પુરવઠા વિભાગના નાયબ નિયામક સાથે હોદેદારોની બેઠક, બાહેંધરી તો અગાઉ પણ આપી હતી હવે સીધી વેતન વધારાની જાહેરાત જ કરો તેવું કહી હોદ્દેદારોએ મંત્રણાને પડતી મૂકી દીધી
સસ્તા અનાજના દુકાનદારો દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. તેઓ વિવિધ મુદ્દે આગામી તા.25થી માલ ઉપાડવાનું બંધ કરી દેશે તેવું જાહેર કરાયું છે. આ મામલે પુરવઠા વિભાગે વેપારીઓ સાથે મંત્રણા કરવા બેઠક કરી હતી. પણ આ મંત્રણા ભાંગી પડી હતી.
દુકાનદારોના એસોસિએશને જણાવ્યું છે કે દુકાનદારોના લાંબા સમયથી પડતર પ્રશ્નો બાબતે સરકાર દ્વારા કોઈ સંતોષકારક નિરાકરણ લાવવામાં ના આવતા અને અધિકારીઓ દ્વારા મનઘડત પરિપત્રો અને સૂચનાઓ તથા પુરવઠા નિગમ દ્વારા અપૂરતા અને અનિયમિત વિતરણથી વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા ભાવનગર ખાતે રાજ્યમાં કાર્યરત બન્ને એસો.ના પ્રમુખ મહિપતસિંહ ગોહિલ અને પ્રહલાદભાઈ મોદીની અધ્યક્ષતામાં મનોમંથન 2023 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજ્યના તમામ જિલ્લાના પ્રમુખો અને જિલ્લા તથા રાજ્ય કારોબારીના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.
મીનીમમ 20000 કમિશનની અને એક ટકો વિતરણ ઘટ માટેની સરકારે આપેલ લેખિત બાંહેધરીનો અમલ કરવામાં ના આવતા અને પુરવઠા નિગમ ઉપરથી દુકાનદારો ને આપવામાં આવતા જથ્થામાંથી તેના કર્મચારીઓ દ્વારા ચોરીના કૌભાંડ સામે જનતા રેડ કરી અને સાબિતી આપવા છતાં કોઈ પગલાં ના લેવા કે આવા કૌભાંડ ઇરાદાપૂર્વક ચલાવવાના આને ભાગ બટાઇનાં લીધે દુકાનદારોમાં ખુબજ અસંતોષ ઊભો થયેલ છે આ મિટિંગમાં આં બાબતે આક્રોશ હોય સર્વાનુમતે આગામી સપ્ટેમ્બર માસમાં દુકાનદારો તહેવાર ઉપર કોઈપણ જથ્થા નું વિતરણ કરશે નહિ અને જથ્થો ઉતારશે પણ નહિ તેવો નિર્ણય લેવાયો છે.
વધુમાં નિગમની બેજવાબદારી ભરી નીતિના કારણે ચાલુ વર્ષનો ડોર સ્ટેપ ડિલિવરીનો ઇજારાને મુદત વીતી તેને લાંબો સમય થવા છતાં હજુ સુધી મંજૂર કરવામાં આવ્યો નથી. અને હવે ગ્રાહકો અને દુકાનદારો બાદ નિગમના ઇજારદાર પણ કંટાળ્યા હોય એમ કોઈ ઇજારદાર આવા કામ રાખવા સહમત નથી અને તેથી નિગમ પોતાની અણ આવડત છુપાવવા માટે થઈને સરકારની જોગવાઇમાં નાં હોવા છતાં અને રાજ્ય સરકાર દ્વારા દુકાનદારોને સ્થળ પર જથ્થો આપવાની આદેશ હોવા છતાં દુકાનદારોને જાતે વાહન લઇને જથ્થો લેવા જવા ફરજ પાડવામાં આવી રહી છે. જેનો પણ આ મિટિંગ માં સજ્જડ વિરોધ કરવામાં આવેલ અને ભવિષ્યમાં કોઈ દુકાનદાર જાતે જથ્થો લેવા જશે નહિ એવું નક્કી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત હિસાબી સાહિત્ય નિભાવવા હૈયતીમાં નોમીનેશન, કોરોના સહાયના બાકી કેશના નિકાલ, સર્વર સુવ્યવસ્થિત ચલવવા જેવા વિભાગ કક્ષાના પ્રશ્નોનો પણ ઉકેલ આવેલ નથી.
આ હડતાલને લઈને તમામ જિલ્લાઓમાં કલેકટરોને આવેદન પણ અપાયા હતા. ત્યારબાદ ગઈકાલે નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ નિયામક સાથે સસ્તા અનાજ દુકાનદારોના એસો.ના હોદેદારોની બેઠક યોજાઇ હતી. જેમાં અધિકારીઓએ વેતનનો મુદ્દો ઉકેલી દેવાની બાહેંધરી પણ આપી હતી. પરંતુ હોદેદારોએ સીધી જાહેરાત જ કરવાની માંગ ઉઠાવી બેઠકમાંથી ચાલતી પકડી હતી. આમ મંત્રણા ભાંગી પડી હતી.