સૌ.યુનિ. દ્વારા ભારતીય સંસ્કૃતિના ઉપક્રમે મનુષ્ય ગૌરવ દિનની મોરબીની કોલેજો દ્વારા ઉજવણી કરાઈ: કુલપતિ ડો.ભીમાણી, શિક્ષણ વિધાશાખાના ડીન ડો. નિદત બારોટની વિશેષ ઉપસ્થિતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના વિકાસ માટે ભારતીય સંસ્કૃતિ ચેર શરૂ કરવામાં આવી છે. ગીતાજીના હાથમાં લઇ સમગ્ર દેશને દુનિયામાં ફરનાર લોકો સુધી ગીતાજીનો સંદેશો પહોંચાડનાર પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના નામ સાથે આ ચેરને જોડીને હવે આ ચેર પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભારતીય સંસ્કૃતિ ચેર તરીકે ઓળખાય છે.
પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના જન્મદિવસને દેશ મનુષ્ય ગૌરવ દિવસ તરીકે ઉજવતો હોય છે. 19 ઓક્ટોબર ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રેરિત પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભારતીય સંસ્કૃતિ ચેર દ્વારા યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું રોપણ થાય અને આજનો યુવાન ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મોરબી શહેર જિલ્લાની જુદી જુદી કોલેજો દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તક્ષશિલા બી.એડ કોલેજ – હળવદ, આર્યતેજ બી.એડ. કોલેજ, નવયુગ બી.એડ. કોલેજ, આઈ એમ કોલેજ, એપેક્સ કોલેજ તદુપરાંત એમ પી પટેલ બી.એડ. કોલેજ, આર. ઓ. પટેલ બીએડ કોલેજ અને પી.જી.પટેલ કોલેજ, મોરબીના સંયુક્ત ઉપક્રમે સનાળા રોડ પર આવેલ પટેલ વાડીમાં અનેક વિદ્યાર્થીઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરસ્વતી નિકેતન આશ્રમ જોધપર (નદી) ના મહંત ભાણદેવજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિમાં મનુષ્ય ગૌરવ વિષય ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ જગ્યાએ મનુષ્ય કેન્દ્રમાં હોય અને આ મનુષ્ય એકબીજાનું ગૌરવ કેળવે તેવા શિક્ષણની આવશ્યકતા છે. તેઓએ અનેક ઉદાહરણ આપી યુવાનોને પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો. ગિરીશ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પાંડુરંગ દાદાને યાદ કરીને તેમને કરેલા કાર્યોની નોંધ લઇ ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય ગૌરાંનવીત છે કે તેમના દ્વારા પૂજ્ય દાદાને ડિલીટની પદવીથી નવાજવામાં આવ્યા હતા. ડો. ગિરીશ ભીમાણીએ મોરબીની કોલેજોના અધ્યાપકો આચાર્યો અને સંચાલકોને આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગના આયોજક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભારતીય સંસ્કૃતિ ચેરના કો-ઓર્ડીનેટર શિક્ષણ વિદ્યાશાખાના ડીન ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપફુલપતિ ડો.નિદત્ત બારોટે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય માત્ર વર્ગખંડની અંદર શિક્ષણ આપતી સંસ્થા નથી પરંતુ વર્ગખંડની બહાર શિક્ષણ આપી વિદ્યાર્થીઓને જીવન કૌશલ્ય પૂરું પાડનાર સંસ્થા છે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભારતીય સંસ્કૃતિ ચેરની વ્યવસ્થા કરી છે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી સતત ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન થઇ શકે તેવા કાર્યક્રમોનું આયોજન થાય છે અને અનેક વિદ્યાર્થીઓ તેમાં જોડાતા હોય છે. આ શ્રિંખલાને આગળ વધારતા આ વખતે ભારતીય સંસ્કૃતિ ચેર દ્વારા આ કાર્યક્રમ મોરબીની વિવિધ કોલેજોને સોપાયો હતો અને આ કોલેજોએ ખુબ સરસ રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોલને વધાવીને આ કાર્યક્રમનું આયોજન મોરબીમાં કર્યું છે.