આપણી સૌથી પહેલી બોલકી ફિલ્મ ‘આલમ આરા’ની નેગેટિવ પ્રિન્ટ આપણે ખોઈ બેઠા છીએ!
કરણ જોહર જેવો નામી ફિલ્મ-મેકર પણ પોતાનાં પિતા યશ જોહર દ્વારા નિર્માણ પામેલી ફિલ્મ ‘દુનિયા’ (1984)ની જાળવણી ન કરી શક્યો
ફિલ્મ ઓનલાઈન જોઈ શકવી અને તેનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢી માટે સાચવી રાખવી એ બંને વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. કોઈ પણ ફૂલ-ફ્લેજ્ડ ફિલ્મનું નિર્માણ તેને થિયેટર અથવા મલ્ટિપ્લેક્સમાં રીલિઝ કરવા માટે થાય છે. માર્કેટમાં તેની ડીવીડી અથવા ઓનલાઈન પ્રિન્ટ આવી જવાથી ફિલ્મ બચી ગઈ છે એમ માનવું ભૂલભરેલું છે. આપણી સૌથી પહેલી બોલકી ફિલ્મ ‘આલમ આરા’ની નેગેટિવ પ્રિન્ટ આપણે ખોઈ બેઠા છીએ! રાજા હરિશ્ચંદ્ર આજે ફક્ત ટુકડાઓમાં જોવા મળી શકે એવી હાલતમાં છે. 1700 મૂંગી ફિલ્મોમાંની માત્ર પાંચ કે છ ફિલ્મો જોવાલાયક અવસ્થામાં છે, બાકીની તમામ કાળની ગર્તામાં ખોવાઈને નાશ પામી છે. 1929 પહેલાની નેવું ટકા અમેરિકન મૂંગી ફિલ્મો અને 1950 પહેલાની પચાસ ટકા બોલકી (અમેરિકન) ફિલ્મો આજે અસ્તિત્વમાં નથી! વૈશ્વિક સિનેમાનાં 100 વર્ષ દરમિયાન આપણે રાજા હરિશ્ચંદ્રથી માંડીને બાહુબલિ સુધીનું પરિવર્તન જોઈ ચૂક્યા છીએ. પરંતુ સવાલ એ છે કે વચગાળાની કેટલી ફિલ્મોને આજે પોતાની મૂળ અવસ્થામાં સાચવીને રાખવામાં આવી છે?
કરણ જોહર જેવો નામી ફિલ્મ-મેકર પણ પોતાનાં પિતા યશ જોહર દ્વારા નિર્માણ પામેલી ફિલ્મ ‘દુનિયા’ (1984)ની જાળવણી ન કરી શક્યો. ઋષિ કપૂર અભિનીત આ ફિલ્મ આજે ડીવીડી ફોર્મેટમાં પણ ક્યાંય ઉપલબ્ધ નથી! ઉદય શંકરની ‘કલ્પના’ (1948)ને થોડા વર્ષો પહેલા જ વર્લ્ડ સિનેમા ફાઉન્ડેશનની મદદ વડે નાશ પામતાં અટકાવાઈ છે. વિશ્વમાં સૌથી વધુ ફિલ્મો પ્રોડ્યુસ કરનાર બોલિવુડ ઇન્ડસ્ટ્રીની કુલ 80 ટકા ફિલ્મોની ઓરિજીનલ (નેગેટિવ) પ્રિન્ટ ખરાબ થઈ ચૂકી છે. તેમનાં પ્રિઝર્વેશન માટે પુષ્કળ માવજત અને પૈસો લગાડવા પડે છે.
અગર એકવાર ફિલ્મ ખરાબ થઈ ગઈ તો પછી તેને ફરી પૂર્વવત કરી શકવી અશક્ય છે એ હકીકત જાણતાં હોવા છતાં એકપણ ડિરેક્ટર-પ્રોડ્યુસર આ મામલામાં કોઈ નક્કર કદમ ઉઠાવી નહોતો રહ્યો. 2014માં ફિલ્મ-મેકર શિવેન્દ્રસિંઘ ડુંગરપુર દ્વારા એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી : ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન ! જ્યાં તેઓ જૂની-નવી તમામ ફિલ્મોની ઓરિજીનલ પ્રિન્ટને વ્યવસ્થિત કેમિકલ પ્રોસેસમાંથી પસાર કર્યા બાદ એવી રીતે સાચવીને મૂકે છે જેથી તેનાં પર વાતાવરણની કોઈ અસર ન થાય અને તે બગડે પણ નહી! શિવેન્દ્રસિંહ ચાર-પાંચ વર્ષથી બોલિવુડનાં દરેક મોટા માથાઓને ત્યાં ઘેર-ઘેર જઈ પોતાનાં ઓર્ગેનાઈઝેશન માટે ફંડિંગ માગી રહ્યા છે પરંતુ આજ સુધી કોઈએ તેમની વાતોને ગંભીરતાથી ન લીધી.
