આજના યુવા વર્ગે દુનિયાના ફેશન યુગને અપનાવી લીધો છે, ત્યારે ફિલ્મી ગીત “કપડા તન સે ઘટતા ગયા” જેમ ઘણા ટૂંકા વસ્ત્રો પહેરીને આધુનિકતાનું આંધળું પ્રદર્શન કરી રહ્યા છે
દેશના વિવિધ રાજ્યોના પોશાક – ભાષાઓ સાથે સંસ્કૃતિ પણ અલગ જોવા મળે છે : વિદેશી સંસ્કૃતિના અનુકરણના પગલે તથા ફિલ્મોની ફેશનને કારણે યુવા વર્ગ સાથે આજના બાળકો પણ ફેશનેબલ વસ્ત્રો પહેરવા લાગ્યા છે: આજે ફાટેલા જીન્સ સાથે ટી શર્ટનો અનેરો ક્રેઝ જોવા મળે છે
પ્રજાસત્તાક ભારત દક્ષિણ એશિયાનો એક દેશ , જે વિશ્ર્વમાં પ્રથમ ક્રમે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ભૂમિક્ષેત્રે વિશ્ર્વનો સૌથી મોટો સાતમાં ક્રમનો દેશ છે. ભારત વિશ્ર્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી દેશ છે. દક્ષિણમાં હિન્દ મહાસાગર-દક્ષિણ પશ્ર્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણ પૂર્વમાં બંગાળની ખાડીથી ઘેરાયેલો છે. આપણાં દેશની સત્તાવાર ભાષા હિન્દી-અંગ્રેજી સાથે 447 થી વધુ ભાષાઓ બોલાય છે. દેશના વિવિધ રાજ્યો-પોશાક-ભાષાઓ સાથે તેની સંસ્કૃતિ ભલે અલગ હોય પણ સમગ્ર દેશમાં એકતાની ભાવના જોવા મળે છે. રાજ્યો વાઇઝ તેના પોશાક ઉપરથી લોકો ઓળખાય છે. દરેક રાજ્ય કંઇકને કંઇક વિશેષતાને કારણે ભાતીગળ વચ્ચે અનેરી સંસ્કૃતિ ખીલી ઉઠે છે.
આદીકાળથી માનવી સતત વિકાસની પ્રક્રિયા સાથે જોડાયેલો રહ્યો છે. પહેલા પાંદડાઓથી પોતાનુ શરીર ઢાંકતો આજે અદ્યતન વસ્ત્રોથી આકર્ષક દેખાયો છે.આજે વસ્ત્રો કે પહેરવેશથી માણસ ઓળખાય છે. વિશ્ર્વ આખામાં આપણો ભારત દેશ એક જ એવો છે ,જેમાં તહેવાર-પ્રસંગો આધારીત વસ્ત્રો પહેરવાની પરંપરા છે. આજે આપણા દેશમાં રાજ્યો વાઇઝ પોતાની ભાષા સાથે સંસ્કૃતિ તહેવારો અને પોતાનો પહેરવેશ છે, જેમ કે પંજાબના લોકો પંજાબી ભાષા બોલે અને પંજાબી ડ્રેસ સાથે પુરૂષો માથે પાઘડી અવશ્ય પહેરે છે. આજે દેશમાં 40 થી વધુ ભાષા ચલણમાં છે. ઘણીવાર આપણે બોલીએ જ છીએ કે બાર ગાવે બોલી બદલાય દેશમાં ઘણી ભાષાઓ લુપ્ત થઇ ગઇ છે. વિકસતા વિજ્ઞાને અને અદ્યતન ટેકનોલોજીના યુગમાં હિન્દી અને અંગ્રેજી સાથે દરેક રાજ્યોને પોતાની ભાષા છે, પણ તે લોકો હિન્દી-અંગ્રેજીનો ઉપયોગ કરે છે.
