‘હવે અહીયા કામ કરવા આવ્યો છો તો મારી નાખીશ’ કહેનાર મહિલા સહિત ચાર શખ્સો સામે નોંધાતો ગુનો
અબતક, રાજકોટ
જામકંડોરણાનો ધોળીધાર ગામે રહેતાં અને મકાન બાંધકામનું કામ કરતા યુવાન પર ચાર શખ્સોએ ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસે ચારેય શખ્સો વિરુઘ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ધોળીધાર ગામે રહેતા ભરતભાઇ ભાયાભાઇ ચાવડાએ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ હું મારા પરિવાર સાથે ધોળીધાર ગામે રહું છું અને કડીયા કામ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. મેં આજથી દોઢ મહીના પહેલા મારા જ ગામનાં લક્ષ્મીબેન રતાભાઇ સરસીયાના મકાનનું કામ રાખેલું હતુ અને ત્યાં સેન્ટીંગનું હું કામ કરતો હતો ત્યારે બાજુમાં રહેતો દિનેશ લાધા સરસીયા અવાર નવાર આવી અને બાંધકામ બાબતે મારી સાથે ઝઘડો કરતો હતો. ત્યારે તેને સમજાવાથી મામલો થાણે પડયો હતો.
પરંતુ થોડા દિવસો પહેલા મેં બીજે બાંધકામનું કામ રાખયું હોવાથી સેન્ટીંગનો સામાન હું મારા મજુર સાથે લેવા માટે રીક્ષા લઇને આવ્યો હતો. અને અમે સામાન રીક્ષામાં ભરી રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેતા અશ્ર્વીન દિનેશ સરસીયા, દિનેશ લાધા સરસીયા, હસા દિનેશ સરસીયા અને મયુર દિનેશ સરસીયાએ આવી ગાળો ભાંડી અને ઝઘડો કરી મને જાનથી મારી નાખવાની ધમકી આપતાં એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે મહીલા સહીત ચારેય શખ્સો વિરુઘ્ધ ફરીયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.