૬૦૪૨૫ વિદ્યાર્થીઓની યાદી જાહેર…
સેન્ટ્રલ બોર્ડ દ્વારા લેવાયેલી નીટ ની સીડી આખરે મેડિકલ પ્રવેશ સમિતિને આપી દેવામાં આવી છે. જેના આધારે પ્રવેશ સમિતિ દ્વારા નીટ ની મેરિટયાદી જાહેર કરી દેવામાં આવી છે. હાલમાં નીટમાંથી જે રીતે સીડી આવી છે અને તેમાં વિદ્યાર્થીઓના જે પ્રકારે રેંક આવ્યા છે તે પ્રમાણે યાદી જાહેર કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવ્યા બાદ નવેસરથી મેરિટલિસ્ટ જાહેર કરવામાં આવશે. આમછતાં આજે જાહેર કરાયેલા નીટ ના લીસ્ટમાં ૬૦૪૨૫ વિદ્યાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાંથી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેના કટ ઓફ પ્રમાણે અંદાજે ૨૨૯૭૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક ઠરે તેમ છે.
મેડિકલ-ડેન્ટલ માટે નીટ લેવાયા બાદ તેનુ પરિણામ જાહેર થયા પછી પંજાબ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે રાજયોમાં સ્ટેટ મેરિટ જાહેર કરી દેવાયુ છે. પરંતુ ગુજરાતનું મેરિટલિસ્ટ જાહેર ન થતાં વાલીઓમાં ભારે દ્વિધાભરી સ્થિતિ ઉભી થઇ હતી. કેટલાક વાલીઓએ આ મુદ્દે ઉચ્ચસ્તરે રજૂઆતો પણ કરી હતી. જેના અનુસંધાનમાં આજે પ્રવેશ સમિતિ દ્વારા નીટનું મેરિટલિસ્ટ જાહેર કરી દેવાયુ છે. ગુજરાતમાંથી જુદા જુદા બોર્ડના મળીને અંદાજે ૬૦૪૨૫ વિદ્યાર્થીઓએ નીટ આપી હતી. આ તમામ વિદ્યાર્થીઓનું લીસ્ટ જાહેર કરી દેવાયું છે. જેમાં ગેરહાજર રહેલા, પાસ ન થઇ શકનારા સહિતની તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. આ મેરિટયાદી બાદ હવે પ્રવેશ સમિતિ દ્વારા જે વિદ્યાર્થીઓ મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે લાયક ગુણ અને પર્સન્ટાઇલ ધરાવતાં હોય તેમને ઓનલાઇન અરજી કરવાની સૂચના આપવામાં આવશે. આગામી દિવસોમાં આ કાર્યવાહી શરૂ થયા બાદ મેડિકલ-ડેન્ટલ માટેની ઓરિજનલ મેરિટલિસ્ટ જાહેર કરાશે.
નીટના મેરિટમાં એસ.સી. કેટેગરીમાં ૧૮૬૯ વિદ્યાર્થીનો સમાવેશ થાય તેમ છે. પહેલા ક્રમે આવનારા વિદ્યાર્થીને ૯૯.૯૮ પર્સન્ટાઇલ અને ૬૨૨ માર્કસ છે. જનરલ કેટેગરીમાં પહેલા ક્રમે આવનારા વિદ્યાર્થીનો ૪૧મો રેંક છે.
OBC કેટેગરીમાં કુલ ૭૯૯૮ વિદ્યાર્થીનો સમાવેશ થાય તેમ છે. પહેલા ક્રમે આવનારા વિદ્યાર્થીને ૬૦૬ માર્કસ અને ૯૯.૭૮ પર્સન્ટાઇલ છે. જનરલ કેટેગરીમાં આ વિદ્યાર્થીનો ૭૧મો ક્રમ છે.
એસ.ટી. કેટેગરીમાં કટ ઓફ માર્કસ ૭૨૦માંથી ૧૦૭ નક્કી કરાયા છે. આ પ્રમાણે અંદાજે ૧૪૪૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય તેમ છે. જેમાં પ્રથમ ક્રમે આવનારા વિદ્યાર્થીને ૯૮.૧૭ પર્સન્ટાઇલ અને ૫૫૯ માર્કસ ધરાવે છે.
નીટ મેરિટના આધારે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી માં પ્રવેશ પ્રક્રિયા થવાની છે. દરેક કોર્સની બેઠકોની ગણતરી કરવામાં આવે તો અંદાજે ૭૫૦૦ જેટલી બેઠકો ઉપલબ્ધ છે. જેની સામે પ્રવેશ માટે લાયક વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે ૨૨ હજાર જેટલી થાય તેમ છે. હવે પ્રવેશ સમિતિ દ્વારા દરેક વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજી મંગાવીને મેરિટલિસ્ટ તૈયાર કરવામાં આવશે.
ઓપન કેટેગરીમાં કટ ઓફ માર્કસ ૭૨૦માંથી ૧૩૧ નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રમાણે ગણતરી કરીએ તો ઓપન કેટગરીના અંદાજે ૧૧૬૫૮ વિદ્યાર્થીઓનો પ્રવેશ માટે લાયક બને તેમ છે. જેમાં પહેલા ક્રમે આવનારા વિદ્યાર્થીને ૯૯.૯૯૭૫ પર્સન્ટાઇલ અને ૬૮૧ માર્કસ ધરાવે છે. ઓલ ઇન્ડિયામાં આ વિદ્યાર્થીનો ૨૩મો રેંક છે.