વિવિધ રાજ્યોના અને ભારતનાં ટોપ-10 લોકપ્રિય નૃત્ય વિશ્ર્વભરમાં જાણીતા બન્યા છે. દેશમાં વિવિધ આકર્ષક અને અધિકૃત નૃત્યે શૈલીઓ જોવા મળે છે. આપણાં નૃત્યો-પોશાકો સમગ્ર દેશમાં વ્યાપક પ્રમાણે ફેલાયા છે. દરેક રાજ્યોની પોત-પોતાની પરંપરાઓ છે. આપણી ફિલ્મો-ટીવી શ્રેણીમાં પણ ઘણીવાર અને બતાવવામાં આવે છે. નૃત્યએ પ્રદેશના ગૌરવ અને આનંદનું પ્રતિનિધિત્વ કરે છે. આવા બધા રાજ્યોની વિશેષતા જ આપણાં મહાન દેશનાં લોકોને જોડે છે. આસામનું બિહુ નૃત્ય, ગુજરાતના ગરબા, કેરાલાનું મોહિનીયતમ, મધ્યપ્રદેશનું મટકી નૃત્ય, ઓરિસ્સાનું ઓડિસી, પંજાબનું ભાંગડા નૃત્ય, રાજસ્થાનનું ઘૂમર નૃત્ય, તામિલનાડુનું ભારતનાટ્યમ, ત્રિપુરાનું હોજાગિરી, ઉત્તરપ્રદેશનું કથક નૃત્ય જેવા વિવિધ નૃત્યો આપણા દેશની આન-બાન અને શાન છે.
દરેક નૃત્યનાં પોશાકો-સ્ટાઇલ-સંગીત બધુ જ અલગ હોવા છતાં ‘મેરા ભારત મહાન’ની વાત છે. એકતા-અખંડતા એજ આપણા દેશની તાકાત છે. આપણાં ગુજરાતનાં લોકો ગુજરાતી કહેવાય છે. આપણાં ગરબાએ આપણી સંસ્કૃતિનું આભૂષણ છે. સમગ્ર દેશમાં ગુજરાતી લોકો તેની પોતાની રહેલી કરણી-ભાષા-ખોરાક-રિત-રિવાજો વિગેરેને કારણે અલગ તરી આવે છે. ગુજરાતીઓ સંસ્કૃતિને વળગી રહેનાર સાથે તેમનો ખોરાક ક્યારેય બદલી શકતા ન હોવાથી પ્રચલિત ઉક્તિ છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગુજરાતી સ્ત્રીઓ સાડી પહેરે છે. સાથે ઘરેણાંના શોખમાં મંગળસુત્ર-હાર-નથ-કાનમાં ઝુમ્મર-બંગડી-વીંટી-કંદોરો જેવા ઘરેણા પહેરે છે. લગ્ન શણગારમાં સમગ્ર દેશમાં ગુજરાતીઓનો વટ છે. દુલ્હન શણગાર ગુજરાત જેવું વિશ્ર્વભરમાં જોવા મળે. ગુજરાતી સ્ત્રી ચાંદલો કરે છે.
પુરૂષો પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, કોટ, પેન્ટ સાથે પારંપરીક પહેરવેશમાં ધોતી-કૃતા સાથે અહિંના લોકો પોતાની જ્ઞાતિ આધારીત પહેરવેશની પ્રથા આજે 21મી સદીમાં જાળવી રાખી છે. સાહિત્ય-કલા-મનોરંજન સાથે તહેવારોની ઉત્સવોની ઉજવણીમાં ગુજરાતીઓ મોખરે છે. એક જ રાજ્યમાં પણ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ વસ્ત્રો જોવા મળે છે. જેમકે ગુજરાતમાં કચ્છના લોકોનો કચ્છી પહેરવેશ, લગ્ન ખરીદીમાં દેશમાં ગુજરાત નંબર વન છે. વિવિધ સાડીઓ-બાંધણી-પટોળા-પાનેતર આપણી શાન છે. સાડીએ ભારતીય નારીનું પ્રતિક છે જેમાં બનારસી રેશમી સાડી, કાંજીવરમ (તમિલનાડું), તાંતકીસાડી (પશ્ર્ચિમ બંગાળ), સાંભલપૂરી સાડી, પૈંઠણી (મહારાષ્ટ્ર), બાંધણી સાડી, ચિકનકારી, બાલુચરી સાડી જેવી આઠ પ્રકારની સાડી મહિલાઓ માટે ગર્વનું પ્રતિક ગણાય છે.
