ફેસબૂકનો “ફેસ-ઓફ” કે અંકુશ જરૂરી?!!!
વપરાશકર્તાઓ સાથે અવાર-નવાર છેતરપિંડી કરનાર ફેસબૂકને ‘તિલાંજલિ’ આપવાનો સમય પાકી ગયો?
આશરે ત્રણ દિવસ પૂર્વે ફેસબુકે 53 કરોડ વપરાશકર્તાઓના ડેટા લીક કર્યાની રાવ ઉઠી હતી.જે બાદ વપરાશકર્તાઓની વિગતો લીકની માહિતી સાચી હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ ફેસબુકે એક નિવેદન જાહેર કરતાં કહ્યું છે કે, 53 કરોડ ગ્રાહકોના ડેટા અમે સપ્ટેમ્બર 2019માં જ સ્ક્રેપ કરી નાખ્યા હતા તો ડેટા લીક થવા થયા હોવાની કોઈ વાત જ આવતી નથી. એકતરફ ફેસબૂક વપરાશકર્તાઓની વિગતો લીક કરી નાણાં રળી રહ્યું છે તો બીજી બાજુ વપરાશકર્તાઓને હજુ પણ છેતરવાનો પ્રયત્ન પણ કરી રહ્યું છે. જે રીતે દિનપ્રતિદિન ફેસબૂક તેના વપરાશકર્તાઓનો વિશ્વાસ ગુમાવી રહી છે તે જોતાં હાલના તબક્કે એક બાબત બિલકુલ સ્પષ્ટ છે કે, હવે ભારત સહિત સમગ્ર વિશ્વને ફેસબુકનઓ વિકલ્પ શોધી લેવો પડશે. કોઈપણ સોશ્યલ મીડિયા સાઇટ પર લોકો આંખ બંધ કરીને વિશ્વાસ મુકતા હોય છે અને જ્યારે આ વિશ્વાસ તૂટતો હોય છે તો વપરાશકર્તાઓમાં ચિંતાના મોજાની સાથે રોષ પણ ભભૂકી ઉઠતો હોય છે. એક કહેવત છે કે, ’કોઈ પણ ધંધામાં ગ્રાહક સર્વોપરી હોય છે.’ ગ્રાહકને ભગવાનનો દરજ્જો દેવામાં આવે છે. ફેસબૂક માટે તેના વપરાશકર્તાઓ જ ભગવાન છે અને ફેસબુક અવાર નવાર તેના ભગવાનને જ છેતરવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે હવે સવાલ ઉદ્ભવી રહ્યો છે કે, શું ફેસબૂકને તિલાંજલિ આપી દેવાનો સમય પાકી ગયો છે?
ફેસબુક યુઝર્સની મોટી સંખ્યામાં ડેટા લીક થયાના સમાચાર ત્રણ દિવસ પૂર્વે પ્રકાશમાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, 533 મિલિયન(53 કરોડ) ફેસબુક વપરાશકર્તાઓની વ્યક્તિગત વિગતો ઓનલાઇન લિક થઈ હતી, જેને હેકિંગ ફોરમ પર નિશુલ્ક પોસ્ટ કરવામાં આવી છે. લીક વિગતોમાં વપરાશકર્તાઓનું નામ, લિંગ, વ્યવસાય, વૈવાહિક અને સંબંધની સ્થિતિ, કાર્યસ્થળ શામેલ છે. અસરગ્રસ્ત વપરાશકર્તાઓ ભારત સહિત 105 થી વધુ દેશોના છે. જેમાં 60 લાખ જેટલા ભારતીય વપરાશકર્તાઓનો પણ સમાવેશ થાય છે. અગાઉ અનેકવાર ફેસબુકે વપરાશકર્તાઓની વિગતો લીક કરી હોવાની રાવ ઉઠી હતી. ડેટાબેઝને પ્રથમ વખત 2019 માં લીક કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર શોધ દીઠ 20 ડોલરના ના દરે વેચવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ ફેસબુકે કહ્યું હતું કે, કંપનીએ આ સમસ્યાને ઠીક કરી દીધી છે. પરંતુ જૂન 2020માં અને ફરીથી જાન્યુઆરી 2021 માં આ ડેટાબેઝ લીક થઈ ગયો હતો. આ કેસ સૌપ્રથમ સાયબર સિક્યુરિટી ફર્મ હડસન રોકના સહ-સ્થાપક અને મુખ્ય તકનીકી અધિકારી એલોન ગેલ દ્વારા બહાર આવ્યો હતો. હવે ગેલે ફરી એક વખત લીક થયેલી ડેટાબેસ માહિતી શેર કરી છે.
છેલ્લા 15 દિવસમાં ભારતમાં ડેટા લીક થવાનો આ બીજો કેસ છે. અગાઉ તાજેતરમાં જ લોકપ્રિય મોબાઇલ પેમેન્ટ અને ડિજિટલ વોલેટ કંપની મોબીક્વિકના 100 મિલિયન વપરાશકર્તાઓનો ડેટા લીક થવાના અહેવાલો પણ આવ્યા હતા. જોકે મોબીક્વિકે ડેટા લીક થવાના અહેવાલોને નકારી કાઢતાં કહ્યું હતું કે, તેને હજી સુધી આ સંદર્ભમાં કોઈ પુરાવા મળ્યા નથી.
ફેસબૂકથી તમારા ‘ખિસ્સા’ સરખા રાખવા જરૂરી!!!
