દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ૪૩૦ની સંખ્યાને પાર થઈ ચૂકયા છે. સરકારે આખા દેશમાં સજ્જડ લોકડાઉન કરવાની તૈયારી કરી છે. પરંતુ ઘણી જગ્યાએ એવું બને છે કે લોકો કોઈ કારણ વગર બજારમાં લટાર મારતા જોવા મળે છે. આવા કેસમાં લોકલ પોલીસ દ્વારા લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જો લોકો સરકારના નિયમો મુજબ વર્તન નહીં કરે તો કેટલીક કલમો લોકલ પોલીસ લગાવી શકે છે. જેમાં સામાન્ય રીતે આઈપીસી કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધાય છે. આ કલમ જામીનપાત્ર છે. સરકારના આદેશના ઉલ્લંઘન સબબ ગુનો નોંધાય છે ત્યારબાદ આઈપીસીની કલમ ૨૬૯ હેઠળ પણ ગુનો નોંધવાનો વિકલ્પ મળે છે. જેમાં રોગચાળાના કેસમાં બેદરકારી રાખવાનો આક્ષેપ થાય છે. જેમાં ૬ મહિનાની કેદ થઈ શકે છે. ત્યારબાદ આઈપીસીની કલમ ૨૭૦ પણ લગાવી શકાય છે. જેમાં ૨ વર્ષની કેદ થઈ શકે છે. માટે જે લોકો વર્તમાન સમયે કોરોના વાયરસની ગંભીરતા સમજયા વગર બહાર લટાર મારી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે તેવા ઉજળા સંજોગો છે.
ભારતની ૧૩૦ કરોડની વસ્તીમાંથી મોટાભાગના લોકોએ રવિવારે જનતા કફર્યુની અપીલનું માન રાખી ઘરમાં રહેવાનો નિર્ધાર કર્યો હતો. સાંજે ૫ કલાકે કોરોના વાયરસ સામે લડનારા તબીબો, પોલીસ કર્મીઓ, નર્સ અને મીડિયા કર્મીઓને થાળી અને તાળીના ગડગડાટથી સન્માનીત કરાયા હતા. જો કે ૫ વાગ્યા બાદનો નજારો કંઈક અલગ હતો. લોકોએ વડાપ્રધાન મોદીની સલાહને અવગણી હોય તેમ મોટા પ્રમાણમાં લોકો શેરી-ગલીઓમાં ઉમટી પડ્યા હતા. ક્યાંક સરઘસ કાઢયા હોય તેવો માહોલ સર્જાયો હતો. ઘરમાં પુરાઈ રહેવાની વાતને લોકો મોટી ઉપલબ્ધી સમજવા લાગ્યા હતા. થાળીઓ વગાડવાની સાથો સાથ ટોળા એકઠા થયા હતા. જેથી સરકાર હવે કડક પગલા લેવા જઈ રહી છે. રવિ અને સોમવારે લોકો દ્વારા દાખવવામાં આવેલી લાપરવાની નિંદા વડાપ્રધાન મોદીએ પણ કરી છે. લોકોએ ધ્યાન રાખવું જોઈએ તેવી સલાહ પણ આપી છે. હવે લોકડાઉનની સ્થિતિમાં સરકાર કડક પગલા લેશે. જો કોઈ કારણ વગર બહાર આંટાફેરા કરતા લોકો નજરે પડશે તો બે વર્ષ સુધીની કેદની સજા પણ થઈ શકે છે.