21 મી સદીના આજના ભારતમાં પરિવર્તન આવ્યુંને લોકોએ વસ્ત્રોમાં બદલાવ કર્યોં. નવા જમાનાની નવી સ્ટાઇલ-નવા વસ્ત્રો સાથે ભારતના લોકોએ પણ ફેશન યુગ અપનાવ્યોને પંજાબના પંજાબી ડ્રેસ હવે ગુજરાત સહિત તમામ રાજ્યોમાં લોકો પહેરવા માંડ્યા છે. ગુજરાતમાં તો સાડી હવે કોઇ પહેરતું નથી. આપણાં દેશની ફેશન પણ ફિલ્મો-ટીવી શ્રેણી જેવી રંગીન અને આકર્ષક છે. દેશનો સમૃધ્ધ સાંસ્કૃતિક વારસો અને હજારો વર્ષોના સૌંદર્ય શાસ્ત્રને ઉજાગર કરે છે. પૂર્વ-પશ્ર્ચિમની સંમિશ્રણ સંસ્કૃતિ આપણાં પહેરવેશમાં પણ આજે જોવા મળે છે. આપણી પ્રકૃતિ-સામાજીક-સાંસ્કૃતિક અને આર્થિક સ્થિતિનું પ્રદર્શન કરવા માટે ફેશન વસ્ત્રો આજકાલ સ્ટેટ્સ બન્યા છે.
સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂ કરીને આજની 21 મી સદી વચ્ચેનો સમય ફેશન પરિવર્તનનો ગાળો છે. હડપ્પા અને મોહેંજોદરોની સંસ્કૃતિથી શરૂ કરી આજની સંસ્કૃતિ એજ વિકસતા પહેરવેશનો ગાળો છે. આપણે તો ઋતુ પ્રમાણેના વસ્ત્રો પણ પહેરીએ સાથે આધુનિક યુગનો શોર્ટસ પણ પહેરીએ છીએ. પહેલાના વસ્ત્રો હવે ટૂંકા થઇ ગયા છે. ફિલ્મોની અસરતળે આપણે આપણી જીવન શૈલીમાં ઘણો બદલાવ કર્યો છે. સુધરેલા સમાજના નવા વસ્ત્રો સામે અભણ-ગમાર લોકોના વસ્ત્રો વચ્ચેનો તફાવત અમીર-ગરીબનાં ભેદભાવ કરે છે. શાળામાં એક જ પ્રકારનો ડ્રેસ હોવાથી ત્યાં આ સમસ્યા રહેતી નથી.
પ્રાચીનકાળ બાદ મધ્યકાલીન યુગમાં બદલાવ આવ્યોને તે અર્વાચીન યુગમાં વિદેશી સંસ્કૃતિના અનુકરણે રીતી-રિવાજો પરંપરાઓ સાથે લોકોની લાઇફ-સ્ટાઇલ અને વસ્ત્રોમાં પણ બદલાવ આવ્યો છે. આજે આપણે ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવતા અમૂક મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરનારને પ્રવેશ નથી અપાતો. ટૂંકા વસ્ત્રો આકર્ષણનું કેન્દ્ર જરૂર બને છે પણ ક્યારેય મુશ્કેલી પણ વધારે છે.
આજનું ટ્રાઉઝર બે હજાર વર્ષ પહેલા યુરેસિયાની જાતિ પહેરતી હતી
ફેશન વસ્ત્રો જો કે ક્યારેય જુના નથી થતાં સાયકલના આરાની જેમ ફરી ફરીને ફેશન ટ્રેન્ડમાં આવે જ છે. આજનું ટ્રાઉઝર બે હજાર વર્ષ પહેલા યુરેશિયાની વિચરતી જાતી પહેરતી હતી. સાદા પેન્ટ, જીન્સ પેન્ટ, બેલબોટમ, જીન્સ ટીશર્ટ, શર્ટ આખી બાંય કે અડધી બાંય જેવી અનેક બદલાવ વસ્ત્રોમાં આપણે જોયા છે. રોટી, કપડાં ઔર મકાનનું ગીતના શબ્દોમાં આવે જ છે કે કપડાં તન સે ઘટતા ગયા આજે તો ઘણા શરમ નેવે મુકીને બહુજ ટૂંકા વસ્ત્રો પહેરીને
આધુનિકતાનું પ્રદર્શન કરી રહ્યાં છે. આજનો યુવા વર્ગ ફેશનની દુનિયામાં આંધળો બનીને ઘણીવાર એવા વસ્ત્રો પહેરે છે જેનાથી આજના વડીલો નારાજ થઈ જાય છે.