નિયમ ભંગ કરી જમીન સંપાદન કરવી એ ગુનાથી જરા પણ કમ નથી: સુપ્રીમનો આ ચુકાદો મહેસુલી ક્ષેત્રે દેશમાં ‘પેન્ડીંગ’ લાખો મુકદમાઓમાં અસર કરશે
જમીન સંપાદનને લઈને સુપ્રીમ કોર્ટે આપેલા એક મહત્વના ચુકાદાથી દેશના મહેસુલી અને કાયદાકીય ક્ષેત્રે પેન્ડીંગ પડેલા હજારો-લાખો કેસને સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ખુબજ અસર કરશે. સુપ્રીમ કોર્ટે એવું સુચવ્યું છે કે, સંપતિનો અધિકાર એ બાહેધરીકૃત સ્વતંત્ર્તા અને આર્થિક સ્વતંત્ર્તાની ખાતરી આપતો મુલ્યવાન નાગરિક હક્ક છે. તેથી કેન્દ્ર કે રાજ્ય સરકારોને જમીન સંપાદનનો અબાધીત અધિકાર નથી.
સુપ્રીમ કોર્ટે આપેલા એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, રાજ્યોના નાગરિકોની સંપતિ પર કોઈનો કાયમી અધિકાર ન હોવો જોઈએ. કેન્દ્રો-રાજ્યોના નાગરિકોની સંપતિઓ પર અનિશ્ર્ચિત હક્ક ન દાખવી શકે. કોર્ટેે આ મામલે ચુકાદો આપ્યો હતો કે, રાજ્ય કે કેન્દ્ર સરકારને જમીન સંપાદનનો કોઈ અધિકાર નથી. સુપ્રીમ કોર્ટમાં બેંગ્લોરના બાયપ્પન હલીમા ચાર એક જમીન પરના ૫૭ વર્ષના બી.એમ.કૃષ્ણમુર્તિના કાનૂની વારસદારોને તેમના સંપાદનના હિત, હકકમાં પાછા ફરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, સંપતિનો અધિકાર બાહેધરીકૃત સ્વતંત્ર્તા અને આર્થિક સ્વતંત્ર્તાની ખાતરી આપતો હક્ક છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે કોઈપણ બહાને નાગરિકોની સંપતિ પ્રાપ્ત કર્યા પછી તેનો કાયમી ધોરણે કબજો ચાલુ રાખવાનો કોઈ અધિકાર નથી. આવા કૃત્યને મંજૂરી આપવી એ પણ ગુનાથી ઓછી ન આકી શકાય. અદાલતને કેન્દ્ર સરકારને બી.એમ.કૃષ્ણમૂર્તિના વારસદારોને જમીન પાછી આપી દેવાના આદેશો કર્યા હતા. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી દેશના કોઈપણ રાજ્ય માટે બંધારણને અવગણીને કોઈની જમીન અને સંપતિનો હક્ક છીનવવા જેવી સંપાદનની કાર્યવાહી કરી નહીં શકાય.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ભટ્ટ દ્વારા ચુકાદામાં જણાવાયું હતું કે, સંપતિનો અધિકાર દરેક નાગરિકનો અધિકાર છે. સંઘ અથવા કોઈપણ રાજ્ય સરકાર નાગરિકોની સંપાદિત મિલકતો પર કબજો ચાલુ રાખવા માટે અબાધીત અધિકાર ધરાવતી નથી. ભલે ગમે તે બહાનું હોય કોઈપણ આ કૃત્યને અન્યાય ગણી તેને ચલાવી ન લેવાય સમાનતા અને ધર્મ અથવા સાંસ્કૃતિક હક્કોનું કોઈપણ સંજોગોમાં જતન થવું જોઈએ. નાગરિકોના અધિકારોનું શોષણ એ ગેરબંધારણીય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને પણ તેનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટમાં ચાલેલા આ કેસમાં ૧૯૬૩માં કેન્દ્ર સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીન કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરુધ્ધ બી.કે.રવિચંદ્ર અને પક્ષકારોએ કરેલો દાવો અદાલતમાં નકારી કાઢયો હતો.
ઉચ્ચ અદાલતે આ કેસમાં જમીનના માલીકના વારસદારોને આ જમીનના દાવા પણ માન્ય રાખ્યા હતા અને ૩૩ વર્ષ સુધી સરકાર દ્વારા કબજો રાખવાની પરિસ્થિતિ ગેરકાયદેસર ગણાવી હતી. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ગુજરાત સહિત દેશભરમાં મહેસુલી ક્ષેત્રે મોટા ઝંઝાવાત ઉભા થશે. સરકારી સંસ્થાઓ અને પંચાયતી સંસ્થાઓ દ્વારા મહેસુલી વિભાગ દ્વારા સંપાદિત કરેલી લાખો એકર નાગરિકોની જમીનો પર હવે નાગરિકોના અધિકારોની મહોર લાગી જતા સુપ્રીમ કોર્ટનો ચુકાદો લાખો પેન્ડીંગ જમીન માટે માર્ગદર્શીત બનશે અને સરકાર દ્વારા સંપાદીત કરેલી કરોડો-અબજો રૂપિયાની જમીનો પરત મળે તેવા સંજોગો ઉભા થયા છે.