૧૮.૫૦ લાખ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં: રાજયના ૪૦ હજાર શિક્ષકો પડતર પ્રશ્નોને લઈ એકશન મોડમાં
બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે માસ્તરોએ હજુ તો પરીક્ષા પૂર્ણ થઈ જ નથી ત્યાં પેપર અસેસમેન્ટ પ્રક્રિયાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પ્રાથમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણના માસ્તરોએ તેના પડતર પ્રશ્ર્નો અને માંગણીને લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતીનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ મેમોરેન્ડમની અરજી મુકી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો ચૂંટણી પહેલા તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો તેઓ ધો.૧૦-૧૨ના પેપરો ચેક કરશે નહીં.
રાજયભરના ૪૦ હજાર શિક્ષકોએ મળીને કરેલી આ અરજીથી ૧૮.૫૦ લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં મુકાવાની ભીતિ છે. ૧૯૯૯ થી લાગુ થયેલ સીનીયોરીટી અંગે શિક્ષકોને કોઈપણ પ્રકારનો લાભ ન મળતા માસ્તરોએ અરજી કરી રોષ વ્યકત કર્યો છે.
તાજેતરમાં જ રાજયભરના શિક્ષકોએ પોતાની માંગણીને લઈ ઉગ્ર પ્રદર્શન વ્યકત કર્યું હતું. ત્યારે ફરીથી શિક્ષકોએ જ્ઞાન આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. કહેવાય છે કે, જ્ઞાન બદલ ગુરુને ગુરુ દક્ષિણા આપવાનો રિવાજ છે ત્યારે આ ગુરુ દક્ષિણાની માંગ માટે શિક્ષકોએ બોર્ડ એસેસમેન્ટના પેપર ચેકિંગનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત તેમની માંગ છે કે, આસીસ્ટન્ટ શિક્ષકોને કાયમી ધોરણની પગાર પોલીસી અંતર્ગત વળતર આપવામાં આવે. જો ચૂંટણી પહેલા સરકાર આ અંગે કોઈપણ નિર્ણયો નહીં લે તો ગુજરાતભરના શિક્ષકો મહત્વની ગણાતી ધો.૧૦-૧૨ની પરીક્ષાના પેપરો ચેક કરશે નહીં. આ વર્ષે ધો.૧૦-૧૨ના ૧૮.૫૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે જેની કારકિર્દી જોખમમાં મુકાઈ તેવી શકયતા છે.