2010થી ઉજવાતો આ દિવસ તેમનાં જીવન અને સિધ્ધીઓનું સન્માન છે: દક્ષિણ આફ્રિકાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા જેમની લોકશાહી ઢબે પસંદગી કરવામાં આવી હતી: તેઓ પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ હતા
રંગભેદ સરકારનો ખુબ જ શાંતિ પૂર્ણ રીતે હલ લાવીને કાર્ય કરવા બદલ તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો: તેમણે સમાન ન્યાય અને લોકશાહી માટે 67 વર્ષ સુધી ઝુંબેશ ચલાવી હોવાથી આજે તેને ‘67 મિનિટ મંડેલા દિવસ’ તરીકે પણ ઓળખાય છે, તેમણે 250થી વધુ ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા હતા
દર વર્ષે 18 જુલાઇ એટલે કે આજે આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ ઉજવાય છે. યુ.એન. દ્વારા 2009માં ઠરાવ કરીને ઘોષણા કરતાં 2010થી ઉજવણી થઇ રહી છે. આજનો દિવસ એક સ્વયંસેવક અને સમુદાય સેવા દ્વારા નેલ્સન મંડેલાના જીવન અને સિધ્ધીઓનું સન્માન કરવાનો છે. તે વિશ્વના ખૂબ જ જાણીતા નેતા હતા કે જેને દક્ષિણ આફ્રિકામાં વસાહતી વ્યવસ્થાને માત આપી હતી. તેઓ માનવ અધિકારનાં હિમાયતી, અંતરાત્માના રાજકીય કેદી અને વિશ્વ શાંતિના ઘડવૈયા હતા. તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ હતા. જેમની લોકશાહી ઢબે પસંદગી થઇ હતી. તેમની માન્યતાને વિશ્વ આજે સન્માન આપે છે કે “દરેક વ્યક્તિમાં વિશ્વને બદલવાની ક્ષમતાં હોય છે. તેમનાં જીવનનો મુખ્ય હેતું તેના દેશમાં રંગભેદ સરકારનો અંત લાવવાનો હતો. તેમણે 1950 આફ્રિકન નેશનલ કોંગ્રેસનું પણ નેતૃત્વ કર્યું હતું. મંડેલાને આધુનિક દક્ષિણ આફ્રિકાના પિતા ઓળખવામાં આવે છે. તેમને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર સાથે વિશ્વભરનાં 250થી વધુ એવોર્ડ મળ્યા હતા.
દર વર્ષે આ દિવસની ઉજવણી માટે અપાતી થીમમાં 2022માં “તમે જે કરી શકો તે કરો, તમારી પાસે જે છે તે સાથે, તમે જ્યાં છો’ આપવામાં આવી છે. દર વર્ષે અપાતી થીમમાં માનવ સમુદાયના વિવિધ પાસાને આવરી લેવાય છે. જેમકે ગરીબી સામેની કાર્યવાહી, એક્શન લો અને પ્રેરણા આપો, પગલા લો અને પરિવર્તનને પ્રેરણા આપો, એક હાથ બીજાને ખવડાવી શકે છે જેવા હેતું થીમ 2018 થી 2022 સુધીમાં જોવા મળ્યા હતા. તેઓ 67 વર્ષ જેલમાં રહ્યા હોવાથી આજના દિવસને ‘67 મિનિટ મંડેલા ડે’ પણ કહેવામાં આવે છે. આજે વિશ્વમાં નેલ્સન મંડેલા ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. જેમાં નોકરી આપવી, ગરીબ બાળકોને પુસ્તકો અને અભ્યાસ સામગ્રીની મદદ સાથે વિશ્વને બદલવાની અને વિશ્વને વધુ સારી જગ્યા બનાવવા માટે દરેકમાં ક્ષમતા પડી છે તે વિષયક કલ્પનાને સન્માનિત કરવામાં આવે છે.
આ વર્ષે ફાઉન્ડેશન દ્વારા આફ્રિકાના દરેક ગામ, નગર કે શહેરમાં દરેકને ફૂડ ગાર્ડન શરૂ કરવા, ફળ વૃક્ષો વાવવા, દેશી જડીબુટ્ટીઓ છોડની ખેતી કરવા સૌને પ્રોત્સાહિત કરવા જેવા કાર્યક્રમો સાથે દક્ષિણ આફ્રિકાની પ્રજામાં ઉપયોગી કૌશલ્યો વિકસાવવા પ્રોજેક્ટ ચલાવાશે. નેલ્સન મંડેલા ‘પેઢીઓના માર્ગદર્શક’ તરીકે આફ્રિકન પ્રજામાં ખૂબ જ આદર-માન ધરાવે છે. તેઓ અપ્રિતમ હિંમત અને જબરદસ્ત સિધ્ધિઓના નેતા તરીકે અને શાંતિ પ્રતિષ્ઠા સાથે ઊંડીમાનવતા ધરાવતા મહાન માણસ હતા. તેમની સેવાને આજે વિશ્વ બિરદાવે છે. તેઓનું એક વાક્ય બહુ જ જાણીતું હતું કે “તોડવું અને નષ્ટ કરવું સહેલું છે, હીરો તો તે છે જે શાંતિ નિર્માણ કરે” તેઓ સમાનતાના ઉગ્ર હિમાયતી હતા, દક્ષિણ આફ્રિકામાં શાંતિના સ્થાપક હતા. તેઓએ અશાંતિના સમયમાં, જુલ્મોનો પ્રતિકાર કરવાની, અસમાનતા પર ન્યાયની, અપમાન પર ગૌરવની, નફરત ઉપર ક્ષમાની શક્તિ બતાવી હતી.
