સોખડાથી વિદેશી દારૂની રિક્ષામાં ડીલીવરી કરવા જતા કુવાડવા પોલીસે દબોચી લીધા
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દરરોજ લાખોની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાઇ રહ્યો છે. ત્યારે ગતરાતે કુવાડવા પોલીસે રૂા.૨.૧૬ લાખની કિંમતની ૫૪૦ બોટલ વિદેશી દારૂ સાથે સોખડાના ચાર શખ્સોને ઝડપી લીધા છે.
ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બે દિવસ પહેલા બામણબોર ખાતેથી રૂા.૨૧ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધા બાદ ગઇકાલે કાલાવડ રોડ પર દુધના ટેન્કરમાં છુપાવેલા રૂ.૧૫ લાખની કિંમતની ૫,૮૩૨ બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લીધો હતો આ ઉપરાંત રઘુવીર પાર્ક અને રિધ્ધી સિધ્ધી સોસાયટીમાંથી પણ વિદેશી દારૂ અંગે દરોડા પાડયા હતા.
દરમિયાન ગઇકાલે સાંજે જી.જે.૩એયુ. ૭૬૧૭ નંબરની સીએનજી રિક્ષામાં વિદેશી દારૂની ડીલીવરી કરવા જઇ રહ્યાની બાતમીના આધારે કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. પરમાર, પી.એસ.આઇ. બી. પી. મેઘલાતર, હેડ કોન્સ્ટેબલ બી.ડી.ભરવાર, જગમાલભાઇ ખટાણા અને રાઇટર હિતેશભાઇ ગઢવી સહિતના સ્ટાફે સોખડાથી માલીયાસમ તરફ જતા રીંગ રોડ પર વોચ ગોઠવી દરોડો પાડયો હતો.
જી.જે.૩એયુ.૭૬૧૭ નંબરની રિક્ષાની તલાસી લેતા તેમાંથી રૂા.૨.૧૬ લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની ૫૪૦ બોટલ વિદેશી દારૂ મળી આવતા દારૂની ડીલીવરી કરવા જઇ રહેલા સોખડા ગામના ધનજી ધના રાઠોડ, અકબર આદમ આંબાતર, સુરેશ ઉર્ફે મુળો પ્રેમજી સાંકળીયા અને રાજુ ઓધલ ધરજીયા નામના શખ્સોની ધરપકડ કરી છે.
ચારેય શખ્સો વિદેશી દારૂ કયાંથી લાવ્યા અને કોને આપવા જઇ રહ્યા હતા તે અંગેની પૂછપરછ માટે ચારેયને રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.