સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ કોર્ષોની ઓફલાઈન પરીક્ષાઓ લેવાઈ રહી છે. ગત 14મી જુલાઈએ પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થયા બાદ હાલ યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાઓ ચાલુ છે ત્યારે પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ યુનિવર્સિટીની બેદરકારી સામે આવી છે. બીજા તબક્કાની પરીક્ષાના આજે છેલ્લા દિવસે એમ.કોમ સેમ-2ના એકસ્ટર્નલ વિદ્યાર્થીઓને જૂના કોર્ષનું પ્રશ્ર્નપત્ર પુછાતા વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. જો કે યુનિવર્સિટીને જાણ થતાં તાબડતોબ પ્રશ્ર્નપત્ર બદલવું પડ્યું હતું અને વિદ્યાર્થીને અલગથી 15 મિનિટ ફાળવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાના આજે છેલ્લા દિવસે એમ.કોમ. સેમ-2 એકસ્ટર્નલમાં ગ્લોબલ સ્ટેટેજીક મેનેજમેન્ટ વિષયનું છેલ્લું પેપર હતું જેમાં 10 વાગ્યે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનું શરૂ ર્ક્યું હતું પરંતુ વિદ્યાર્થી લખવા બેશે તે પહેલા જ જૂના કોર્ષનું પેપર યુનિવર્સિટીએ ધાબડી દીધુ હોય તેવી મોટાભાગની કોલેજોમાંથી ફરિયાદ ઉઠવા પામી હતી. વિદ્યાર્થીઓ રીતસરના મુંઝાયા હતા.

ભારે હોબાળો થતાં કોલેજ સંચાલકો દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ કરવામાં આવી હતી. સત્તાધીશોને જાણ ર્ક્યા બાદ સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને તાબડતોબ નવા કોર્ષનું પ્રશ્ર્નપત્ર કોલેજના કેન્દ્રોને મેઈલ મારફતે મોકલી આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. શરૂઆતનો પરીક્ષાનો સમય બગડતા યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને 15 મિનિટ વધુનો સમય ફાળવ્યો હતો.

યુનિવર્સિટી દ્વારા અવાર-નવાર આવી બેદરકારી સામે આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષામાં છબરડા યથાવત રહ્યાં છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ પ્રશ્ર્નપત્ર જ્યારે નિકળે ત્યારે કોઈ તજજ્ઞને ચકાસણીમાં મુકીને જ વિદ્યાર્થી સુધી પેપર પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.