પાનની પીચકારીઓથી ખદબદતી દિવાલો: આવકના દાખલાથી લઈ શિષ્યવૃત્તિના કામ માટે આવતા અરજદારોને હાલાકી

ગિરનાર ટોકીઝ નજીક આવેલી આદિજાતી વિકાસ-તકેદારી કચેરીમાં સફાઈ બાબતે બેદરકારીના કારણે અરજદારો ત્રાહિમામ પોકારી જાય છે. ઠેર ઠેર ગંદકી અને પાનની પિચકારીઓથી આ કચેરી ખદબદતી હોવા છતાં સફાઈ પ્રત્યે તકેદારી રખાતી નથી.રાજકોટ હવે સ્માર્ટ સિટી બનવાની હરોળમાં છે. ત્યારે હવે સ્માર્ટ સિટીના લોકો તથા સરકારી તંત્ર પણ સ્માર્ટ હોવું જોઈએ. તકેદારી ઓફિસના સંદર્ભે આ સફાઈની કલ્પના બિલ્કુલ ખોટી ઠરે છે. તેમાં પણ આ કચેરી એવી છે કે, જ્યાં ૧૧ જિલ્લાના એસટી કેટેગરીના લોકોના આવકના દાખલાથી લઈ શિષ્યવૃત્તિ સહિતના બધા જ કાર્યો આ સ્થળે થાય છે. પરંતુ આ સ્થળને જોઈને પ્રથમ એવો ખ્યાલ આવે છે કે આ ઈમારત વેરાન હશે. આ સ્થળે ગંદકીનું સંપૂર્ણપણે સામ્રાજય સ્થપાઈ ગયું છે. દિવાલોની હાલત ખુબ જ ખરાબ છે. તથા જયાં ત્યાં પાનની પીચકારીઓ જોવા મળે છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, આ કચેરી ગિરનાર ટોકીઝ પાસે આવેલી છે તથા આ કચેરીમાં મદદનીશ કમિશ્નર કે જે વર્ગ-૧ કક્ષાનો અધિકારી હોય તે આ સ્થળે પોતાની ફરજ આશરે ૪ વર્ષથી બજાવે છે. વધુમાં તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું હતું કે, આ કચેરી ભાડેથી રાખવામાં આવ્યું છે. તથા આ કચેરીને બહુમાળી ભવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ હજુ પણ તેઓની કચેરીને બહુમાળી ભવન ખાતે શિફટ કરવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.