ગત મોડી રાત્રે ટીમના 22 જવાનોનું આગમન : ખોખળદડ નજીક નદીમાં ડૂબેલા વ્યક્તિની શોધખોળની કામગીરીમાં ટિમ જોડાઈ
રાજકોટ જિલ્લામાં બચાવ કામગીરી માટે એક એનડીઆરએફની ટિમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમના 22 જવાનોનું ગત મોડી રાત્રે રાજકોટમાં આગમન થયું હતું. જો કે હાલ આ ટીમને ખોખળદડ નજીક નદીમાં ડૂબેલા યુવાનની શોધખોળ ચલાવવાની કામગીરી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લામાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે આ કુદરતી આપત્તિ વખતે કોઈ જાનહાની ન સર્જાઈ તે માટે સરકાર દ્વારા રાજકોટ જિલ્લાને એક એનડીઆરએફની ટિમ ફાળવવામાં આવી છે. 6- બટાલિયન બરોડાની આ ટિમ ગત મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં રાજકોટ પહોંચી હતી. જેમાં 22 સભ્યો છે. આ ટિમ દ્વારા જિલ્લાના જે વિસ્તારો પાણીમાં ગરક થયા હશે ત્યાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
ગઈકાલે ખોખળદડ નજીક પુલ ઉપરથી નદીના પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થતી બોલેરો ગાડી પાણીના પ્રવાહ ભેગી તણાઈને નદીમાં ડૂબી હતી. આ સાથે ત્રણ લોકો પણ નદીમાં ડૂબી ગયા હતા. જેમાંથી બેનો બચાવ થયો હતો. જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે. ત્યારે ગત મોડી રાત્રે આવેલી એનડીઆરએફની ટીમને નદીમાં લાપતા થયેલા વ્યક્તિને શોધવાની કામગીરી સોંપવામાં આવી છે. જેથી ટિમ દ્વારા હાલ વ્યક્તિની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.