ચારિત્ર્યની શંકા અને કંકાસથી કંટાળી કૃત્ય આચર્યાની આશંકા: પત્ની સામે હત્યાની કોશિષનો નોંધાતો ગુનો.
અંજારના મેઘપર કુંભારડીમાં ચોંકાવનારો બનાવ બહાર આવ્યો હતો. જેમાં પત્નીએ રોટલામાં ઝેર ભેળવીને પીરસતા પતિ અને પુત્રને જેની અસર થતા બંનેને સારવાર માટે ભુજ ખસેડાયા હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, મેઘપર કુંભારડીમાં રામદેવ મંદિર પાછળ રહેતા રાઠોડ પરીવારમાં બે દિવસ અગાઉ પત્નિ હેમીબેને બાજરીના રોટલા ઘડી અને તેની સાથે ઝેર જેવો પદાર્થ ભેળવીને પોતાના પતિ દુદાભાઈ હરીભાઈ રાઠોડ અને પુત્ર નરશી ઉર્ફે લાલોને પીરસ્યા હતા. જેને જમ્યા બાદ બંનેને તેની અસર થવા માંડી હતી અને બેભાન થઈ ગયા હતા.
ઘરના બંને પુરુષોની હાલત ખરાબ હોવાની ખબર પડતા રાપરથી તેમના પરીવારજનો આવી પહોંચ્યા હતા અને આદિપુરની હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા હતા. જયારે એક કુટુંબીજનોએ ઘરની તપાસ કરતા પાછળ ફેંકેલો લોટ અને જંતુનાશક જેવી દવાના પડીકા રસોઈની સામગ્રી પાસે પડેલા હોઈ તેમને શંકા ઉપજી હતી. જેથી મોહનભાઈ સુજાભાઈ રાઠોડે અંજાર પોલીસ મથકે હેમીબેન વિરુઘ્ધ તેમના પતિ અને પુત્રની હત્યા કરી નાખવાના પ્રયાસની ફરિયાદ દાખલ કરાવી હતી.
સુત્રોએ જણાવ્યું હતું કે, પતિ વારંવાર પત્નીના ચરિત્રને લઈને વહેમ રાખીને કંકાસ કરતા હતા અને પુત્ર તેનો સાથ આપતો હોવાથી રોષ રાખીને આ કૃત્ય આચરાયું હતું. ફરિયાદ અંગે તપાસનીસ પોલીસ અધિકારી પી.કે.ઝાલાનો સંપર્ક સાધતા તેમણે પ્રાથમિક તપાસમાં ચરિત્રની વહેમ રાખીને આ પગલું આચરાયું હોવાનું અને પુછપરછ હાલમાં ચાલુ હોવાનું જણાવ્યું હતું તો ઘટનામાં બેભાન અવસ્થામાં મળી આવેલા પતિ અને પુત્રને ભુજની જી.કે.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.