વિંછીયા ખાતે નિરાધાર વિધવા સહાય તેમજ વૃદ્ધ સહાય યોજનાના ૪૮ લાભાર્થીઓને હુકમ વિતરણ કરાયા
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વિંછીયા તાલુકા સેવા સદન ખાતે નિરાધાર વિધવા સહાય તેમજ ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારની સહાયથી જરૂરિયાતમંદ લોકોને ટેકો મળી રહેશે.
ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં નાની-નાની બાબતો માટે કોઈની પાસે હાથ લાંબો કરવામાં સંકોચ થતો હોય છે ત્યારે આ પ્રકારની સહાય થકી નાની મોટી જરૂરીયાત માટે વિધવાઓ તેમજ વૃદ્ધોનો હાથ છુટો રહેશે તેમજ તેઓ સ્વાભિમાનપૂર્વક જીવન વિતાવી શકશે તેમ મંત્રિએ સગૌરવ જણાવ્યું હતું.
આ તકે મંત્રી બાવળિયાએ લોકોની સુખાકારી માટે વિછીયા તાલુકાના તમામ ૪૮ ગામોના લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી રહે તે માટે વહીવટી તંત્રને હકારાત્મક અભિગમ અપનાવવા સલાહ આપી હતી, તેમજ મંત્રી બાવળિયાએ ઉપસ્થિત વિધવાઓ તેમજ વૃધ્ધોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રંસગે નિરાધાર વિધવા સહાય યોજનાના ૨૪ તેમજ ઇન્દિરા ગાંધી વૃધ્ધ સહાય યોજના હેઠળ ૨૪ લાભાર્થીઓને મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાઓ અને અધિકારીઓના હસ્તે હુકમ વિતરિત કરાયા હતાં.
આ તકે વિધવા સહાય પેનશનના લાભાર્થીઓએ જણાવ્યું હતું કે આ સહાય મળતા અમારો હાથ છૂટો રહેશે અને ઘરે છોકરીઓ આવે તો તેમના હાથમાં પાંચ, પચ્ચીસ રૂપિયા આપી શકાય તેમજ અમારા પોતાના માટે કંઈ ખાવા પીવાની ઈચ્છા થાય તો અમે એ પૂરી કરી શકીએ. એ જ રીતે વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ જણાવે છે કે આ પ્રકારની રકમ અમે અમારી નાની મોટી જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા કરીશું.
રાજ્ય સરકાર દ્વારા નિરાધાર વિધવાઓને માસિક રૂ. ૧૨૫૦ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વૃધ્ધ સહાય પેટે રૂ. ૭૫૦ ચુકવવામાં આવે છે, જે માટે પોસ્ટ ઓફિસમાં તેમનું બચત ખાતું ખોલી આપવામાં આવે છે જેમાં સરકાર દ્વારા સીધી રકમ જમા કરવામાં આવે છે.
આ તકે પંચાયતના કારોબારી અધ્યક્ષ હનુભાઈ ડેરવાડીયા, ઉપપ્રમુખ ભુપતભાઇ, ખોડાભાઈ, મામલતદાર એન.એમ.ગોંડલીયા, તાલુકા વિકાસ અધિકારી ભુપતભાઇ લખતરીયા, તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહા હતાં.