મંત્રી જીતુભાઇ વાઘાણીએ ભારે વરસાદની આગાહી સબબ તંત્ર દ્વારા વ્યવસ્થાપન સમીક્ષાર્થે બેઠક યોજી: કંટ્રોલ રૂમ, બચાવ રાહત ટુકડી, પૂર ગ્રસ્ત વિસ્તારમાં જરૂરી સુવિધાઓ, શેલ્ટર્સ, ફૂડ પેકેટ સહિતની તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની માહિતી મેળવી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી અનુસંધાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નિશ્રામાં બચાવ રાહત વ્યસ્થાપનની કામગીરીની સમીક્ષા અર્થે તમામ જિલ્લામાં પ્રભારી મંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીએ જિલ્લા પ્રસાશન સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી તૈયારી અંગે સમીક્ષા કરી હતી.

મંત્રી વાઘાણીએ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ પૂર બચાવ, કંટ્રોલ રૂમ,  નદી તેમજ ડેમ વિસ્તારમાં લોકોની અવરજવર પર નિયંત્રણ સાહિતિની સૂચના આપી હતી. વધારે વરસાદની પરિસ્થિતિમાં શાળામાં રજા રાખવા સ્થાનિક સ્તરે નિર્ણય લેવા મંત્રી જીતુભાઇએ અનુરોધ કર્યો હતો.

હોનારત જેવી પરિસ્થિતિમાં કુદરતી અકસ્માતમાં કોઈ પશુ કે માનવ મૃત્યુ થયે તેમને પૂરતી સહાય આપવાની જોગવાઇનો ઉલ્લેખ શ્રી વાઘાણીએ કર્યો હતો.મંત્રીએ  પ્રવર્તમાન ડેમની પરિસ્થિતિ જાણી, આવનારા સમયમાં જરૂર પડ્યે આસપાસના ગામોને સચેત કરવા તેમજ જરૂર પડ્યે સ્થળાન્તર કરવા માટે પ્રસાશનને તૈયાર રહેવા સૂચના આપી હતી. આ તકે મંત્રીએ લોકોને ભયભીત ન થવા પરંતુ સાવચેત રહેવા ખાસ અપીલ કરી હતી.

કલેક્ટરે  વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, એન.ડી.આર.એફ. એસ.ડી.આર.એફ., તરવૈયા સહીત બચાવ રાહત ટુકડીઓ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. ફૂડ પેકેટ્સ તેમજ સ્થળાંતર માટે શેલ્ટર્સની વ્યવસ્થા તેમજ રાશનની દુકાન અને આંગણવાડીઓમાં પર્યાપ્ત માત્રામાં રાસનનો જથ્થો ઉપલબ્ધ કરાયાનું પણ મંત્રીએ  જણાવ્યું હતું.

પોલીસ વિભાગ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જરૂરી બંદોબસ્ત, બચાવ ટુકડી તેમજ રસ્તા પરના ઝાડપાન દૂર કરવા કુહાડી અને મશીનરી વગેરે સાધનો વિભાગ દ્વારા તૈયાર રાખવામાં આવ્યા હોવાનું પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોરે જણાવાયું હતું.

રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીઓ, મામલતદારઓએ  વિડીયો કોન્ફ્રન્સના માધ્યમથી મંત્રીને પ્રસાશન દ્વારા તૈયારી અંગેની માહિતી પુરી પાડી હતી. આ તકે ઉપસ્થિત મેયર ડો. પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ લાખાભાઈ સાગઠીયા દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સંભવિત પરિસ્થિતિ અંગે  અધિકારીશ્રીઓને તૈયારી અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં.

આ બેઠકમાં અગ્રણીઓ સર્વે કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મનીષભાઈ ચાંગેલા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કે.બી. ઠક્કર, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર, પ્રાંત અધિકારીઓ, ફોરેસ્ટ, આરટીઓ, આરોગ્ય, ફાયર સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા

તાલુકા કક્ષાએ ક્ધટ્રોલ રૂમ ધમધમતા થયા: કલેકટર

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં તંત્ર દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થાની માહિતી  પુરી પાડી જણાવ્યું હતું કે, ડેમ તેમજ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરુ કરી દેવામાં આવ્યા  છે. એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, લાઈફ જેકેટ, ટ્રેકટર, પાણીના પંપ સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે.

તમામ વોર્ડમાં જરૂરી સાધન-દવાનો જથ્થો ઉપલબ્ધ: મ્યુ.કમિશનર 

મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડી તમામ વોર્ડમાં જરૂરી સાધન સુવિધા, દવાનો જથ્થો, ઝાડ કાપવા મશીનરી સાહિતિની વ્યવસ્થા કરી હોવાનું જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.