ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારો નીરજ ચોપરા બીજો ભારતીય ખેલાડી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા હવે વેકેશન મૂડમાં છે. નીરજે થોડો વિરામ લીધો છે અને હવે માલદીવમાં રજા માણી રહ્યો છે. વિશ્વની નજરમાં નીરજ ભલે રજા માણી રહ્યો હોય પરંતુ તે સતત પોતાના લક્ષ્ય અને તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દુનિયાની સૌથી સુંદર જગ્યામાં પણ પ્રેક્ટિસ કરી રહ્યો છે.
નીરજ ચોપડાને પોતાની ગેમ પ્રત્યે કેટલો પ્રેમ છે તેની ઝલક આપણે આ વીડિયોમાં જોઈ શકીએ છીએ:
નીરજ હાલ તો માલદીવમાં વેકેશન એન્જોય કરી રહ્યો છે. તેનો પ્રવાસ ફુરાવેરી રિસોર્ટથી શરૂ થયો. 23 વર્ષીય રમતવીરે શુક્રવારે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે સ્કુબા ડાઈવિંગની મજા માણી રહ્યો છે. વીડિયોમાં નીરજ પાણીના ઊંડાણમાં જેવેલીન થ્રોની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. પાણીની નીચે, નીરજે રનઅપ લીધો અને તેની બરછી ફેંકવાની શૈલી બતાવી.
આ વીડિયો પોસ્ટ કરતાં નીરજે લખ્યું, આકાશમાં, જમીન પર અથવા પાણીની નીચે હું હંમેશાં ભાલા ફેંકવાનું વિચારું છું. એથ્લેટિક્સમાં ભારતનું પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજનો શિડ્યુલ ઘણો વ્યસ્ત બની ગયો હતો. ટીવી કમર્શિયલથી માંડીને ટીવી શો, સન્માન સમારોહ અને ઇન્ટરવ્યુ હવે રમતવીરના જીવનનો મુખ્ય ભાગ બની ગયા છે. તેથી તેણે તાલીમ પહેલા થોડો વિરામ લીધો છે જેથી તે તેના માઈન્ડ ફ્રેશ કરી શકે.