અન્ય તહોમતદારો સાથે થતા વર્તનથી તદન વિપરીત પોલીસનું વર્તન જોઈ પ્રજા સમસમી ઉઠી: મોટો તોડ થયા હોવાની ચર્ચા

ગત તા.૧૮-૧૯ ગુજરાત પોલીસ વડાના આદેશોને પગલે રાજયભરમાં કોમ્બીંગ નાઈટ પેટ્રોલીંગ રાખવામાં આવ્યું હતું ત્યારે મેંદરડા પોલીસે પણ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મેંદરડાથી સાસણ રોડ તરફ માલણકા ગામેથી હોન્ડા કંપનીની લકઝરીયસ કારમાંથી બિયરના ટીન સાથે ગાડીના ડ્રાઈવર સહિત પાંચ નબીરાઓને રાત્રીના ત્રણ વાગ્યાના સુમારે ઝડપયા હતા અને કુલ રૂપિયા ૨,૦૦,૬૦૦નો મુદામાલ કબજે કર્યો હતો પણ સ્થાનિકોમાં ઉડતી ચર્ચા મુજબ પોલીસને ઉપરના આદેશો અને બાતમીના પગલે આ નબીરાઓ સામે ઘરાર કાર્યવાહી કરવી પડી હોય તેવી વાતો ચાલી રહી છે. સામાન્ય ગુનામાં ઝડપાયેલા અથવા રજુ થયેલાના પુંઠા સાફ કરી નાખતી પોલીસે આ નબીરાઓને મોંઘેરા મહેમાનની જેમ સાચવ્યા હોવાનું પ્રજામાં ચર્ચાતા સ્થાનિકો સમસમી ઉઠયા હતા.

આ અંગે વધુ વિગત અનુસાર રાજયના પોલીસવડાને આદેશોને પગલે ગત તા.૧૮ના રોજ મેંદરડા પોલીસ પોતાના વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મેંદરડાના માલણકા પાસે ગ્રીન વુડ હોટલની સામેથી રાત્રીના સવા ત્રણ વાગ્યે હોન્ડા કંપનીની લકઝરીયસ કારને આંતરી ચેક કરતા તેમાંથી અમદાવાદના પાંચ નબીરા, ઉજજવલ હરેશ પટેલ, જેનીસ બીપીન પટેલ, કલ્પેશ રમેશ પટેલ, નીકુંજ ચંદ્રકાંત પટેલ અને મનન મયુર રાવલ બીયરના છ નંગ ટીન સાથે ઝડપાયા હતા. ઉપરની ભીંસના કારણે પોલીસે કાર્યવાહી તો કરી છ બીયરના ટીન સાથે ૨,૦૦,૬૦૦નો મુદામાલ જપ્ત પણ કર્યો પણ આ લોકો સાથેનો પોલીસનો વ્યવહાર સામાન્ય તહોમતદારો સાથે થતો હોય તેવો ન થતો હોય તેવો પ્રજાને જોવા મળ્યો ન હતો.

પરંતુ વિપરીત પોલીસ માટે માઈ બાપ આવ્યા હોય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. સામાન્ય પીધેલ કે દેશી દારૂ સાથે ઝડપાયેલાને પોલીસ લોકઅપના કલાકો કાઢવા મહા મુશ્કેલ બને છે ત્યારે આ લોકોએ લોકઅપના કલાકો પણ મોબાઈલની મોજ માણતા માણતા પસાર કર્યા હતા. પોલીસે આ લોકો માટે લોકઅપ નહીં પણ તમામ સુખ સુવિધાઓ પોલીસ સ્ટેશનમાં ઉભી કરી મહેમાનની જેમ સાચવ્યા હોવાની ચર્ચા હાલ મેંદરડા પંથકના જાણકાર સુત્રોમાં ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.