મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારૂતિપાર્ક સોસાયટીની શેરીમાં કચરો વાળવા જેવી નજીવી બાબતે બે પાડોશી પરિવાર વચ્ચે બોલાચાલી બાદ ધોકા વડે તેમજ ઢીકાપાટુ સહીતની મારામારી થઇ હતી. જે સમગ્ર બનાવ મામલે બંને પક્ષોએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
બંને પક્ષે મળી બે મહિલા સહિત ચાર સામે નોંધાતો ગુનો
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારૂતીપાર્ક ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા પાયલબેન વિશાલભાઇ જલાભાઇ લાવડીયા ઉવ.29 એ આરોપી સુંભાગીબેન તથા હરપાલસિંહ ડોડીયા બન્ને રહે- મારૂતી પાર્ક ગાયત્રી નગર વાવડી રોડ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે
આ કામના આરોપીઓ સુભાંગીબેન અને હરપાલસિંહ ડોડિયાએ શેરીમા ફરીયાદી પાયલબેનના ઘરની બહાર કચરો ભેગો ન કરવા બાબતે ફરીયાદી સાથે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો. જે ઝઘડામાં આરોપી સુભાંગીબેને ફરીયાદી પાયલબેનને ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વડે કપાળના ભાગે ઇજા કરી તથા બીજા આરોપી હરપાલસિંહે પણ ફરીયાદી તથા સાહેદ સાથે બોલાચાલી કરી ફરીયાદીને કપાળના ભાગે તથા શરીરે મુઢ ઇજા કર્યાની ફરિયાદ નોંધાવતા મોરબી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ઉપરોક્ત મારામારીના બનાવની સામ પક્ષ દ્વારા વળતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં મારૂતિપાર્ક સોસાયટીમાં રહેતા સુંભાગીબેન પ્રદીપસિંહ પ્રવિણસિંહ ડોડીયા ઉવ.26એ પાડોશમાં રહેતા આરોપી પાયલબેન વિશાલભાઇ લાવડીયા તથા વિશાલભાઇ લાવડીયા બન્ને રહે- મારૂતીપાર્ક ગાયત્રીનગર વાવડી રોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી પાયલબેન અને વિશાલભાઈએ શેરી વાળવા બાબતે ફરી.સાથે બોલાચાલી ઝગડો કરી ફરીયાદી સુભાંગીબેનને ગાળો આપી લાકડાના ધોકા વડે માથાના ભાગે ઇજા કરી તથા ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.