હવે ૩૭ વર્ષ બાદ આવશે આ શુભ યોગ: વિદ્યાર્થીઓ, સંતો અને હરિભકતોએ વહેલી સવારે ૩:૩૦ વાગ્યે નર્મદામાં કર્યું માઘ સ્નાન
પોષ મહિનાની અમાસના દિવસે સોમવાર, શ્રવણ નક્ષત્ર, વ્યતિપાતને અમાસના યોગને કારણે મહોદય તથા અર્ધોદય યોગનો અનોખો સંયોગ સર્જાયેલ. સોમવારને અમાસનો યોગ સાધકો માટે સાધનાને આરાધના માટે ઉતમ દિવસ ગણાય છે. પોષી અમાસને સોમવારના યોગ પૂર્વે સને ૨૦૦૯માં ને ૨૦૧૨ પછી ૨૦૧૯માં થયેલ હવે પછી કહે છે કે ૩૭ વર્ષ પછી આવો યોગ આવશે.
પોઈચા શ્રી નીલકંઠધામથી પ્રભુસ્વામીના કહ્યા અનુસાર પવિત્ર માધ માસમાં રાજકોટ ગુરૂકુલ અને તેની દરેક દેશ-વિદેશની શાખાઓમાં સાંજે માટીના માટલામાં ભરેલ ઠંડા પાણીથી વહેલી સવારે એક મહિના સુધી સંતો અને સ્વૈચ્છાએ વિદ્યાર્થીઓ સ્નાન કરતા હોય છે. નીલકંઠધામે શ્રી નીલકંઠ ભગવાન શ્રીરાધાકૃષ્ણદેવ, શ્રીલક્ષ્મીનારાયણ દેવ, શ્રી કષ્ટભંજન દેવ, આદિ દેવોની સેવામાં રહેલ સંતો, આશ્રયમાં નિ:સ્વાર્થભાવે સેવા કરતા સમર્પિત વડિલ ભકતો તેમજ વિદ્યાર્થીઓ વહેલી સવારે ૩:૨૦ થી ૪:૩૦ કલાક દરમ્યાન નર્મદા નદીમાં માધસ્નાન કરે છે. અમાવાસ્યાના દિવસે મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાંથી યાત્રાળુઓ વિશેષ પધારતા હોય છે. આ ભાવિકો નર્મદામાં સ્નાન કરી ધન્યતા અનુભવતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, આ અમાવાસ્યાના યોગ જેવા સમયે ગુજરાતની જીવાદોરી સમી માં નર્મદા મૈયામાં સ્નાનનું ગંગા સ્નાન જેવું પુણ્ય ફળ મળે છે. કુંભમેળામાં નહીં જઈ શકનારા લાખો ભકતોએ માં નર્મદા મૈયામાં વહેલી સવારેથી દિવસ દરમ્યાન સ્નાન તથા દાન કરવાનો અનેરો લ્હાવો લીધો હતો. પોઈંચા નીલકંઠધામ ખાતે જસદણ, સુરત, મુંબઈ, બોટાદ, અમરેલી, ગોંડલ, રાજકોટ, મહેસાણા, અમદાવાદ, આણંદ તરફના ભકતોએ સંતો સાથે સ્નાન
કર્યું હતું.