દુર્ગમ કૈલાશ માન સરોવરની યાત્રાને સરળ બનાવવા ભારતે બનાવેલા રસ્તાથી નેપાળના પેટમાં તેલ રેડાયું

આઝાદીકાળથી ભારતે જેને નાના ભાઈની જેમ હંમેશા મદદ કરી છે. તેવો ટચુકડો દેશ નેપાળ નશામાં ભાન ભૂલ્યો હોય તેવી સ્થિતિ સરહદે ઉભી કરી છે. ભારત સરકારે અત્યાર સુધી દુર્ગમ મનાતી કૈલાસ માન સરોવરની યાત્રાને રળ બનાવવા બનાવેલા રસ્તાથી નેપાળના પેટમાં તેલ રેડાયું હોય તેમ આ ભારતીય કબજાવાળા વિસ્તારોને પોતાના ગણાવતા નકશા બનાવીને કરાવીને તેને સંસદમાં મંજૂરી માટેની તૈયારી આદરી છે. દરમ્યાન સરહદ પાર ગયેલા ભારતીય નાગરિકો પર નેપાળ પોલીસે ગોળીબાર કરતા એક નાગરિકનું મૃત્ત્યુ જયારે બે નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક સમયે રાજાશાહી ધરાવતું નેપાળ વિશ્ર્વના એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતુ પરંતુ રજવાડાનાં ૨૩ સદસ્યોની સામુહિક હત્યા બાદ નેપાળમાં લોકશાહી આવી છે. પરંતુખંધા ચીને નેપાળમાં સામ્યવાદને પ્રચાર પ્રસાર કરાવીને સામ્યવાદી પક્ષની કે.પી. ઓલી સરકારને સત્તારૂઢ કરાવી છે.

જયારે કોઈ રાજયમાં ધૃતરાષ્ટ્ર જેવા અંધ શાસકો આવે ત્યારે તેનો લાભ લેવા શકુનિ જેવા લોકો પહોચી જાય છે. જે બાદ થનારા મહાભારતમાં કૌરવો ૧૦૦ હોવા છતાં તેમને પાંચ પાંડવો ભારે પડે છે. હાલમાં નેપાળની ઓલી સરકારે ધૃત્તરાષ્ટ્રની ભૂમિકામાં આવી જઈને ભારતે ભૂતકાળમાં કરેલી તમામ મદદો સામે પોતાના સ્વાર્થ માટે આંખ આડા કાન કરી લીધા છે. ભૂતકાળમાં નેપાળ પર જયારે પણ મુશ્કેલી આવી છે. ત્યારે ભારતે સૌ પ્રથમ મદદ કરી છે. આ ઉપકારને ભૂલી જઈને નેપાળની ઓલી સરકારે શકુનિ જેવા ખંધા ચીનની શેહમાં આવી જઈને ભારત સામે અડપલા કરી રહ્યું છે. પરંતુ, આવું કરતી વખતે નેપાળ સરકાર ભૂલી ગઈ છે કે ભારત મોટાભાઈ તરીકે ધ્યાન રાખી રહ્યું છે. તેથી જ ચીન તેને હજુ સુદી તિબેટની જેમ હડપ કરી શકયું નથી ભારતે નેપાળ પર એટલા ઉપકાર કરેલા છે કે નેપાળીઓનાં દાંત ખોરવામાં આવે તો પણ તેમાંથી ભારતનું અન્ન નીકળે તેવી સ્થિતિ છે.

ભારતની વિવિધ પ્રકારની મદદ અને લાખો નેપાળીઓકે જેઓ ભારતમાં રોજી રોટી રળે છે. તેના પર જ નેપાળ નભે છે દર વર્ષે ભારતમાંથી લાખો યાત્રાળુઓ ત્યાં દર્શને તથા ફરવા જાય છે. તેમાંથી જ નેપાળનું અર્થતંત્ર ચાલે છે. આવા ભારતનાં તમામ પ્રકારનાં ઉપકારોથી દબાયેલા નેપાળે શકુનિ જેવા ખંધા ચીનના જોરે ક્દીને વિઝા ફી ભારતીય સરહદે તંગદીલી ઉભી કરી છે. તેને વિદેશ નીતિના નિષ્ણાંતો મોટી ભૂલ સમાન માની રહ્યા છે. ભારતના કબ્જાવાળા વિસ્તારોને પોતાના નકશામાં સમાવવાનો પ્રયાસ કરતા નેપાળ આવું કરતા સમયે ભૂલી જાય છે કે મોટાભાઈ ભારતને છંછેડવાનું તેમનું ભારે પડી શકે છે. અને ભારત ઈચ્છે તો ગમે ત્યારે નેપાળને વિશ્ર્વના નકશામાંથી ભુંસી નાખે તેવી ક્ષમતા ધરાવે છે.

ભારત અને નેપાળ વચ્ચે હાલ નકશાના વિવાદને પગલે તણાવપૂર્ણ સ્થિતિ છે તેવા સમયે ગઇકાલે સવારે બિહારની નેપાળ સરહદે નેપાળ પોલીસે ભારતીય ખેડૂતો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એક ભારતીયનું મોત થઈ ગયું જ્યારે અન્ય બેને ઈજા પહોંચી હતી. આ ઘટનાના પગલે ભારત-નેપાળ સરહદે તણાવ વધી ગયો છે.

જોકે, ભારતના સશસ્ત્ર સીમા બલના ડીજીએ જણાવ્યુ હતુ કે ગોળીબારની ઘટના નેપાળ સરહદથી અંદરના ક્ષેત્રમાં થઈ છે. જોકે, હાલ પરિસ્થિતી સામાન્ય થઈ ગઈ છે.