દરેક વ્યક્તિ તેમનાં કાર્યને બિરદાવે, બે મોઢે વખાણ કરે પરંતુ આર્થિક મદદ કરવાની વાત આવે ત્યાં હાથ ઉંચા કરી દે! ભારત સરકાર ઇન્ડિયન હેરિટેજ માટે કરોડોનું બજેટ ફાળવી શકે તો ફિલ્મ હેરિટેજ માટે કેમ નહી એ વિચાર સાથે શિવેન્દ્રસિંઘે પોતાનાથી બનતાં પ્રયાસો કરી જોયા પરંતુ કોઈ જગ્યાએથી સહાયતા ન મળી. આખરે 2015માં તેમણે બ્રિટિશ વિઝ્યુલ આર્ટિસ્ટ ટેસિટા ડીનની ‘સેવ ફિલ્મ’ (ફિલ્મ બચાવો) અરજી પર હસ્તાક્ષર કરી તેઓને ભારત આવવા આમંત્રણ આપ્યું. એક વર્ષ બાદ ટેસિટાએ શિવેન્દ્રસિંઘને જણાવ્યું કે હોલિવુડ ફિલ્મ-મેકર (ઇન્સેપ્શન, ઇન્ટરસ્ટેલર, ડનકર્ક તથા ધ ડાર્ક નાઈટ સીરિઝનાં દિગ્દર્શક) ક્રિસ્ટોફર નોલન પણ ભારત આવવા માંગે છે.
શિવેન્દ્રસિંઘને તો જાણે જેકપોટ લાગ્યો! આજ સુધી જેટલા વ્યક્તિઓ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનને મદદ કરવાની ના પાડી ચૂક્યા હતાં એ તમામ હવે સામે ચાલીને પૈસા આપવા તૈયાર થયા. ભારત પ્રવાસ દરમિયાન ક્રિસ્ટોફર નોલન શાહરૂખ ખાન, કમલ હાસન જેવા કેટલાય સિલેબ્રિટીઓને મળ્યા અને ફિલ્મો વિશે અવનવી વાતો કરી. તેમણે અને ટેસિટા ડીને મુંબઈ ખાતે ‘રિ-ફ્રેમિંગ ધ ફ્યુચર ઓફ ફિલ્મ’ વિષય પર સ્પીચ પણ આપી, જેમાં ફિલ્મ પ્રિઝર્વેશન અને રિસ્ટોરેશનનો મુદ્દો કેન્દ્રમાં રખાયો હતો.
ફિલ્મોની ઓરિજીનલ પ્રિન્ટ સાચવી રાખવાનું કામ ખૂબ જફાભરેલું છે! સ્વાભાવિક રીતે, પ્રોડ્યુસરને પોતાની ફિલ્મમાં પૈસા રોકવાથી જ મતલબ હોય. તે રીલિઝ થાય પછી કરોડો બિઝનેસ કરી નફો મેળવી લે ત્યારબાદ ઓરિજીનલ પ્રિન્ટ સાથે શું થાય છે એ જોવાનો કોઈ પાસે સમય નથી. ‘બેદરકારી’ શબ્દને બદલે ફિલ્મોની ‘અવગણના’ થઈ રહી છે એમ કહેવું વાજબી ગણાશે. વીસમી સદીમાં જ્યારે ફિલ્મો બનવાની શરૂ થઈ ત્યારે તેની રીલનો બેઝ અતિ જ્વલનશીલ અને અસ્થિર સેલ્યુલોઝ નાઇટ્રેટનો રાખવામાં આવતો, જેની સાચવણી-પ્રિઝર્વેશન માટે કેટલીક ખાસ કેમિકલ પ્રોસેસ કરવી જરૂરી બની જતી.