જે રીતે ભીડભાડવાળી જગ્યાએ આપણે આપણા ખિસ્સાનું બરાબર ધ્યાન રાખતા હોઈએ છીએ. તેવી જ રીતે હવે ફેસબૂકથી આપણી ખાનગી વિગતો સમાન ’ખિસ્સા’ સરખા રાખવા અતિ જરૂરી છે. ફેસબુકે હવે વિશ્વસનીયતા ગુમાવી છે. ’ભરોસાની ભેંસ પાડો જણે’ મુજબ વપરાશકર્તાઓએ વિશ્વાસ રાખીને ફેસબૂક પાસે તેમની ખાનગી વિગતો જાહેર કરી હોય છે પણ અવિશ્વસનીય ફેસબુકે તેના ગ્રાહકરૂપી વપરાશકર્તાઓના ડેટા લીક કરીને ’પાડો જણ્યો’ છે. આ ’પાડો’ હવે ફેસબૂકને જ ’શીંગડા’ મારે તેવું પણ ચોક્કસ લાગી રહ્યું છે. બજારમાં જે વેપારી વિશ્વસનીયતા ગુમાવે તેની ’દુકાને’ તાળું લાગે જ તેવી રીતે હવે ફેસબૂકરૂપી દુકાને સમગ્ર વિશ્વમાં વિશ્વસનીયતા ગુમાવી છે તો હવે તાળું લાગવાનો સમય પણ પાકી ગયો હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. જે રીતે ફેસબૂક દાવો કરી રહી છે કે, કોઈ ડેટા લીક થયા જ નથી. તે દાવો બિલકુલ પોકળ છે તેની સાબિતી એ છે કે, વપરાશકર્તા જાતે જ ચકાસી શકે છે કે, તેમના ડેટા લીક થયા છે કે કેમ? વપરાશકર્તાઓ https://haveibeenpwned.com સાઇટની મદદથી જાણી શકે છે કે, તેમની વિગતો લીક થઈ છે કે નહીં.
ફેસબૂક ‘તરત’નું પાલન કરવામાં બિલકુલ નિષ્ફળ!!!
કોઈ પણ ધંધો હોય કે સોશ્યલ મીડિયા સાઇટ્સ હોય તેના માટે ’ TARAT (તરત)’નું પાલન કરવું અતિ જરૂરી છે. તરત એટલે કે ટ્રસ્ટ વર્ધિનેશ(વિશ્વસનીય) હોવું જરૂરી છે. એકાઉન્ટેબિલિટી(જવાબદારી), રિઝલ્ટ ઓરિયન્ટેડ(પરિણામલક્ષી), એક્યુરસી(સચોટ), ટ્રાન્સપરન્સી(પારદર્શકતા) હોવી અતિ આવશ્યક છે. તો જ કોઈ ગ્રાહક કે ગ્રાહકરૂપી વપરાશકર્તાઓનો વિશ્વાસ મેળવી શકાય છે પરંતુ ફેસબૂક આ પાંચેય પેરામીટર્સમાંથી એક પણનું પાલન કરી ગ્રાહકવર્ગનો વિશ્વાસ જીતી શકી નથી. અધૂરામાં પૂરું ફેસબુકે ફક્ત વપરાશકર્તાઓને ઉપાધિ જ કરાવી છે. લગભગ તમામ સોશ્યલ મીડિયા સાઇટ્સથી વધુ ફેસબુક સૌથી જૂનું છે અને તેનો ઉપયોગ પણ સૌથી વધુ કરવામાં આવે છે પરંતુ હવે ફેસબૂક જાણે ’ફેકબૂક’બની ગયું છે.
અમારા ‘ઘર’માં અમારા જ ‘કાયદા’ ચાલશે!!!
ફેસબુક થકી કોઇપણ વપરાશકર્તા સાથે થતી સતામણી કે છેતરપિંડી મામલે જ્યારે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાય છે. તેવા સમયે ભોગ બનનાર વ્યક્તિની મદદ માટે સાયબર ક્રાઇમ ઈ-મેલ મારફત ફેસબુક પાસેથી માહિતી માંગતી હોય છે પરંતુ તેવા સમયે પ્રથમ તો ફેસબુક દ્વારા મહિનાઓ સુધી કોઈ પણ જવાબ આપવામાં આવતા નથી. ભાગ્યે જો ફેસબૂક જવાબ આપે તો તે જવાબ માં ફક્ત એક જ બાબત લખવામાં આવતી હોય છે કે, અમારુ હેડકોટર જ્યાં સ્થિત છે ત્યાંના કાયદા મુજબ અમે વપરાશકર્તાઓની કોઈપણ વિગતો આપી શકતા નથી. જેથી પોલીસ પણ આ પ્રકારના ગુનામાં મજબૂર બની ભોગ બનનારની મદદ કરી શકતી નથી. એક બાજુ પોલીસ ખાતાને ફેસબૂક દ્વારા કાયદાનો હવાલો આપીને કોઈ પણ વિગતો આપવાનો નનૈયો ભણી દેવામાં આવે છે જ્યારે બીજી બાજુ એક સાથે 53 કરોડ વપરાશકર્તાઓના ડેટા લીક કરી દેવામાં આવે છે. ત્યારે ફેસબૂકને સ્પષ્ટ સંકેત આપી દેવાની જરૂરિયાત છે કે, જો તમારે ભારતમાં ફેસ-ઓફ ન કરવું હોય તો ભારતના કાયદા મુજબ જ ચાલવું પડશે.