ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોને પણ ઘરનું ઘર મળી રહી તો તેઓ આગળ વધી શકે : ગંદકી વચ્ચે જીવન ગાળતા ઝૂંપડપટ્ટીવાસીઓના રહેઠાણ માટે સરકારે ખાસ યોજના લાવવાની આવશ્યકતા

કોઈ પ્રોજેકટ માટે ઝૂંપડાઓ હટાવીને ગરીબોને નોંધારા બનાવી દેવા તે એક તરફી વિકાસ : ગરીબોને રહેઠાણ આપ્યા બાદ જ તેના ઝૂંપડાઓ હટાવવા જોઈએ

સ્માર્ટ સિટીને ખરેખર સ્માર્ટ સિટી બનાવવા હોય તો ઝૂંપડપટ્ટીને રેગ્યુલરાઇઝ કરવી જરૂરી છે. ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોને પણ ઘરનું ઘર મળી રહી તો તેઓ સમાજમાં આગળ વધી શકે છે.  ગંદકી વચ્ચે સમગ્ર જીવન ગાળતા ઝૂંપડપટ્ટીવાસીઓના રહેઠાણ માટે સરકારે ખાસ યોજના લાવવની આવશ્યકતા ઉભી થઇ છે. જેથી સમાજમાં સમાનતા જળવાય તેની શક્યતાઓ વધે.

કોઈ પણ મેગા સિટી હોય કે સ્માર્ટ સિટી તેમાં હજુ પણ એક તરફ ગગનચુંબી બિલ્ડીંગ તો બીજી તરફ ગંદકીથી ખદબદતી ઝૂંપડપટ્ટીના દ્રશ્યો અવશ્ય જોવા મળે છે.  હજુ પણ રાજ્યમાં લાખોની સંખ્યામાં લોકો ઘર વિહોણા હોય ઝૂંપડાઓમાં જીવન ગાળવા મજબૂર બન્યા છે. આવા લોકોને ઘરનું ઘર આપીને તેઓનો રહેઠાણનો પ્રશ્ન નિવારવો જરૂરી બન્યો છે. સરકાર અનેકવિધ આવાસ યોજનાઓ લાવી છે. પણ આ યોજનાઓ વાસ્તવિક રીતે મધ્યમ વર્ગને ઉપયોગી નીવડી છે. તેનાથી નીચે આવતા ગરીબ વર્ગના લોકો આ યોજનાનો લાભ લઇ શકતા નથી. કારણકે તેઓ રોજે રોજનું કમાઈને રોજેરોજનું ખાતા હોય છે. તેઓ આવાસની નાની રકમ ચુકવવા માટે પણ સક્ષમ હોતા નથી.

ઝૂંપડાઓમાં રહેતા લોકોને ઘરનું ઘર આપવાની વાત તો દૂર રહી ઉલ્ટાનું સરકાર દ્વારા તેઓનું ઝૂંપડું પણ છીનવી લેવામાં આવે છે. ઝૂંપડપટ્ટી પાસે જો કોઈ મહત્વનો પ્રોજેકટ આવે તો ઝૂંપડાઓ ઉપર બુલડોઝર ફેરવીને ગરીબોને નોંધારા બનાવી દેવામાં આવે છે. ખરેખર સરકારે ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોને બીજે ક્યાંય રહેઠાણ આપ્યા બાદ જ તેનું ઝૂંપડું હટાવવું જોઈએ.

જૂનાગઢમાં છેલ્લા ૬૯ દિવસથી ઝુંપડપટ્ટીને રેગ્યુલરાઇઝ કરવા બાબતે ચાલતુ આંદોલન

વડાપ્રધાન મોદીના જન્મદિને તેમના જ પોસ્ટર ઉપર કાદવ ઉછાળ્યો: પોલીસે ૨૫૪ આંદોલનકારીઓની કરી અટકાયત

IMG 20200917 WA0015

જૂનાગઢમાં ઝુપડપટ્ટી રેગ્યુલાઇઝ કરવાના મુદ્દે ચાલી રહેલ સત્યાગ્રહના ગઇકાલે ૬૮ માં દિવસે આંદોલનકારીઓ દ્વારા આંદોલનને ઉગ્ર બન્યું હતું અને વડાપ્રધાનના જન્મદિવસે તેમના પોસ્ટર ઉપર કાદવ અને ગોબર ઉડાડવામાં આવ્યો હતો, તથા ૨૫૪ થી વધુ લોકોએ જેલભરો આંદોલન કરી અટક વહોરી હતી.

જૂનાગઢમાં છેલ્લા ૬૮ દિવસથી મનપાના પૂર્વ મેયર લાખાભાઇ પરમાર દ્વારા જૂનાગઢ શહેરની ઝૂંપડ પટ્ટી રેગ્યુલરાઈઝ કરવા માટે સત્યાગ્રહ ચાલી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં ન આવતા, ગઇકાલે આંદોલન ઉગ્ર બન્યું હતું અને સામાજિક અગ્રણી ધર્મેશ પરમારની આગેવાની નીચે ૧૮૨ પુરુષ અને ૭૨ મહિલાઓએ ધરપકડ વહોરી જેલભરો આંદોલનનમાં જોડાયા હતા.

ગઇકાલે શહેરના આંબેડકરનગર સ્થિત આંબેડકરની પ્રતિમા પાસે લાખાભાઈ પરમાર દ્વારા ચલાવાઈ રહેલા સત્યાગ્રહના સ્થળ ઉપર જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, ધારાસભ્યના સચિવ મનોજભાઈ જોશી સહિતના રાજકીય સામાજીક આગેવાનો, ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાન જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારના અને ખાસ કરીને વોર્ડ નંબર ૩ ના મુસ્લિમ આગેવાનો તથા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો મોટી સંખ્યામાં એકઠા થયા બાદ અગાઉ જાહેર કરેલ કાર્યક્રમ મુજબ પુરુષ અને મહિલાઓ મળી કુલ ૨૫૪ થી વધુ લોકોએ જેલભરો આંદોલન માટે અટક વહોરી હતી.

સાથોસાથ ગઇકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હતો ત્યારે ઉગ્ર બનેલ આંદોલનકારીઓએ વડાપ્રધાન પોસ્ટર ઉપર કાદવ, કીચડ અને ગોબર ઉછાળી, વડાપ્રધાનના પોસ્ટર ઉપર પગરખાંના પ્રહાર કરી, મોદી હાય હાય ભાજપ હાય હાય ના નારા લગાવ્યા હતા.

અગાઉથી જ આંદોલનકારીઓ દ્વારા જાહેર કરાયેલા આ પ્રોગ્રામ મુજબ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ જુનાગઢ વિભાગીય પોલીસ વડા પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ, એલસીબી., એસ.ઓ.જી. ના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ સહિતનો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને અટક કરાયેલા આંદોલનકારીઓને હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં છોડી મુકવામાં આવ્યા હતા.

આંદોલનમાં ગઈકાલે સરકારી ગાઈડ લાઈન અને જાહેરનામાનો ભંગ કરી, વડાપ્રધાનના પોસ્ટર ઉપર ગોબર ઉછાળી, માનવીય વર્ગો વચ્ચે દ્વેષની લાગણી ઉદભવે તેવુ કૃત્ય કરવા સબબ મનપાના પૂર્વ મેયરના બે પુત્રો સહિત ૯ આંદોલનકારીઓ સામે નામજોગ અને તપાસમાં ખુલે તે તમામ સામે એ ડિવિઝન પી.એસ.આઇ. એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.