ફેસબુક, ગુગલ, માઈક્રોસોફટ અને નેટફલ્કિસ જેવી ડિજિટલ ઉપરાંત સોશિયલ મીડિયા કંપનીઓ હવે ટેકસના દાયરામાંથી છટકી નહીં શકે
ભારત સહિત વિશ્ર્વના 136 દેશો વચ્ચે કરાર થતા OECDમાં ઈતિહાસ રચાયો; મલ્ટીનેશનલ કંપનીઓએ ફરજિયાત પણે ઓછામાં ઓછો 15% ટેકસ અને ગ્રાહક કેન્દ્રિત દેશોમાં નફામાંથી આપવો પડશે ભાગ; ભારતને થશે મોટો લાભ
ફેસબુક, ગુગલ અને ટ્વિટર જેવી સોશિયલ મીડિયા કંપનીઓ ‘મફત’ના નામે કરોડો-અબજો રૂપિયા રળે છે. જાહેરાત, યુઝર્સની વર્તુણુંક થકી ડિજિટલ માર્કેટમાં સોશિયલ મીડિયા કંપનીઓ ધમધોકાર ચાલી રહી છે અને સામે આપણને શું મળે ? યૂઝર્સ તો ઠીક સરકારને પણ ટેક્સના પૈસા ચૂકવવાને લઈ સોશિયલ મીડિયા કંપનીઓ સતત આડોળાઈ કરતી જોવા મળી છે.
જેનું જવલંત ઉદાહરણ હમણાંજ ઓસ્ટ્રેલિયામાં જોયું.અહીં તો ફેસબુક પર જ પ્રતિબંધ લાદી દેવાયેલો. જો કે, અંતે વિવાદ સમતા ફરી સેવા શરૂ થઈ ગઈ હતી. આવી ગતિવિધિઓ અને કરચોરી પર રોક લગાવવા વિશ્વના 136 દેશો વચ્ચે મહત્વના કરારને આખરી ઓપ અપાયો છે.
ઈકોનોમીક કો-ઓપરેશન અને ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશનની ગઈકાલે મળેલી મિટિંગમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો છે કે ગૂગલ, ફેસબુક, માઈક્રોસોફ્ટ અને નેટફ્લિક્સ સહિતની મલ્ટિનેશનલ કંપનીઓએ હવે સરકારને ઓછામાં ઓછો 15 ટકા ટેક્સ ચૂકવવો જ પડશે. એટલું જ નહીં ભારત જેવા ગ્રાહક કેન્દ્રિત દેશોને નફામાંથી પણ ભાગ આપવો પડશે.
આંતરરાષ્ટ્રીય કર મુદ્દે લેવાયેલ આ નિર્ણયમાં જી-20 દેશો ઉપરાંત ઓઈસીડીના એમ કુલ મળી 140 દેશો વચ્ચે ચર્ચા થઈ હતી. જેમાંથી 136 દેશો સહમત થયા છે. જ્યારે બાકીના 4 દેશ કેન્યા, નાઈઝીરિયા, પાકિસ્તાન અને શ્રીલંકા આ મુદ્દે જોડાયા નથી. નોંધનીય છે કે, ઓઈસીડીમાં લેવાયેલા નિર્ણયના પગલે હવે સોશિયલ મીડિયા,ડિજિટલ તેમજ ઈ-કોમર્સ કંપનીઓએ હવે દરેક સહભાગી દેશમાં 15 ટકા અથવા તેનાથી વધુ ટેક્સ ચૂકવવો પડશે.
આ સાથે ખાસ કરીને સોશિયલ મીડિયા કંપનીઓ કે જેનો પાયો જે-તે દેશમાં નથી પરંતુ બહારથી મોટા પ્રમાણમાં બજારનો હિસ્સો ધરાવે છે તો તેઓએ સરકારને તેમના નફામાંથી પણ ચુકવણી કરવી પડશે. મહત્વનું છે કે, ભારત અગાઉથી જ આ મુદ્દે સક્રિય હતું. ભારત ઘણા વર્ષોથી ઓઇસીડીમાં આ મુદ્દે વાત કરતું હતું. જે પાર વર્ષો બાદ 136 દેશો દ્વારા મહોર લગાવી દેવામાં આવી છે. મલ્ટિનેશનલ કંપનીઓ પર ટેક્સ લાગતા પ્રણાલીમાં વધુ સુગમતા અને સરળતા આવશે તેમજ વૈશ્વિક ટેક્સ કલેક્શનમાં આશરે ૧૨૫ મિલિયન ડોલર વધુ ઉમેરાશે.
માત્ર આટલું જ નહીં પરંતુ આ વૈશ્વિ કર પ્રણાલીમાં આવેલા મોટા સુધારાથી આગામી સમયમાં ટેક્સ હેવનનો પણ અંત આવી જાય તો નવાઈ નહીં..!! કારણકે સિંગાપોર , પનામા, લક્ઝમબર્ગ, સ્વિતર્ઝલેન્ડ જેવા દેશો કે જ્યાં બહારની કંપનીઓ માટે ટેક્સમાંથી છૂટી અથવા તો નહિવત ટેક્સ હોય છે.
આથી મલ્ટીનેશનલ કંપનીઓ આવા ટેક્સ હેવન દેશોમાં વધુ “પાંખો” ફેલાવે છે અને સામે ટેક્સ ભરવાની ચિંતા નથી હોતી. પરંતુ હવે 136 દેશોમાં ઓછામાં ઓછો 15% ટેક્સ લદાતા ટેક્સ હેવનની નાબુદી તરફ આ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય ગણી શકાય. ઉલ્લેખનીય છે કે ભારતમાં ગૂગલ, ફેસબુક જેવી સોશિયલ મીડિયા કંપનીઓ પર તેમના જાહેરાતના ધંધામાંથી 6% ટેક્સ વસુલાતો હતો પણ હવે બેગણા વસૂલી શકાશે.