- એનસીસી દ્વારા સૌપ્રથમ વખત “સૌરાષ્ટ્ર નૌકાયન” નામના આ અભિયાનનું સંચાલન થશે.
જામનગર સમાચાર : ગુજરાત,દાદરા નગર હવેલી, દમણ અને દીવ નિર્દેશાલયના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ રમેશ શનમુગમના નેતૃત્વ હેઠળ ગુજરાત નિર્દેશાલયનાં એનસીસી કેડેટ્સ નૌકાયન અભિયાન પર નીકળ્યા છે. સૌરાષ્ટ્રની દરિયાઈ સીમારેખામાં એનસીસી દ્વારા સૌપ્રથમ વખત “સૌરાષ્ટ્ર નૌકાયન” નામના આ અભિયાનનું સંચાલન થશે.
અરબ સાગરમાં પોરબંદર થી દિવ સુધી લગભગ ૨૪૫ કિલોમીટર સુધીનાં આ અભિયાનમાં ૭૫ એનસીસી કેડેટ્સનો એક સમૂહ જેમાં ૩૬ છોકરીઓ અને 39 છોકરાઓ સામેલ છે. તેઓ ૨૧ ફેબ્રુઆરી થી એક માર્ચ ૨૦૨૪ સુધી ૧૦ દિવસની સમય મર્યાદામાં આ પડકાર જનક સાહસ ને ઉત્સાહપૂર્વક સંપન્ન કરશે.ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ દ્વારા સમર્થિત નૌકાદળ એનસીસીની ૨૭ ફૂટ ડ્રોપ કીલ વ્હેલર નૌકાઓ આ અભિયાનમાં ભાગ લઈ રહી છે.
ગુજરાત નૌસેના ક્ષેત્રના ફ્લેગ ઓફિસર રીયલ એડમિરલ અનિલ જગ્ગીએ કેડેટ્સને ઉત્સાહિત કરવા પ્રેરક સંબોધન કરીને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ઓપચારિક રૂપથી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાનનું કેન્દ્રબિંદુ એ જળ વિસ્તાર છે કે જ્યાં આઈએનએસ ખુકરી પર સવાર સાહસી શહીદોએ ૧૯૭૧ ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની સબમરીનનો સામનો કરતી વખતે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું . આઈએનએસ ખુકરી દીવના સમુદ્ર તરફથી ૪૦ નોટિકલ માઈલ દુર જળસમાધિ લીધી હતી, જેમાં ૧૮ અધિકારીઓ અને ૧૭૬ નાવિકોની પ્રાણોની આહુતિ અપાઈ હતી. આ જહાજના તત્કાલીન કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા, મહાવીર ચક્રએ નૌકાદળની ઉચ્ચતમ પરંપરાઓને જાળવી અને અદમ્ય સાહસ દાખવીને પોતાના જહાજને સમુદ્રમાં ગરકાવ કરવાનો નિર્ણય લીધો હતો.
આ અભિયાનનો ઉદ્દેશ્ય એનસીસીના કેડેટ્સમાં અનુશાસન, નેતૃત્વ અને એકતાના મૂલ્યો સ્થાપિત કરી તેમને દરિયાઈ સૃષ્ટિ થી પરિચીત કરાવવાનો પણ છે. સ્થાનિકોના સહયોગથી આ અભિયાન અંતર્ગત એનસીસી કેડેટ્સ મહિલા સશક્તિકરણ, પુનિત સાગર સ્વચ્છતા અભિયાન , જલ સંરક્ષણ અને મતદાન અધિકાર જેવા અલગ અલગ વિષયો પર સામાજિક જાગૃતિ લાવવા નુક્કડ નાટક અને રેલીઓ પણ યોજશે.