા સપનાઓ પોતાના બાળકમાં જોતા હોવાથી તેના બાળપણના દિવસો ખોવાય જાય છે. આજના મા-બાપે પોતાના સંતાનોને પોતાના બાળપણના દિવસોની જગ્યા ઘર, શેરી, ગામ વિગેરે સ્થળે રૂબરૂ લઇ જઇ બતાવવા જેથી તમો તેને ખીલવવા માટેની પ્રેરણા પુરી પાડશો. બાળકના સંર્વાગી વિકાસમાં માતા-પિતા સાથે દાદા-દાદીનો ફાળો સવિશેષ છે તે ક્યારેય આજના મા-બાપે ભુલવું ન જોઇએ.
ઘરની ઇન્ડોર અને શેરીની આઉટડોર રમતોને કારણે બાળકોમાં ચપળતા, નિર્ણયશક્તિ બુધ્ધી, ભાઇચારો, સમય સુચકતા, નિડરતા, ટાઇમીંગ જેવા ઘણા ગુણ ખીલે છે. આજના બાળકોનું બચપણ ટીવી, મોબાઇલ, ગેમ્સે છીનવી લીધું છે. એક જમાનામાં તો સૌ ઉનાળાની ભર બપોરે છોકરીઓની પાંચિકા રમત રમતા જોવા મળતી હતી. રજાના દિવસે કે શાળાનાં સમય પહેલા પછી રમાતી વિવિધ રમતો બાળકોમાં જીવન કૌશલ્યની શ્રેષ્ઠ ખીલવણી કરતી હતી.
ત્યારનું કે આજનું બાળક આસપાસના વાતાવરણમાંથી શીખતું જોવા મળે છે. ત્યારે મા-બાપે તેને અનુભવ જન્ય જ્ઞાન આપવાની તાતી જરૂરીયાત છે. ગમે તે બાળક હોય તે પોતાનામાં જ વિશિષ્ટ અને મહાન હોય છે તેને ઇત્તર પ્રવૃતિના માધ્યમથી વિકાસ કરવો કે કરાવવો તેમાં મા-બાપની ભૂમિકા મહત્વની હોય છે. ત્યારે કોઇ મા-બાપ ચાઇલ્ડ સાયકોલોજી ભણ્યા કે શિખ્યા જ ન હતાં છતાં પોતાના સંતાનોને બરોબર ઉછેર કરતા સાથે વિવિધ રમતોના માધ્યમથી તેનો વિકાસ પણ કરતાં હતાં. દરેક મા-બાપે, દાદા-દાદીએ કે વડિલોઓએ પોતાના સંતાનોને પોતાના બાળપણની વાતો અવશ્ય કરવી જેનાથી આજનું બાળક ઘણું બધું શીખશે સાથે તેનો માનસિક વિકાસ પણ થશે. ત્યારનું અને અત્યારના વાતાવરણની તુલના કરીને આજના સફળ જીવન વિશે વિચારતો થઇ જશે.
બાળકોના ખાલીપણાને ભરવામાં શ્રેષ્ઠ કાર્ય પરિવાર જ કરી શકે
બાળકોના સંર્વાંગી વિકાસમાં પ્રાકૃતિક વાતાવરણ બહું મોટો ફાળો છે. જે બાળકો જંગલ, વૃક્ષો, પર્યાવરણની નિકટતા કેળવે છે તે લાગણીશીલ સાથે ભાવનાત્મક હોય છે. 9 થી 15 વર્ષના બાળકોના સર્વેમાં આ તારણ જોવા મળ્યું હતું કે વૃક્ષોનું મહત્વ હવે તે બરોબર સમજી ગયો છે. ઘણા બધા શ્રેષ્ઠ નાગરિકના ગુણોનું સિંચન થાય છે. બાળકોના ઉછેરમાં દાદા-દાદીનો ફાળો સવિશેષ છે, તે બાળકોના ખાલીપણાને ભરવાનું શ્રેષ્ઠ કાર્ય કરે છે. તેમની સ્થિરતા, સમજ અને મેચ્યોરિટી બાળક ઉપર બહું મોટી અસર કરે છે. દરેક મા-બાપે કે દાદા-દાદીએ પોતાના બચપણની વાતો પ્રસંગો સ્થળ, મુલાકાત, સગા-પરિવારના સભ્યોની મુલાકાત કરાવી જોઇએ, છીએ આમ કરવાથી પણ તેનો વિકાસ કરી શકશો. દરેક મા-બાપે ઘરને વાત્સલ્યધામનો અહેસાસ કરાવવાની સાથે તેને બાલ મંદિર બનાવવાની જરૂર છે. એક વાત કે બાળકને ક્યારેય જાહેરમાં અપમાનીત ન કરવો. બાળપણમાં એક કિટ્ટા અને બુચ્ચામાં સંબંધો સુધરી જતા હતાં.