નોન બેન્કિંગ ફાઇનાન્સને લઇ ગુજરાતમાં મંદીના વાદળો ઘેરાયા!!!
મંદીને ખાળવા નવી સરકાર મિલકત ઉપર લિક્વીડીટીની તરલતાની છૂટ આપી બજારમાં પ્રાણ પૂરશે
લોકોને એનબીએફસી એટલે શું તે મહદઅંશે ખબર હોતી નથી અને તેનું મહત્વ શું તેનાથી પણ તેઓ અજાણ હોય છે ત્યારે નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની વિશે વાત કરવામાં આવે તો આ કંપની લોકઉપયોગી તમામ ચીજ-વસ્તુઓ પર ધીરાણ પૂરું પાડતું હોય છે પછી તે હોમ એપ્લાયન્સીઝની ચીજ-વસ્તુઓ કેમ ન હોય. એનબીએફસી લોકોને એરકુલર, ફ્રિઝ સહિતની અનેકવિધ ચીજ-વસ્તુઓ પર ધીરાણ આપે છે કે જે બેંકો આપવામાં અસમર્થ હોય છે.
એનબીએફસી લોકોના જીવનમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે વાત કરવામાં આવે તો એનબીએફસી ક્ષેત્રમાં હાલ તરલતાનો મુદ્દો ખુબજ ચર્ચામાં રહ્યો છે અને ગુજરાતની વાત કરવામાં આવે તો એનબીએફસીના ધિરાણમાં ૨૭ ટકાનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. એનબીએફસીને લઈ રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ અસર જોવા મળે છે.
ત્યારે નવી સરકાર નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીને વધુને વધુ ફંડ કઈ રીતે આપી શકે તે અંગે હાલ ચર્ચા-વિચારણા થઈ રહી છે. એક ઉપાય એવો પણ સામે આવ્યો છે કે, એસેટ ઉપર લીકવીડીટીની છુટ આપી તરલતામાં પણ વધારો કરવામાં આવે. દા.ત. કોઈ એક કંપનીની એસેટ વેલ્યુ જો ૫૦૦૦ કરોડની હોય તો નિર્ધારીત કરેલા દર પ્રમાણે તેને રૂપિયા મળી શકશે જેના કારણે તરલતામાં પણ વધારો જોવા મળશે.
ગુજરાતમાં એનબીએફસી કંપનીની વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૮૬૪૦ કરોડની લોન આપવામાં આવી હતી જે ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષના ત્રીજા કવાર્ટરમાં માત્ર ૧૩૫૭૯ કરોડનું જ ધીરાણ આપવામાં આવ્યું છે. એટલે કહીં શકાય કે અધધધ…. ૨૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિનું નિર્માણ ઈન્ફ્રાસ્ટ્રકચર, લીઝીંગ એન્ડ ફાયનાન્સીયલ સર્વિસ દ્વારા તેના ડિફોલ્ટ પેમેન્ટના કારણે એનબીએફસી ક્ષેત્રને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત રાજયની વાત કરવામાં આવે તો એનબીએફસી ક્ષેત્રમાંથી ધિરાણ લેનાર લોકો રીયલ એસ્ટેટ ક્ષેત્રે, એમએસએમઈ ક્ષેત્રે, ઓટોમોબાઈલ સહિતના ક્ષેત્રના લોકો ધિરાણ લેતા હોય છે. કડવી વાસ્તવીકતા એ પણ છે કે, એનબીએફસી ક્ષેત્ર ઉપર લોકો સૌથી વધુ મદાર રાખતા હોય છે અને જયારે ગુજરાતમાં ૨૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તેને જોતા સમગ્ર ભારત દેશમાં પણ ત્રીજા કવાર્ટરમાં ધિરાણ આપવામાં ઘટાડો જોવા મળ્યો છે.
ભારત દેશની જો વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૨.૬૪ લાખ કરોડ રૂપિયાની લોન માન્ય કરવામાં આવી હતી જે ૨૦૧૮-૧૯માં માત્ર ૨.૦૩ લાખ કરોડ રહેવા પામી હતી. એટલે દેશ આખામાં ૨૩.૧ ટકાનો ધિરાણમાં ઘટાડો જોવા મળ્યો છે જે એક કડવી વાસ્તવીકતા પણ કહી શકાય.
એનબીએફસી ક્ષેત્ર દ્વારા આપવામાં આવેલી લોન અને તેના લાભો લેનાર લોકો પણ તેનો પૂર્ણત: લાભ લેવામાં સફળ થયા નથી જેનું કારણ દેશમાં તરલતાનો અભાવ પણ માનવામાં આવે છે ત્યારે આજે જયારે નવી સરકારનું ગઠન થવા જઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર અને નાણા મંત્રાલય માટે આ એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે કારણ કે ભારત દેશના અનેકવિધ લોકો બેંકોની સરખામણી કરતા એનબીએફસી ક્ષેત્રને વધુ પ્રાધાન્ય આપે છે અને તેમાંથી ધીરાણ પણ લેતા હોય છે.
ત્યારે જો સરકાર દ્વારા એવી કોઈ સારી યોજના એનબીએફસી માટે બહાર પાડવામાં આવે તો આ કંપનીઓ ફરીથી બેઠી થઈ શકે અને બજારમાં તરલતાનો જે સળગતો પ્રશ્ન ઉભો થયો છે તેને પણ શાંતિ કરી શકાય. ત્યારે હાલ સરકાર કંપનીની એસેટ ઉપર લીકવીડીટીની છુટ આપવા માટે ચર્ચા-વિચારણા કરી રહી છે. જો આ શકય થાય તો એનબીએફસી ક્ષેત્ર ફરીથી બેઠુ થશે અને લોકો સરકાર અને ભારત દેશના અર્થતંત્રને પણ વધુને વધુ મદદરૂપ થશે અને બજારમાં રૂપિયા ફરતા તરલતામાં વધારો થતા જે અટકેલા કાર્યો છે તે પૂર્ણ થઈ શકશે.