67 વર્ષની તેમની જેલયાત્રામાં કેદીઓની સારવાર માટે સંશોધિત યુનાઇટેડ નેશન્સ સ્ટાન્ડર્ડ ન્યૂનતમ નિયમો અપનાવ્યા અને મંજૂર પણ કરાવ્યા હોવાથી તેને મંડેલા રૂલ્સ કહેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે ‘આપણી દુનિયા આજે યુધ્ધથી ઘેરાયેલી છે, કટોકટીઓથી ડૂબી ગઇ છે, જાતિવાદ, ભેદભાવ, ગરીબી અને અસમાનતાઓથી ત્રસ્ત છે અને આબોહવા આપત્તિથી ભયભીત છે તેવા સમયે નેલ્સન મંડેલાના ઉદાહરણમાં આશા જોઇએ છે, અને તેને આપેલ વિઝનમાંથી પ્રેરણા લેવી જોઇએ. તેમના વારસાનું જતન કરવું જોઇએ. આપણે સૌએ સાથે મળીને આપણાં વિશ્વને બધા માટે વધુ ન્યાયી, દયાળું, સમૃધ્ધ અને ટકાઉ બનાવવીએ. આજે સમગ્ર વિશ્વ તેમની 104મી જન્મજયંતિ ઉજવી રહી છે.
નેલ્સન મંડેલાનો જન્મ 18 જુલાઇ 1918ના રોજ થયો હતો. તેઓ એક ઉત્કૃષ્ટ ક્રાંતિકારી, રાજકારણી અને પરોપકારી હતા. માનવ અધિકારનાં વકિલ, રાજકિય કેદી, વૈશ્ર્વિક મધ્યસ્થી સાથે મુક્ત દક્ષિણ આફ્રિકાના પ્રથમ લોકતાંત્રીક રીતે ચૂંટાયેલા નેતા હતા. તેમનું જીવન માનવતાની સેવા માટે સમર્પિત કરીને અશક્યને શક્ય કરી દીધું હતું. રંગભેદ વિરોધી કાર્યક્રમોના અગ્રણી કાર્યકર હતા, નેતૃત્વ પણ લીધું હતું. 1964 થી 1982 દરમ્યાન તેની કેદી તરીકેના વર્ષો સાથે તેમનો કેદી નં.46664 હતો. 1990માં તેને જેલમાંથી મુક્ત કરવામાં આવેલ હતા. 1994માં તે દેશના પ્રમુખ બન્યા હતા. જે બાદ 1999 સુધી ચાલુ રહ્યા હતા. તેમને 1993માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો.
2007માં નેલ્સન મંડેલાએ ‘ એલ્ડર્સ’ની સ્થાપના કરી હતી. જે વિશ્વ નેતાઓનું એક સ્વતંત્ર સંગઠન છે જે શાંતિ નિર્માણને ટેકો આપવા, માનવ દુ:ખોના મુખ્ય કારણો શોધીને તેને હલ કરવા સાથે માનવતા કાર્યો કરે છે. મંડેલાનું 2013માં અવસાન થયું હતું. મંડેલાના સેવા વારસો એવો છે કે જેને 20મી સદીને બદલી નાખી અને 21મી સદીને આકાર આપ્યો, તેમના મૂલ્યો, નિશ્ર્ચય-માનવ અધિકાર, સ્વતંત્રતા અને ન્યાય પ્રત્યે ઊંડી પ્રતિબધ્ધતા પ્રતિબિંબત કરે છે. યુ.એન. દ્વારા 2014થી નેલ્સન મંડેલા પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. માનવતાની સેવામાં વિશ્વ ભરમાં થતી વિશિષ્ટ કામગીરીને આ એવોર્ડથી સન્માનિત કરાય છે.
રંગભેદ સામે લડતા, 27 વર્ષ જેલમાં રહ્યા પછી પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા !!
નેલ્સન મંડેલાને આફ્રિકાના ‘ગાંધી’ કહેવામાં આવે છે. વિશ્વ વિશ્વ વ્યાપી શાંતિના રાજદૂત તરીકે જાણીતા અને રંગભેદ સામેની લડત માટે તેમનું યોગદાન ક્યારેય ભૂલી ન શકાય. 27 વર્ષ જેલમાં રહ્યા બાદ દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ જીવનભર માનવતા માટે અહિંસાના માર્ગે ચાલ્યા હતા. 1962માં કામદારોની હડતાલ માટે ઉશ્કેરવા તેની ધરપકડ થઇ, 1964માં કેસ દાખલ કરતાં તેને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. 1964 થી 1990 સુધી જીવનનાં 27 વર્ષ તેમણે જેલમાં વિતાવ્યા હતા. જેલમાં લખાયેલું તેમનું જીવન ચરિત્ર 1994માં ‘લોંગ વોક ટુ ફ્રિડમ’ પુસ્તક સ્વરૂપે પ્રકાશીત થયું હતું. 1994 તે દેશનાં રાષ્ટ્રપતિ બન્યા હતા. વિશ્વ ભરમાં તેમનું નામ મહાન નેતાઓની સૂચિમાં આગળ આવે છે. 1953માં તેઓ પ્રથમ વખત જેલમાં ગયા હતા. 1999માં પ્રમુખ પદનો કાર્યકાળ પૂર્ણ થતાં સ્વેચ્છાએ પદ છોડ્યું હતું અને 2004માં 85 વર્ષે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી. પોતાના દેશની રંગભેદ સમસ્યાની બેડી તોડીને દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજ્યા હતા. તેમના જીવનની ઘણી બધી વાતો આજે આપણને ઘણી ઉપયોગી છે.