ઝાલાવાડના વિદ્યાર્થીઓમાં દેશભાવના પ્રગટ થાય તેવા હેતુ સાથે આર્મીના કર્નલ દ્વારા માર્ગદર્શન અપાયું
ઝાલાવાડની શૈક્ષણિક નગરી ગણાતા હળવદ શહેરમાં આવેલ મહર્ષિ ગુરૂકુળ ખાતે એનસીસી (નેશનલ કેડેટ કોર) ર૬ બટાલીયન સુરેન્દ્રનગર યુનિટના કર્નલ કે.આર. શેખર તેમજ આર્મીના સ્ટાફે મુલાકાત લીધી હતી. જેનો મુખ્ય હેતુ મહર્ષિ ગુરૂકુળના વિદ્યાર્થીઓને એનસીસી દ્વારા સૈનિક લેવલની તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગુરૂકુળના સંચાલકો, પ્રિન્સીપાલ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓએ આર્મી સ્ટાફનું સ્વાગત કર્યું હતું.
શિક્ષણક્ષેત્રમાં અગ્રેસર રહી એક દસકાથી વધુ શિક્ષણ જગતમાં આગવી ઓળખ ઉભી કરનાર મહર્ષિ ગુરૂકળમાં એનસીસી શરૂ થવાથી ઝાલાવાડના વિદ્યાર્થીઓમાં ભારત દેશ પ્રત્યે માન – સન્માન વધુ પ્રગટ થશે ઉપરાંત આર્મીના જવાનોની જેમ વિદ્યાર્થીઓ પણ શિસ્તબધ્ધ બનશે. આજરોજ હળવદની મહર્ષિ ગુરૂકુળ ખાતે એનસીસી સેન્ટર માટે આર્મીના કર્નલ કે.આર. શેખર સહિત ફોજી જવાનોએ મુલાકાત લીધી હતી. જેમાં રપ૦૦ જેટલા વિદ્યાર્થીઓએ કર્નલ સહિત ફોજી જવાનોનું ડિસીપ્લીન સાથે સ્વાગત કર્યું હતું. આ તકે ગુરૂકુળના સંચાલકો, પ્રિન્સીપાલ, શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉત્સાહી થયા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દેશભકિત ગીત પર મોકડ્રીલ કરાઈ હતી ઉપરાંત વિદ્યાર્થીનીઓ દ્વારા તલવાર બાજી કરી એનસીસીના ગીત પર કર્નલ સાહેબનું ગાર્ડ ઓફ ઓર્નર દ્વારા રાષ્ટ્રીય સન્માન કર્યું હતું.
વધુમાં કર્નલ કે.આર.શેખરે બાળકોને પોતાના વકતવ્યમાં મા ભારતી માટે બલિદાન આપી દેશભાવના પ્રગટ થાય તેવું માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાના એમ.ડી. રજનીભાઈ સંઘાણીએ કર્નલ સાહેબ અને આર્મિના જવાનોનું ગુલસ્તો આપીને સ્વાગત કર્યું હતું. ગુરૂકુળ કેમ્પસ અને વિદ્યાર્થીઓને જાઈને કર્નલ સાહેબની ટીમ ખુબ પ્રભાવિત થઈ અભિનંદન પાઠવ્યા હતા. રજનીભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે, હળવદમાં એનસીસી ચાલુ થવાથી શિક્ષણક્ષેત્રમાં એક નવું પીછું ઉમેરાઈ જશે.