હકીકતમાં આ સ્થાનિક લોકો અને નેપાળ પોલીસ વચ્ચેના સંઘર્ષના કારણે બની હતી. બિહારના નેપાળ સરહદના જિલ્લા સિતામઢીમાં ગઇકાલે સવારે અંદાજે ૮.૩૦ વાગ્યે નેપાળની સરહદનું રક્ષણ કરતી નેપાળી આર્મ્ડ પોલીસ ફોર્સ (એપીએફ)એ ભારતીય નાગરિક ખેડૂતો પર અંધાધૂંધ ગોળીબાર કરીને એક ૪૫ વર્ષીય ભારતીય લાગન યાદવને પકડી લીધો હતો.

ગ્રામીણોના જણાવ્યા મુજબ નેપાળ પોલીસે ૧૮ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ૨૨ વર્ષીય વિકાસ યાદવનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનો ઉદય ઠાકુર અને ઉમેશ રામને ઈજા પહોંચી હતી. નેપાળની કાર્યવાહી પછી સરહદે તણાવ વધી ગયો છે.

બિહારના સીતામઢી જિલ્લાના નિવાસી લાગન રાય યાદવ પુત્ર સાથે એક મહિલા સંબંધીને મળવા સરહદ પર ગયા હતા. નેપાળ પોલીસે તેમને સરહદ પરથી જતા રહેવા કહ્યું હતું. જોકે, આ મુદ્દે તેમની વચ્ચે બોલાચાલી થતાં નેપાળ પોલીસે વિકાસ યાદવને લાકડીથી ફટકાર્યો હતો.

નેપાળ પોલીસની આ કાર્યવાહીનો સ્થાનિક ગ્રામીણોએ વિરોધ કરતાં નેપાળ પોલીસે ખૂલ્લો ગોળીબાર શરૂ કરી દીધો હતો. નેપાળ પોલીસે દાવો કર્યો હતો કે સ્થાનિક ગ્રામીણોએ પોલીસની બંદૂક આંચકી લેવા પ્રયાસ કર્યો હતો, જેથી તેમણે પોતાની સલામતી માટે ગોળીબાર કર્યો હતો.

ભારતીય વિસ્તારોને પોતાના ગણાવતા નકશાને નેપાળી સંસદમાં મંજુરીની તૈયારી

ભારત સરકાર દ્વારા માન સરોવરની વિકટ ગણાતી યાત્રાને સુગમ બનાવવા ઉત્તરાખંડમાં આવેલા બીપુલેખ ઘાટી વિસ્તારમાં નવો રસ્તો બનાવ્યો છે. આ નવા રસ્તો બનતા નેપાળના પેટમાં તેલ રેડાયું હોય તેમ ભારતીય કબજામાં રહેલા કાલી નદી કાંઠે આવેલા લીપુલેખ, કાલાપાની અને લીમ્પીયાધુરા વિસ્તારોને પોતાના ગણાવતો નકશો તૈયાર કરાવ્યો હતો. આ નકશાના સ્વીકાર માટેના બંધારણીય સુધારા ખરડાને નેપાળની સંસદ આજે આખરી મંજુરી આપનારી છે. વડાપ્રધાન કે.પી. ઓલીના નેતૃત્વ હેઠળના નેપાળ સામ્યવાદી પક્ષ ઉપરાંત વિરોધ પક્ષ નેપાળી કોંગ્રેસ અને મધેસી પક્ષોએ પણ આ દરખાસ્તને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જેથી આજે આ નવા નકશાની દરખાસ્તનો મોટાભાગે સવાનુમતે મંજૂરી મળવાની સંભાવના છે. નેપાળી સંસદની આ મંજુરી બાદ નેપાળના ભારત સાથેના અત્યાર સુધી ચાલ્યા આવતા સુમેળભર્યા સંબંધો ખાટાથવાની સંભાવના વિદેશ નીતિના નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે.

નેપાળ-સરહદે વધતી તંગદિલીને લઈ સરકારે સરપંચોને સેટેલાઈટ ફોન આપ્યા

ખંધા ચીનના જોર કુદતા નેપાળે ભારત સાથેની સરહદ પર તંગદિલી વધારી છે.જેથી, ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં આવેલી નેપાળ અને ચીન નજીકનાં સરહદી ગ્રામ્ય વિસ્તારોના સરપંચોને સેટેલાઈટ ફોન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ દુર્ગંમ વિસ્તારમાં ભારતીય મોબાઈલ સીમમાં કનેકટીવીટી મળતી નથી. આ વિસ્તારમાં માત્ર બીએસએલએનના સીમકાર્ડ જ ચાલે છે. તેમાં પણ નેટવર્કની સમયાંતરે સમસ્યા ઉભી થતી હોય લોકોને નેપાળના સીમકાર્ડ વાપરવા પડે છે. જે મોંઘા પડતા હોવા ઉપરાંત તેનો કાબુ નેપાળ સરકાર પાસે રહેતો હોય તેવું ટ્રેપ થવાની સંભાવના વધી જાય છે. જેથી ઉતરાખંડ સરકારે હાલની તંગદીલીના સમયમાં મુનસ્વાહી, માલા જોહાર ઘાટી, ધારચુલા ઘાટીના દરમા, ચૌહાસ અને વ્યાસ ઘાટીના ૪૯ ગામોના સરપંચોને સેટેલાઈટ ફોન આપવામાં આવનારા છે. જેથી તેમાં કોઈપણ આપતકાલીન સ્થિતિમાં તંત્રનો સંપર્ક કરી શકે આ સેટેલાઈટ ફોન ઉતરાખંડ સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રીપોસન્સ ફોર્સ દ્વારા આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.