‘ફ્યુઝન ડાન્સ’માં ગુજરાતની સંસ્કૃતિ ગરબાની વિરાસતનું અદ્ભૂત પ્રદર્શન સરાહનીય: મેજર જનરલ અરવિંદ કપૂરના હાથે સન્માનિત કેડેટ્સ ભાવવિભોર

રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને, રાજકોટ એન.સી.સી.નું નામ રોશન કરનારા શ્રેષ્ઠ કેડેટ્સનું મેજર જનરલ તથા એનસીસી-ગુજરાતના એડિ.ડી.જી. અરવિંદ કપૂરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે એન.સી.સી.ની બે મહિલા ઓફિસર તેમજ એક હવાલદારને પણ તેમની ઉત્તમ સેવા બદલ સન્માનિત કરાયા હતા. રાજકોટમાં ધર્મેન્દ્ર કોલેજ પરિસરમાં આવેલા એન.સી.સી. ગ્રૂપ હેડ ક્વાર્ટરના બ્રિગેડિયર એસ. એન. તિવારીના દિશાનિર્દેશ અને આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આઝાકી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત હાલમાં જ સ્વાતંત્ર્ય પર્વે  દિલ્હી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ યોજાયો હતો. સ્ટુન્ડટ્સ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત અહીં 13 મહેમાન દેશોના વિદ્યાર્થીઓ તથા દેશના 17 રાજ્યોના એન.સી.સી. કેડેટ્સ દ્વારા એક સંયુક્ત ફ્યૂઝન ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ એન.સી.સી.ની પાંચ ગર્લ્સ અને પાંચ બોય્ઝ કેડેડ્સએ ગુજરાતની સંસ્કૃતિને ગરબાના માધ્યમથી રાષ્ટ્રીયસ્તરે પ્રદર્શિત કરી હતી. આ ઉત્તમ પ્રદર્શન બદલ તેઓએ ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત એન.સી.સી.ના થલસેના કેમ્પ, આર્મી એટેચમેન્ટ કેમ્પ તેમજ ફાયરિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં રાજકોટ એન.સી.સી.ના કેડેટ્સએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. જે બદલ તેઓને આજે મેજર જનરલ અરવિંદ કપૂર, (એડિ. ડી.જી. એનસીસી, ગુજરાત, દાદરા-નગર હવેલી, દિવ-દમણ)ના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલ મળીને 17 કેડેટ્સ તથા બે મહિલા ઓફિસર તેમજ એક હવાલદાર તેમની ઉત્તમ સેવાઓ બદલ પ્રશસ્તિ પત્ર પામ્યા હતા.

આ તકે મેજર જનરલ અરવિંદ કપૂરે જણાવ્યું હતું કે, એન.સી.સી.ની વિવિધ પ્રવૃત્તિઓમાં રાજકોટના કેડેટ્સ ઉત્તમ પ્રદર્શન કરે છે. તમે કોશીષ કરીને જે સારું પરિણામ મેળવો છો, તેને આગામી સમયમાં પણ જાળવી રાખજો. તેમણે તમામ કેડેટ્સને પુરસ્કાર બદલ અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.

એન.સી.સી. કેડેટ્સએ જણાવ્યું હતું કે, એડિ. ડી.જી.ના હસ્તે પ્રશસ્તિપત્ર પામીને ગર્વની લાગણી મહેસૂસ કરીએ છીએ. અમને અહીં ટ્રેનિંગ ઓફિસર્સ દ્વારા મળેલી શ્રેષ્ઠ તાલીમના લીધે જ અમે રાષ્ટ્રીય સ્તરે ઉત્તમ પ્રદર્શન આપી શક્યા છીએ, એમ તેઓએ ઉમેર્યું હતું.

દેશભરમાં ગુજરાત પ્રથમ: એનસીસીના કેડેટ્સ લશ્કર કે એન.ડી.એ.માં જોડાયા તો 50 હજારનો પુરસ્કાર

ગુજરાત એન.સી.સી.નો કોઈ કેડેટ્સ ભારતીય સૈન્યમાં કે નેશનલ ડીફેન્સ એકેડમી (એન.ડી.એ.)માં જોડાશે તો તેમને રૂપિયા 50 હજારની રોકડ સહાય આપવામાં આવશે. ઉપરાંત ઉત્તમ પ્રદર્શન કરનારા કેડેટ્સને પણ યોગ્ય રકમનો રોકડ પુરસ્કાર અપાશે, તેમ રાજકોટ પધારેલા મેજર જનરલ તથા ગુજરાત એન.સી.સી.ના એડિશનલ ડાયરેકટર જનરલ અરવિંદ કપૂરે જણાવ્યું હતું.

હાલમાં જ વિવિધ સ્તરે ઉત્તમ પ્રદર્શન કરનારા રાજકોટ ગ્રૂપ હેડ ક્વાર્ટરના 17 જેટલા કેડેટ્સને રૂપિયા 1000-1000નો રોકડ પુરસ્કાર આજે આપવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જ આ રીતે પહેલી વાર રોકડ પુરસ્કાર અપાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.