રાજકોટ જિલ્લામાં કામની જરૂરીયાતવાળા શ્રમિકો ગામના સરપંચ-તલાટીનો સંપર્ક કરે: DDO
હાલમાં ભારત સહિતના વિશ્વના કોરોના મહામારીના પ્રવર્તમાન સંજોગોમાં ગ્રામ્ય શ્રમિકોને રોજગારી અને રાહત મળી રહે તે માટે સરકાર દ્વારા મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના – મનરેગા યોજના હેઠળ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં કામો શરૂ કરવા જણાવ્યું છે અને શ્રમિકોને રોજગારી મળે તેવું જણાવ્યુ છે.
જિલ્લાના 11 તાલુકાના 91 ગામોમાં 12,356 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, જિલ્લાના 11 તાલુકાના 91 ગામોમાં હાલ મનરેગાના કામો ચાલી રહ્યા છે. જેમાં 12356 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે.
હાલમાં શહેરથી લોકો ગ્રામ્ય વિસ્તાર તરફ પલાયન કર્યું છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ શ્રમિકોને ગુજરાન ચલાવવા માટે આજીવિકા મળી રહે તે માટે વધુમાં વધુ શ્રમિકો મનરેગા યોજનામાં જોડાય તેવી કામગીરી કરાઇ રહી છે
આ માટે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના તમામ સદસ્યોને તથા તમામ ગામના સરપંચોને ખાસ પત્ર લખી જાણ કરતાં તેમના વિસ્તાર ગામમાં શ્રમિકો ઉપલબ્ધ હોય અને મનરેગા યોજનામાં કામ કરવા ઈચ્છુક હોય તેવા તમામ શ્રમિકોને કામ અપાવવા અનુરોધ કરવામાં આવ્યો છે જેથી શ્રમિકોને ગુજરાન ચાલે અને પેટનો ખાડો પુરાય.
જે કોઈ શ્રમિકોને કામની જરૂરિયાત હોય તેઓ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ફોન નંબર 0281-247 4306 ઉપર સવારના 11થી સાંજના 5 દરમિયાન સંપર્ક કરી શકે છે.
શ્રમિકો તેમનું નામ, સંપર્ક નંબર, ગામનું નામ અને તાલુકાના નામની વિગત સાથે ફોન નંબર 99043 41558 ઉપર વોટ્સએપ પણ કરી શકે છે.
મનરેગા યોજના હેઠળ વિવિધ સામૂહિક કામો શ્રમિકોને જળસંચયના, ગામની ગૌશાળા, સ્મશાન, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા તથા જાહેર સ્થળે વૃક્ષારોપણના કામો, ગામની પ્રાથમિક શાળા, આંગણવાડી, આરોગ્ય પેટા કેન્દ્રમાં પેવર બ્લોકના કામોની સાથે સાથે નાના અને સીમંત ખેડૂતના વ્યક્તિગત કામો જેવા કે ખેત તલાવડી, ખેતરના શેઢાપાળાનું કામ, નું વાવેતર વગેરે કામો લઈ શકાય છે અને જરૂરીયાતમંદ શ્રમિકોને રોજગારી મળી રહે તેવી ગોઠવણ કરવા માટે જણાવાયું છે.