પરંતુ પૂરતાં જ્ઞાન અને સમજનાં અભાવે એ સમયનાં ફિલ્મમેકર્સ આમાંનુ કશું જ ન કરી શક્યા અને પરિણામસ્વરૂપ, વર્ષો વીતવાની સાથે જૂની ફિલ્મોનું આયુષ્ય પણ ખતમ થવા માંડ્યુ. તમામ નેગેટિવ અને ઓરિજીનલ પ્રિન્ટ પાવડરમાં રૂપાંતરિત થઈ ગઈ. મોટા ભાગની જૂની રીલિઝ થઈ ગયેલી ફિલ્મોને સ્ટુડિયોમાંથી જગ્યા ખાલી કરવા માટે ફેંકી દેવાઈ. આવી ફિલ્મો ભવિષ્યમાં ઘણી કામ આવી શકે છે એવો વિચાર સુધ્ધાં કર્યા વગર તેમને સ્ટોર-રૂમમાં ઢગલો કરી દેવાઈ! ફક્ત સેલ્યુલોઝ નાઇટ્રેટ નિર્મિત ફિલ્મો જ નહી પરંતુ બાદમાં આવેલી કલર ફિલ્મોની રીલનો પણ આ જ હાલ થયો. અત્યારે અમુક ફિલ્મ-પ્રોડક્શન કંપનીઓ પાસે કેટલીક પ્રખ્યાત ફિલ્મોની રીલ પડેલી છે પણ તે ડુપ્લીકેટ છે! ફિલ્મોની ઓરિજીનલ પ્રિન્ટ તો ક્યારનીય કચરો થઈ ગઈ!
શિવેન્દ્રસિંઘની સંસ્થા ‘ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન’ ઘણા સમયથી ફિલ્મનાં પ્રિઝર્વેશનને વધુ પ્રાધાન્ય આપી રહી છે. અગર ફિલ્મને ક્લાઇમેટ-ક્ધટ્રોલ્ડ (આબોહવા પર નિયંત્રણ લાદી શકાય તેવા) વોલ્ટમાં સાચવીને રાખી શકાઈ તો ભવિષ્યમાં તેમનાં રિસ્ટોરેશન માટેની જરૂરિયાત જ ઉભી નહીં થાય. આમ છતાં જર્જરિત થઈ ગયેલી કેટલીક ઓરિજીનલ પ્રિન્ટને અલગ-અલગ કેમિકલ પ્રોસેસમાંથી પસાર કર્યા બાદ રિસ્ટોર કરવામાં આવી રહી છે. તેની ગુણવત્તા પહેલા જેવી નથી રહેતી બટ એટલિસ્ટ, ફિલ્મ બચી જાય છે! ક્રિસ્ટોફર નોલન ભારત આવ્યા ત્યારે ઇન્ડસ્ટ્રીનાં મોટા માણસોએ તેમની આગતા-સ્વાગતા કરી પરંતુ ફિલ્મ પ્રિઝર્વેશન બાબતે જોઈએ એવી ખાસ ચર્ચા થઈ નહી. હા, કાર્યક્રમો જરૂર ગોઠવાયા પરંતુ એમાં પણ ક્રિસ્ટોફરનો મુદ્દો સાંભળવા કરતાં એ શું ખાઈ રહ્યો છે, કેવું લાગી રહ્યું છે, કોને-કોને મળી રહ્યો છે એ જાણવામાં મીડિયાને વધુ રસ હતો!
યુ-ટ્યુબ તેમજ અન્ય ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનાં આગમનને લીધે હજુ પણ લોકોમાં ફિલ્મ પ્રિઝર્વેશન મુદ્દે જોઈએ એવી જાગૃકતા નથી આવી. જોકે, આજની તારીખે પણ ક્રિસ્ટોફર નોલન પોતાની ફિલ્મોને સેલ્યુલોઇડ પર જ શુટ કરે છે. એક ઇન્ટરવ્યુમાં ડિજિટલ પ્લેટફોર્મ પ્રત્યેનો ઉશ્કેરાટ ઠાલવતાં તેમણે કહ્યુ હતું કે, હું ક્યારેય નેટફ્લિક્સ જેવા માધ્યમો પર મારી ફિલ્મો રીલિઝ નહીં થવા દઉં! તેઓ સ્પષ્ટપણે માને છે કે ડિજીટલ માધ્યમો ભલે ગમે એટલા વિસ્તરી જાય છતાં થિયેટરમાં જઈને ફિલ્મો જોનારો પ્રેક્ષકવર્ગ ક્યારેય ઓછો નથી થવાનો. (ક્રિસ્ટોફર નોલાનની ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ ‘ડન્કર્ક’ જ્યારે રીલિઝ થઈ ત્યારે મોટા ભાગનાં થિયેટરોનાં બુકિંગ દસ મિનિટમાં હાઉસફૂલ થઈ ગયા હતાં!)