તાલાળા ખાતે શૈક્ષણિક અને વહિવટી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને બિન સરકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા આચાર્ય સંઘના સંયુકત ઉપક્રમે તાલાળા ખાતે શૈક્ષણિક અને વહિવટી માર્ગદર્શન સેમીનાર ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપાધ્યક્ષ બી.એસ.પંચાલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે પંચાલે જણાવ્યું હતું કે, શાળાની તમામ જવાબદારી આચાર્ય પર હોય છે. આચાર્ય શાળામાં આવતા બાળકોથી સંપૂર્ણ પરિચિત હોવો જોઈએ. તેમજ શાળા ઉતરોતર પ્રગતિ કરે અને પરીક્ષાલક્ષી સારા પરીણામો લાવે તે માટેના પ્રયાસો અવિરત ચાલુ રહેવા જોઈએ. એસ.એસ.સી અને એચ.એસ.સી.ના ફોર્મ ભરવાના થાય ત્યારે ફોર્મ કાળજી પૂર્વક તપાસીને મોકલવા જોઈએ. જેથી કરીને પરીક્ષા ફોર્મમાં કોઈ ભુલ ન થાય.
જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ કહ્યું કે, આપણે જીવન ધોરણ સરળ બનાવતી વસ્તુઓ સ્વીકારીએ છીએ એ રીતે શિક્ષણને સરળ બનાવતી પઘ્ધતિઓ અપનાવવી જોઈએ. વિદ્યાર્થીની તંદુરસ્તી, આર્થિક પરિસ્થિતિ, શિક્ષણ અંગેની જાણ આચાર્યને હોવી જોઈએ.
આજે શિક્ષણ જગતમાં બનતા બનાવોનું મંથન કરવાની જરૂર છે. સ્વાગત પ્રવચન ગીર સોમનાથ આચાર્ય સંઘના પ્રમુખ કરશનભાઈ ડોડીયાએ અને કાર્યક્રમનું સંચાલન તેમજ આભારવિધિ ભુપેન્દ્ર જોષીએ કરેલ હતું. આ તકે કરશનભાઈ સોલંકી, જે.વી.હુંબલ, લાલાભાઈ ઓડેદરા, ભરતભાઈ વાળા, ધીરૂભાઈ મકવાણા સહિતના શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.