બંને જુથે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ કમિશનરને કરી રજુઆત
શહેરના રૈયાધાર પર આવેલા સ્લમ કવાર્ટસ ઘર પાસેથી વાહન ધીમે ચલાવા અને રીક્ષા સાઈડમાં પાર્ક કરવા જેવા નજીવા પ્રશ્ને પાડોશી પરીવાર વચ્ચે અથડામણ થયા અંગેની પોલીસમાં ફરિયાદ બંને પક્ષે નોંધાઈ હતી. બે દિવસ પહેલા થયેલી માથાકુટ અંગે પોલીસે કોઈ કાર્યવાહી ન કર્યાના આક્ષેપ સાથે બંને પક્ષ દ્વારા પોલીસ કમિશનરને રજુઆત કરવામાં આવી છે.
રૈયાધાર સ્લમ કવાર્ટસમાં રહેતા સુધાબેન સુનિલભાઈ ધામેલીયાએ પોતાના પાડોશમાં રહેતા ગેલા સભાડ, કાનો ગેલા સભાડ, રવિ બોડિયા, અજય ધોળકિયા અને દેવરાજ ધોળકિયા સહિતના શખ્સોએ મયુર અને હિતેષને મારમારી ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ કર્યો છે. જયારે ગોવિંદ ગેલા સભાડ સહિત મોટી સંખ્યામાં ભરવાડ સમાજના આગેવાનોએ અલાઉદીન નુરૂદિન શેખ, અનવર ગામેતી, મયુર સુનિલ ધામેલિયા અને રાહુલ રાજુ ચૌહાણ સહિતના શખ્સો માથાભારે હોવાનું પોલીસની મીઠી નજર હેઠળ દારૂ અને ગાંજાનું વેચાણ કરતા હોવાનું આક્ષેપ સાથે પોલીસને રજુઆત કરી છે.